સુખ-દુઃખનું મૂળ : વિશ્વાસ - ૨

  September 12, 2017

વિશ્વાસ એ તત્કાલીન કોઈ પર મૂકી શકાય કે આપી શકાય એવી વસ્તુ નથી. ખરેખર વિશ્વાસનું આદાન-પ્રદાન કયા પરિબળો પર આધારિત છે ? તે આવો નિહાળીએ…

વિશ્વાસ ઉદ્‌ભવવાનું મૂળ શું ? (How to build trust?)

“Trust must not immediately assumed or given” અર્થાત્‌ “વિશ્વાસ એ તાત્કાલિક મૂકી શકાય કે આપી શકાય એવી વસ્તુ નથી.” ભૂતકાળના કેટલાક મહત્ત્વના અનુભવોના આધારે બહુધા વિશ્વાસ ઉદ્‌ભવતો હોય છે. સંસાર-વ્યવહારમાં, ધંધા-વ્યવસાયમાં કે આધ્યાત્મિક માર્ગમાં વિશ્વાસુ બનવું એ સુખી જીવનની નિશાની છે. વિશ્વાસ કેળવવા માટે કેટલાંક મહત્ત્વનાં પરિબળો અસર કરતાં હોય છે.

૧. ચારિત્ર્ય :

આપણા શુદ્ધ, પવિત્ર અને પારદર્શક ચારિત્ર્યશીલ જીવનથી આપણા શબ્દો માત્ર શબ્દ ન રહેતાં વચન, આજ્ઞા અને અન્યનાં પ્રેરણાપીયૂષ બની રહે છે. કારણ કે એમાં આપણા પ્રત્યેના વિશ્વાસનો રણકો હોય છે. ઉત્તમ ચારિત્ર્યથી આપણા ઉપરીને આપણા પ્રત્યેનો ભરોસો અને વિશ્વાસ વધુ સુદૃઢ થાય છે.

ઉપરી પદે હોઈએ તો આપણા ઉત્તમ ચારિત્ર્યથી હાથ નીચેના બધા જ આપણા વચન પર વિશ્વાસ મૂકી દરેક વાક્યને ‘પથ્થર કી લકીર’ ગણશે. ક્યારેય તેની અવહેલના નહીં. આદર અને સત્કારથી સૌ કોઈ નવાજે છે. અને કદાચ ગમે તેટલી મોટી પોસ્ટ ઉપર હોય પરંતુ જો ચારિત્ર્યહીન જીવન હોય તો પટ્ટાવાળાથી માંડી શેઠ સુધીના તથા ધંધા-વ્યવસાયમાં વેપારી હોય કે આધ્યાત્મિક માર્ગમાં સંતો, ભક્તો કે સત્પુરુષ હોય; કોઈ તેમનો વિશ્વાસ કરે નહીં.

આ ઉપરાંત આપણાં વાણી, વિચાર અને વર્તનની એકતા રાખવી. કેટલીક વાર સારું સારું બોલવાથી આપણે કોઈની સાથે સારા સંબંધો બાંધવાનો પ્રયત્ન કરતા હોઈએ પરંતુ વાત પ્રમાણેનું વર્તન ન હોય તો શરૂઆતમાં બધા વિશ્વાસ કરે પરંતુ અંતે જાતા કોઈ વિશ્વાસ કરે નહિ કારણ કે એક રહેણી-કહેણી રાખવી કઠણ છે.

“સહેલી છે સૌ કથવી કહેણી, અને મહાદુષ્કર છે રહેણી.”

- શ્રીહરિલીલામૃત : કળશ-૭, વિશ્રામ-૭૦

માટે જે વ્યક્તિના જીવનમાં એક રહેણી અને એક કહેણી હોય; જેવું બોલે એ જ પ્રમાણે કાયમ માટે વર્તે. તેમ જ કોઈને આપેલ વચન પ્રત્યે વર્તવા માટે જે હંમેશાં કટિબદ્ધ રહેતો હોય તેનો ભરોસો સૌ કોઈ કરે છે.

આમ, ચારિત્ર્ય એ આપણા જીવનની વિશ્વસનીય પાત્ર બનવા માટેની સૌથી મોટી મૂડી છે.

