સુખ-દુઃખનું મૂળ : વિશ્વાસ - ૩

  September 19, 2017

વિશ્વાસના આધારે તો સંસારસમુદ્રના વહાણ ચાલે છે માટે જ સૌનૌ વિશ્વાસ કમાવો તે અતિ મહત્ત્વનો છે તો આ લેખમાળા દ્વારા આપણે જાણીશું અન્યોઅન્ય વચ્ચે વિશ્વાસ આદાન-પ્રદાનથી થતા ફાયદા જાણીએ...

અન્ય ઉપર વિશ્વાસ મૂકવાથી થતા ફાયદા :

“Trust is big deal in relationship” અર્થાત્‌ “પારસ્પરિક સંબંધોની સંવાદિતા કેળવવામાં વિશ્વાસ એ અતિ મહત્ત્વનું પાસું છે.” ઘર-પરિવાર હોય, ધંધા-વ્યવસાય હોય કે પછી આધ્યાત્મિક માર્ગ હોય દરેક ક્ષેત્રમાં પ્રારંભે કોઈ ને કોઈ વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકવો જ પડે છે. વિશ્વાસ મૂક્યા પછી પણ જો એમાં નિષ્ફળતા આવે તોપણ ખચકાયા વગર વિશ્વાસ રાખી કાર્યને આગળ વધારતા રહેવાથી તેમનો આત્મવિશ્વાસ વધે છે તથા હજુ વધુ સારી રીતે કાર્ય કરવાનો ઉત્સાહ જાગે છે. તેમનામાં જવાબદારીની ભાવના વિકસે છે, પરસ્પર આત્મીયતા રહે છે. વિશ્વાસ રાખી જવાબદારી સોંપવાથી કાર્યભારથી હળવા રહી શકાય.

એક અનુભવીએ આગળ વધવા અને પ્રગતિ કરવા માટે કાર્યની વહેંચણી વિષે વાત કરતાં લખ્યું છે કે, “જેમ જેમ કંપનીનો વિકાસ થાય તેમ ઉપરીઓએ કામની વહેંચણી કરતાં શીખવું પડે. બધો ભાર પોતાને માથે રાખવાને બદલે સ્ટાફમાં વિશ્વાસ રાખીને તેમને કાર્યભાર સોંપાય, તો રોજબરોજના કામમાં તેમને પણ રસ જાગે.”

અન્ય ઉપર યોગ્ય વિશ્વાસ રાખવાથી આપણું કશું ગુમાવવું પડતું નથી. ઉપરથી નવા કાબેલ અને હોશિયાર લોકોનો પરિચય થાય છે. તેમનો ઉપયોગ કરી શકાય છે. સંસાર-વ્યવહારમાં સમયે સૌ આપણી મદદે આવે ને સુખ-દુઃખના ભાગીદાર થાય છે. માટે સમૂહજીવનમાં અન્ય ઉપર વિશ્વાસ બાંધવો અનિવાર્ય છે.

અન્યનો આપણા ઉપર મુકાતો વિશ્વાસ... તેનાથી શું ફાયદા ?

અન્ય કોઈના વિશ્વાસુ બનવાથી કોઈ પણ ક્ષેત્રમાં આપણી ઝડપી પ્રગતિ થાય છે. વિશ્વાસી વ્યક્તિ પારિવારિક સ્વજન બની જાય છે. ઘર-પરિવારમાં, સમાજમાં, ધંધા-વ્યવસાયમાં, સત્સંગમાં, મહારાજ અને મોટાપુરુષના, સંતો-ભક્તોના વિશ્વાસુ બનવાથી આપણી બધાં ક્ષેત્રોમાં આબરૂ, યશ, કીર્તિ, માન-મોભો દિન-પ્રતિદિન વધે છે. એક આદર્શ વ્યક્તિત્વ તરીકેની ગણના થાય છે. સૌની સાથે એક ઘનિષ્ઠ આત્મીયતા કેળવી શકાય છે. સૌને આપણા પ્રત્યે સહાનુભૂતિ અને હમદર્દી રહે છે. મહારાજ અને મોટાપુરુષનો અંતરનો રાજીપો મેળવી શકાય અને તેમની નિકટની સેવાના નિમિત્ત બની શકાય.

આધ્યાત્મિક માર્ગમાં વિશ્વાસ અને શ્રદ્ધા ચેતનાના પ્રાણ પૂરે છે. આધ્યાત્મિક માર્ગનો પ્રારંભ જ વિશ્વાસથી થાય છે. સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત, સત્સંગી બન્યા પછી એક સત્સંગી તરીકે આપણી ઉપર વિશ્વાસનાં બે પાસાં બંધાયેલાં હોય છે.

૧. મહારાજ અને મોટાપુરુષે આપણી ઉપર મૂકેલો વિશ્વાસ :

મહારાજ અને મોટાપુરુષના વિશ્વાસુ પાત્ર બનવું એ આધ્યાત્મિક ક્ષેત્રે બહુ મોટી પ્રગતિ છે. મોટાપુરુષ આપણને વર્તમાન ધરાવી શ્રીજીમહારાજના આશ્રિત કરે છે; તેની સાથે આપણી ઉપર સત્સંગી તરીકે ઘણીબધી બાબતોમાં બહુ મોટો વિશ્વાસ મૂક્યો હોય છે. જે વિશ્વાસને આપણે પૂર્ણ કરવાનો છે. મહારાજ અને મોટાપુરુષે મૂકેલો વિશ્વાસ અને તેને પૂર્ણ કરવા શું કરવું ? તો,

૧. સત્સંગી ગૃહસ્થ તરીકેનાં પંચવર્તમાન યથાયોગ્ય પાળતા હશે જ. તો આપણે તેને પાળવાં અને આપણું જીવન નૈતિક, પ્રામાણિક અને આચરણશુદ્ધ કરવું.

૨. સત્સંગી તરીકે પરિવારમાં આત્મીયતાભર્યું વાતાવરણ હશે જ. આ વિશ્વાસને પૂર્ણ કરવા પરિવારમાં અને સત્સંગમાં સૌએ સંપ, સુહૃદભાવ અને એકતાથી ભેગા મળી મહારાજને રાજી કરવા.

૩. મહારાજ અને મોટાપુરુષની રુચિ, ગમતા અને આજ્ઞામાં સંપૂર્ણ જીવન જીવતા હશે જ. એમની અપેક્ષા મુજબ જીવન કરવું એ આપણી શિષ્ય તરીકેની ફરજ બજાવવી.

૪. આપણને જે સેવા સોંપી છે તે પૂરેપૂરી જવાબદારીપૂર્વક સંભાળતા હશે. તેના માટે આપણને સોંપેલી સેવા પ્રત્યે મોટાપુરુષ, સંતો કે ઉપરીને સંપૂર્ણ નિશ્ચિંતતા અપાવવી, સોંપાયેલ આર્થિક વ્યવહારોની શુદ્ધતા જાળવવી, સંસ્થાની અંગત માહિતીને છીછરા થઈ જાહેર ન કરવી, મહારાજ, ગુરુ અને સંસ્થાને શોભે એવું દિવ્યજીવન કરવું.

૫. મોટાપુરુષ આપણા આંતરિક જીવન પ્રત્યે પણ ભરોસો મૂકે છે. પરંતુ આપણે મોટાપુરુષની હાજરીમાં જુદા અને ગેરહાજરીમાં જુદા, અંદર જુદા અને બહાર જુદા, એકાંતમાં જુદા અને સમૂહમાં જુદા હોઈએ. આવી બહુરંગી દુનિયાથી મોટાપુરુષે આપણી ઉપર મૂકેલો વિશ્વાસ અવિશ્વાસ બની જાય છે. કેટલીક વાર શિબિરો, સભાઓ ને જ્ઞાનસત્રોમાં જાહેરમાં મોટાપુરુષ પ્રતિજ્ઞા લેવડાવે ત્યારે હાથ ઊંચા કરી ઊભા થઈ પ્રતિજ્ઞા લઈએ પરંતુ પછી એ પ્રમાણેનું આપણું જીવન ન હોય તો મોટાપુરુષ બહુ દુઃખી થતા હોય છે. માટે આ કોરનો વિશ્વાસ અપાવવો. આપેલા વચન માટે બદ્ધ રહેવું.