૨. વફાદારી :

વફાદારી અને વિશ્વાસ એકમેકનાં પૂરક છે. કોઈ પણ ક્ષેત્રમાં ઉપરી કે નીચેના વર્ગના વિશ્વાસુ બની તેમની નિકટ જવા માટે વફાદારી ફરજિયાત છે. વફાદાર વ્યક્તિ જ વિશ્વાસુ બની શકે છે. જ્યાં જેવી વાત જેને કરવા યોગ્ય હોય તે કરવી જ. તેમાં ઉપરીથી કશું છુપાવવું નહીં. કોઈ નાનીમોટી પોતાની કે અન્યની ભૂલ થાય તો તેને ઢાંકવા કે છુપાવવાને બદલે વાસ્તવિક વાત જેમ છે તેમ જ રજૂ કરી દેવી. કોઈ ઘર-પરિવાર, ધંધા-વ્યવસાયની ખાનગી વાત જાણતા હોય તો તેને અન્યની આગળ જ્યાં-ત્યાં ન કરવી. ઘરની વાત ઘરમાં જ રાખવી.

૩. કર્તવ્યનિષ્ઠા :

સોંપાયેલા કે સ્વીકારેલા કર્તવ્ય બાબતે હંમેશાં સતર્ક રહેવું. ગમે તેવા સંજોગ-પરિસ્થિતિમાં પણ આપણી જવાબદારી અને ફરજોને યથાર્થ બજાવવી જ; તેમાં કોઈ બહાનું કે ગાફલતા ન રાખવી. પૂરા ખંતથી આપણા કર્તવ્યની ફરજને અદા કરવી. ચાહે પછી નાનામાં નાની બાબત હોય કે મોટી. ઘર-પરિવાર, સમાજ, સંસ્થા, દેશ બધું જ મારું છે, મારી જ જવાબદારી છે એવા મમત્વભાવ સાથે થયેલું કાર્ય સહસાથી અને ઉપરી વર્ગમાં વિશ્વસનીયતાનાં ઊંડાં મૂળ રોપે છે.

૪. નિપુણતા :

આપણને જે જવાબદારી, સેવા કે કોઈ પણ કાર્ય સોંપવામાં આવે તો તેને પૂરા ઉત્સાહપૂર્વક સ્વીકારવું. પછી તેના માટે સારામાં સારું પરિણામ આપવાના સઘન પ્રયત્નો કરવા. તેમાં જે કાંઈ કડી ખૂટતી હોય તેને પૂરી તે બાબતમાં સંપૂર્ણ નિપુણ બનવાનો સતત પ્રયત્ન કરતા રહેવું. જેમ જેમ કાર્ય પરત્વે કાબેલિયત વધતી જાય તેમ ઉપરી અને સહસાથીના મનમાં આપણા કાર્યની નિપુણતા અંગેનો ઊંડો વિશ્વાસ જન્મતો જાય છે. જે તે કાર્ય પરત્વેની નિપુણતા આપણને વધુ ને વધુ નિમિત્ત કરવા માટે પ્રેરે છે. અને સામેના પક્ષે પણ આપણા કાર્ય પરત્વે ભરોસો વધતો જાય છે જે આપણને પ્રગતિ અને સફળતા તરફ દોરી જાય છે.

૫. સ્વીકૃતિ :

સ્વતંત્ર અને સ્વચ્છંદી રીતે રહેવા ટેવાયેલી વ્યક્તિને ઉપરી કે અન્ય કોઈની સ્વીકૃતિ થતી નથી. પરિણામ સ્વરૂપે પરસ્પર એકબીજાના સૂચન કે મતનો સ્વીકાર થતો નથી તો પછી પરસ્પર એકબીજા પ્રત્યે વિશ્વાસ તો જન્મે જ ક્યાંથી ? જેટલી સ્વીકૃતિ વધુ તેટલા જેની સાથે કાર્ય કરતા હોય કે રહેતા હોય તેની વધુ નિકટ જવાય. સામેના વ્યક્તિત્વની સ્વીકૃતિ થાય ત્યારે તેમની સાથે મનધાર્યું કરવા-કરાવવાનું મનમુખીપણું રહેતું નથી. પારસ્પરિક સંબંધો સ્નેહભર્યા બને છે જેમાંથી ઊંડા વિશ્વાસની લાગણીનો ઉદ્‌ભવ થાય છે.

અવિશ્વાસ ઉદ્‌ભવવાનાં કારણો શું ?

૧. દંભ-કપટ :

યુક્તિ-પ્રયુક્તિ દ્વારા કોઈને સમજાવી, પટાવી, ભોળવીને પોતાનું કામ કાઢી લેવું તેને આજની પેઢી હોશિયારી એટલે કે ચાતુર્ય માને છે. પરંતુ એવી ખોટી ચતુરાઈ એ ગઠિયાગીરી અને બીજાને મૂર્ખ બનાવવાનો વ્યર્થ પ્રયોગ છે. કારણ કે તેનું દંભ છેવટે કળાયા વગર રહેતું નથી. શ્રીજીમહારાજે દંભથી અવિશ્વાસ થાય છે તે સમજાવતાં કહ્યું છે કે, “સાચા કરતાં દંભીનું બહુ દેખાય પણ ધર્મ-નિયમથી ખસે છે ત્યારે કોઈ ભાવ રાખતું નથી.”

- શ્રીહરિચરિત્રામૃતસાગર : પૂર-૧૯, તરંગ-૬૧

માટે દંભ-કપટ કરનારને એમ રહે કે આપણી ચાલ હંમેશાં ગુપ્ત જ રહેશે. પરંતુ તે આજે નહિ તો કાલે છતરાયા થયા વિનાનું રહે નહીં. છેવટે તેના પરથી સૌને વિશ્વાસ ઊઠી જાય અને તેના ભવિષ્ય માટે પણ ખોટી છાપ ઊભી થાય છે.

૨. અસત્યનો આશરો :

વિશ્વાસ એ સત્યતા ઉપર ચણાયેલી ઇમારત છે. સંસારમાં મોટાભાગની વ્યક્તિ પોતાની આબરૂ, પ્રતિષ્ઠાને જાળવવા તથા લોકોની નજરમાં જેવા છે તેવા નહિ પરંતુ સારા ઠરવા માટે સતત કોશિશ અને ધમપછાડા કરતી હોય છે. પોતાના મૂળ ચહેરાને ઢાંકી પોકળ પ્રતિષ્ઠા પકડાઈ ન જાય તે માટે ઘણી વાર કેટલાક અસત્યનો આશરો લેતા હોય છે. પરંતુ એક વાર બોલાયેલું અસત્ય સો વાર અસત્ય બોલવા પ્રેરે છે. એક-બે-ત્રણ એમ વારંવાર અસત્યનો આશરો લેવાથી પછી નાની નાની વાતમાં પણ ખોટું બોલવાની એક કુટેવ જ પડી જાય છે. અસત્ય બોલનાર વ્યક્તિ યુક્તિ-પ્રયુક્તિ ને કપટ કરી પોતાના ઉપરી, સહસાથી અને પોતાને બધાને છેતરતો રહે છે છેવટે તેના પર કોઈને વિશ્વાસ રહેતો નથી.

૩. અયોગ્ય અનુભવો :

અનુભવ એ વિશ્વાસનો આધાર છે. બહુધા દરેક વ્યક્તિ સામેની વ્યક્તિના થયેલા અનુભવના આધારે તેમના ઉપર વિશ્વાસ મૂકે છે. જો તેમના સારા અનુભવ થયા હોય તો તેમની ઉપર પૂરો ભરોસો મૂકે છે અને ક્યાંક ખરાબ અનુભવ થયો હોય તો તેમના ઉપરથી વિશ્વાસ ઊઠી જાય છે. એટલું જ નહિ, કોઈ એક વ્યક્તિના થયેલા ખરાબ અનુભવોને કારણે બીજી વ્યક્તિ ઉપર પણ અવિશ્વાસ રહે છે. પછી તેનું લોકનજરમાં આદરપાત્ર સ્થાન રહેતું નથી. વળી, આપણા તરફથી થયેલો ખરાબ અનુભવ વ્યક્તિ અન્યને જણાવશે જેથી અન્યને પણ આપણા ઉપર અવિશ્વાસ જન્મશે. જેથી આપણે બધાની દૃષ્ટિએ અવિશ્વસનીય પાત્ર બનતા જઈએ.