૬. ગમે તેવા વિપરીત સંજોગોમાં પણ આપણી સમજણ કે સત્સંગને ડગવા દેવાં નહીં. શ્રીજીમહારાજે ગઢડા છેલ્લાના ૧૪મા વચનામૃતમાં સત્સંગી તરીકે કેવી રીતે વિશ્વાસ અપાવવો તે વિષે વાત કરી છે કે, “પરમેશ્વરને ને સંતને કેમ કરીએ તો વિશ્વાસ આવે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “વિશ્વાસ તો પરમેશ્વરને અને સંતને ત્યારે આવે જ્યારે અતિશે માંદો થાય ને તે મંદવાડમાં ચાકરી પણ સારી પેઠે ન થઈ હોય તોપણ કોઈનો અવગુણ ન લે ને પોતે મૂંઝાય પણ નહીં. અને વાંક વિના પણ પરમેશ્વર ને સંત પોતાનું અતિશે અપમાન કરે તોપણ કોઈ રીતે અવગુણ ન લે. ને જેટલા સત્સંગમાં નિયમ છે તેમાંથી જો લેશમાત્ર ફેર પડે તો અતિશે દુખાઈ જાય ને તેનું તત્કાળ પ્રાયશ્ચિત્ત કરે તો પરમેશ્વર ને સંતને તેનો પરિપૂર્ણ વિશ્વાસ આવે.”

સત્સંગમાં આવ્યા પછી મોટાપુરુષ ગમે તેવા તિરસ્કાર કરીને નિધડકપણે વઢે છતાંય સત્સંગમાંથી કોઈ રીતે પાછો પડે નહિ એવો ભરોસો ભગવાન અને સંતને અપાવવા અને (તેમને કાયમ હેત રહેવા) વિષે શ્રીજીમહારાજે ગઢડા પ્રથમના ૭૮મા વચનામૃતમાં કહ્યું છે કે, “જેવો શિવાનંદ સ્વામીના પ્રશ્નનો ઉત્તર કર્યો છે તેવો સત્સંગનો જેને દૃઢ પક્ષ હોય તો તેને કહેતાં-સાંભળતાં ભગવાન ને ભગવાનના સંતને સંશય થાય નહિ અને એનો કોઈ રીતે કુવિશ્વાસ આવે નહિ જે આને કહેશું તો આ સત્સંગમાંથી જાતો રહેશે; તેની કોરનો તો દૃઢ વિશ્વાસ જ હોય જે એનો સત્સંગ તો અચળ છે, માટે એને કહેશું તેની કાંઈ ફિકર નથી. અને બીજા પ્રશ્નનો ઉત્તર એ છે જે, જેને પાસે પોતે પ્રથમ રહેતા હોઈએ અને તેની સાથે પોતાને ન બન્યું ત્યારે બીજા પાસે જઈને રહે તોપણ જેની પાસે પ્રથમ રહ્યો હોય તેનું જો કોઈક ઘસાતું બોલે તો ખમી શકે નહિ ત્યારે સર્વે સંતને એમ સમજાય જે આ તો કૃતઘ્ની નથી, જેને પાસે ચાર અક્ષર ભણ્યો છે તેનો ગુણ મૂકતો નથી, માટે બહુ રૂડો સાધુ છે એમ જાણીને સર્વે સંતને હેત રહે અને જેની પાસે પ્રથમ રહ્યો હોય તેને મૂકીને બીજા પાસે જાય ત્યારે પ્રથમ જેની પાસે રહ્યો હોય તેની નિંદા કરે ત્યારે સર્વ સંતને એમ જણાય જે આ કૃતઘ્ની પુરુષ છે તે જ્યારે આપણી સાથે નહિ બને ત્યારે આપણી પણ નિંદા કરશે, પછી તે ઉપર કોઈને હેત રહે નહીં.”

૨. સત્સંગીના તિલક-ચાંદલા ઉપર લોકોએ મૂકેલો વિશ્વાસ :

સ્વામિનારાયણ ભગવાને સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રારંભકાળથી જ એક વર્તનશીલ અને નીતિમાન સમાજની સ્થાપના કરી છે. આશ્રિત સત્સંગીમાત્રનું સમાજમાં સદૈવ ઊંચું મૂલ્ય અંકાયેલું છે. જેના કપાળમાં તિલક-ચાંદલો અને ગળામાં કંઠી હોય તેમનું જીવન આદર્શ જ હોય. આજે માત્ર ભારતમાં જ નહિ, સમગ્ર વિશ્વમાં સત્સંગી હરિભક્ત ઉપર માત્ર ચાંદલાને જોઈ સૌ વિશ્વાસ મૂકે છે.