૪. નકારાત્મક દૃષ્ટિકોણ :

કેટલીક વ્યક્તિઓને દરેક વ્યક્તિને શંકાની નજરે જ જોવાની કુટેવ પડી ગઈ હોય છે. કોઈ પણ પ્રસંગ કે વાત બને તો તેમાં શું સાચું છે તે જોવાની દરકાર લીધા વિના પોતાની મનની માનીનતા મુજબ દરેક પ્રત્યે નકારાત્મક દૃષ્ટિકોણ બાંધ્યા કરે. એટલું જ નહિ, પછી એવી નકારાત્મક વાતોના પ્રચાર અને પ્રસારનું માધ્યમ પોતે બની જાય. જેનો આવો નકારાત્મક દૃષ્ટિકોણ હોય તે પછી દરેકમાંથી ક્ષતિ-ત્રુટિ ખોતરી ખોતરીને જોયા કરે. છેવટે તેમના આવા વર્તનથી દરેક વ્યક્તિ તેમની સાથે રહેવાનું, કામ કરવાનું ટાળે અને તેના પરથી વિશ્વાસ ઊઠી જાય છે.

૫. અસફળતા

“Trust is like eraser, it gets smaller and smaller after every mistake” અર્થાત્‌ “વારંવાર થતી ભૂલો આપણા ઉપર મૂકેલા વિશ્વાસને ધીરે ધીરે રબ્બરની જેમ ભૂંસતી જાય છે.” કોઈ પણ કાર્યમાં આપણી બેકાળજી કે ભૂલોને કારણે વારંવાર અસફળતા મળે ત્યારે આપણા ઉપરી કે સહસાથીને આપણી ઉપરથી વિશ્વાસ ઊઠી જાય છે. ફરી વાર બીજું કોઈ નવું કાર્ય સોંપતા કે આગળ કરતાં તેઓ પાછા પડે છે. કાર્ય સોંપતાં પહેલાં અસફળતાનાં ચિત્રો તેમની આંખ સામે તરવરવા માંડે છે. પરિણામે તેમને કાયમ માટે વિશ્વાસ ઊઠી જાય છે કે આ કાર્ય નહિ જ કરી શકે. આ ઉપરાંત, વિવેકહીન વર્તન, ઉચ્છૃંખલતા જેવાં અન્ય કારણો પણ અવિશ્વાસનું કારણ બનતાં હોય છે.

વિશ્વાસ ઊભો કરતાં વર્ષો વીતી જાય છે. પરંતુ જો તેનું સતત જતન કરી સાચવી ન રાખીએ તો એક ક્ષણમાં તૂટી જાય છે. જેનું ફળ બહુ મોટું ભોગવવું પડતું હોય છે. કદાચ વિશ્વાસ ફરી વાર સંપાદન કરવા ગમે તેટલા પ્રયત્નો કરીએ પરંતુ સમય-સંજોગ અનુસાર જે કારણથી આપણે વિશ્વાસ ગુમાવ્યો હોય તે વાત કોઈને યાદ આવ્યા વિના રહેતી નથી એટલે કે વિશ્વાસ એ ક્રિસ્ટલ ગ્લાસ જેવો છે જે એક વાર તૂટ્યા પછી ગમે તેટલા પ્રયત્ન કરવા છતાં જેવો પહેલાં હોય તેવો ફરી થતો નથી.

માટે, આપણા જીવનની નાનામાં નાની બાબતમાં પણ સૌનો વિશ્વાસ કેળવવો જેનાથી અનેક ફાયદા થાય છે.

 

વિશ્વાસરૂપી ઇમારત ચણતા ઘણો સમય લાગે છે પરંતુ તે ઇમારત એક નાની સરખી ભૂલથી જમીનદોસ્ત થઈ જાય છે માટે ઉપરોક્ત પરિબળોને હંમેશા ધ્યાનમાં રાખી દરેક માટે ‘વિશ્વાસુ’ બનીએ.