એક વખત આપણા એક સત્સંગી હરિભક્ત ઑફિસથી ઘરે આવતાં રસ્તામાં ફ્રૂટની લારીએ ફ્રૂટ લેવા ઊભા રહ્યા. પોતાના ઘર માટે અને ઠાકોરજી માટે આશરે ૪૦૦ રૂપિયાનું ફ્રૂટ ખરીદી થેલી લીધી. પૈસા ચૂકવવા માટે ખિસ્સામાં હાથ નાખ્યો ત્યારે ખબર પડી કે પાકીટ તેઓ ઑફિસે ભૂલી ગયા છે. તેથી તેમણે લારીવાળાને કહ્યું, “ભાઈ, રાજી રહેજો. હું પાકીટ ઑફિસે ભૂલી ગયો છું માટે ફ્રૂટ પાછું લઈ લો.” ત્યારે કોઈ આંખની પણ ઓળખાણ નહોતી એવા રસ્તે જતા ફ્રૂટની લારીવાળા ભાઈએ કહ્યું, “ભાઈ, આપ ફ્રૂટ લઈ જાવ. મને તમારા ચાંદલા ઉપર વિશ્વાસ છે. તમે સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી છો માટે કાલે પૈસા આપી દેજો.”

કોઈ પ્રકારના પૂર્વના સંબંધો વિના માત્ર તિલક-ચાંદલો અને કંઠીના વિશ્વાસે લારીવાળાથી માંડી મોટા મોટા વેપારીઓ, ગ્રાહકો, શરાફો, સગાંસંબંધીઓ, મિત્રો, આડોશી-પાડોશી આપણી ઉપર વિશ્વાસ મૂકે છે કે, એક સ્વામિનારાયણના સત્સંગી તરીકે તેઓ કદી ખોટું નહિ બોલતા હોય, ભેળસેળ, દગા-પ્રપંચ, યુક્તિ-પ્રયુક્તિ, ગેરકાયદેસર ધંધા, કામચોરી, સમયચોરી કે સેવાની ચોરી તેઓ નહિ જ કરતા હોય. તેમનું જીવન, ચારિત્ર્ય શુદ્ધ અને પવિત્ર જ હશે.

પોતાના પરિવારના સભ્યો ઉપર પણ વિશ્વાસ ન મૂકતા હોય એટલો વિશ્વાસ સત્સંગી હરિભક્ત ઉપર મૂકે છે. માટે સત્સંગી હરિભક્ત ઉપર મૂકેલા વિશ્વાસને ટકાવી રાખવા શ્રીહરિએ ભૂજમાં સૌને ભલામણ કરી હતી કે, “હરિભક્તે કોઈનો વિશ્વાસઘાત ન કરવો અને સત્સંગની અદલ રીતથી ચાલવું. સત્સંગીનો શુદ્ધ ધર્મ જોઈ કરોડો પ્રતિષ્ઠિત લોકો પોતાના પુત્ર કરતાં પણ વધુ વિશ્વાસ કરે છે. મિત્ર મિત્રમાં પણ ધન અને નારીના સંબંધમાં વિશ્વાસ રાખનારા થોડા હોય પરંતુ તે સૌ સત્સંગીનો વિશ્વાસ કરે છે. ધર્મથી સત્સંગની મોટાઈ છે.”

- શ્રીહરિચરિત્રામૃતસાગર : પૂર-૭, તરંગ-૧૦

માટે સત્સંગી હરિભક્ત તરીકે અને એક આદર્શ ગૃહસ્થ બનવા માટે આપણી ઉપર મહારાજ અને મોટાપુરુષે મૂકેલા વિશ્વાસને ટકાવવા દૃઢ સંકલ્પ કરીએ કે,

૧. પંચવર્તમાને યુક્ત અણીશુદ્ધ જીવન કરવું છે.

૨. વાણી, વિચાર અને વર્તનની એકતા રાખવી જ છે.

૩. ડિપોઝિટરો, વેપારીઓ, ગ્રાહકોને સંતોષ આપવો છે; માલની, કાર્યની યોગ્ય ગુણવત્તા જાળવવી છે.

૪. શિક્ષાપત્રીની આજ્ઞાઓનું પાલન કરવું છે.

૫. સ્વકેન્દ્રિત અને સ્વાર્થી ન બનતાં પરસુખનો વિચાર કરવો છે.

૬. મહારાજ અને મોટાપુરુષને રાજી કરી આપણી કોરનો સંપૂર્ણ ભરોસો અપાવવો જ છે.