સુખદુઃખમાં ભાગીદાર થઈએ - 4

  September 19, 2014

અન્યના સુખ-દુ:ખમાં ભાગીદાર થવાથી શું શું ફાયદા થાય છે, અને અન્યના સુખ-દુ:ખમાં ભાગીદાર ન થઈ શકવાના કારણો આવો આ લેખ દ્વારા જાણીએ.

અન્યનાં સુખ-દુઃખમાં ભાગીદાર થવાથી થતા ફાયદા :

(1) દુઃખમાં પણ હળવાફૂલ રહેવાય :

ગમે તેવું આભ ફાટી પડે એવું દુઃખ આવી પડ્યું હોય પરંતુ જો એકબીજા સુખદુઃખમાં ભાગીદાર થાય તો દુઃખ ક્યાંય દૂર થઈ જાય તેની ખબર પણ ના પડે. ગમે તેટલું દુઃખ હોય પણ જો એકબીજા ભેગા મળી જઈએ અને દુઃખને ટાળવા પ્રયત્ન કરીએ તો જરૂર ટળે જ. ક્યાંક આપણા પરિવારમાં વિકટ પરિસ્થિતિ આવે ત્યારે અકળાયા વિના, મૂંઝાયા વિના સૌ ભેગા મળીને નિવેડો લાવી શકીએ.

(2) પરિવારમાં આત્મીયતા, પ્રેમ, લાગણી વગેરેનું વાતાવરણ સર્જાય :

પરિવારના સભ્યોની વચ્ચે, એકબીજાની વચ્ચે એક દિવ્ય આત્મીયતાનું સર્જન થાય, એકબીજાની અંતરની લાગણીને સમજી શકાય, સમયે પૂરતો પ્રેમ અને હૂંફ આપી શકાય.

(3) સામેની વ્યક્તિને આપણા માટે ગુણ આવે :

 બાપાશ્રીએ વાતોમાં કહ્યું છે કે, “ભલા ભલાઈ ન મેલે ને ભૂંડા ભૂંડાઈ ન મેલે એવા જીવના સ્વભાવ છે,” એમ જો કોઈ વ્યક્તિ સમયે આપણાં સુખદુઃખમાં ભાગીદાર ન થયા હોય છતાંય આપણે આપણો મદદનો સ્વભાવ ન મૂકવો. જો આપણે એને સમયે મદદ કરીએ તો સામેની વ્યક્તિને આપણા માટે ગુણ આવે અને એ પ્રસંગને એ વ્યક્તિ જીવનકાળ દરમ્યાન ક્યારેય ભૂલી નથી શકતી અને શત્રુ પણ મિત્ર બની જાય છે.

(4) સમયે સૌ મદદે દોડી આવે :

જો અન્ય કોઈનાં સુખદુઃખમાં આપણે ભાગીદાર થયા હોઈશું તો સમય આવ્યે આપણી મદદ માટે કોઈને બોલાવવા નહિ પડે, સામે ચાલીને સૌ મદદે દોડી આવશે. નહિ તો અંતે “જેવું કરીએ એવું પામીએ.”

(5) જીવન જીવવાનો અનેરો આનંદ આવે :

પરિવારના સભ્યોમાં સૌમાં એકબીજાની વચ્ચે સુખદુઃખમાં ભાગીદાર થવાની ભાવનાને કારણે કોઈ પણ નવું કાર્ય કરવું હોય તો ઉત્સાહ અને ઉમંગનું વાતાવરણ સર્જાય છે અને જીવન એક બોજો નહિ પણ આનંદ લાગે છે.

     ઉપર જણાવ્યા મુજબના ફાયદા એકબીજાનાં સુખદુઃખમાં થવાથી થાય છે. આવું આપણે જાણવા છતાંય અન્યનાં સુખદુઃખના ભાગીદાર નથી થઈ ભાગીદાર શકતા તેનાં કારણો તપાસીએ.

સુખ-દુઃખના ભાગીદારન થઈ શકવાનાં કારણો :

(1) એકબીજા માટે બંધાયેલ પૂર્વાગ્રહ :

એકબીજા વચ્ચે બંધાયેલ પૂર્વાગ્રહને કારણે કોઈને જ્યારે આપણી મદદની જરૂર હોય ત્યારે તેના માટેની પૂર્વાગ્રહની છાપ આપણા માનસપટ પર તરવરતી હોય છે. એણે મને મારા પ્રસંગમાં ક્યાં મદદ કરી હતી ? એણે મને બધાની વચ્ચે આવું કહ્યું હતું. કોઈને વિષે થયેલા અભાવ-અવગુણના સંકલ્પના કારણે પણ એકબીજાનાં સુખદુઃખના ભાગીદાર નથી થઈ શકાતું.

(2) સ્વસુખ તરફ જ દ્રષ્ટિ :

એકબીજાનાં સુખદુઃખમાં ભાગીદાર નથી થઈ શકાતું તેનું સૌથી મોટું કારણ જો હોય તો તે છે આપણી સ્વસુખ તરફની દ્રષ્ટિ, સ્વાર્થીજીવન. દરેક વ્યક્તિ જીવનમાં સૌથી પહેલાં એવું વિચારે છે કે મારું શું ? મને તકલીફ કે મુશ્કેલી નહિ પડે ને ! પરિણામ સ્વરૂપે બીજાનું શું ? એ જોવાની દ્રષ્ટિ પામી શકતા નથી. ક્યાંક જો કોઈને મદદ કરતા હોઈએ તોપણ એની પાછળ આપણી બહુ મોટી સ્વાર્થવૃત્તિ રહેલી હોય છે.

(3) દેહદ્રષ્ટિ :

એકબીજાનાં સુખદુઃખમાં ભાગીદાર નથી થવાતું તેનું કારણ આપણી દેહદ્રષ્ટિ. આપણે પોતાને દેહ માનીએ છીએ અને સામે પણ દેહના ભાવોને જોઈએ છીએ. એટલે જ પ.પૂ.સ્વામીશ્રી કાયમ કહે છે કે, “જ્યાં સુધી દેહદ્રષ્ટિ છે ત્યાં સુધી પારકી ક્રિયા, પારકા દોષ, પારકી આકૃતિ અને પારકા સ્વભાવ દેખાશે જ.” પરિણામે એકબીજા પ્રત્યે આત્મીયતા નથી થતી. સૌ મહારાજના મુક્તો છે અને હું પણ મુક્ત છું. બધાય એક બાપના (સ્વામિનારાયણ ભગવાનના) જ દીકરા છીએ, બધા અનાદિમુક્તો જ છે. આવી પરભાવની દ્રષ્ટિ કેળવાય તો સૌનાં સુખદુઃખમાં ભાગીદાર થવાય જ.

(4) વાદવિવાદ :

જ્યારે કોઈ વ્યક્તિના જીવનમાં વિકટ પરિસ્થિતિ આવે ત્યારે મદદ કરવાને બદલે તરત વાદ કરીએ. એણે મને મદદ કરી હતી ? અથવા તો કોઈ સાવ સામાન્ય કારણોસર એકબીજા વચ્ચે સામસામે કોઈ બાબત માટે વાદવિવાદ જેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે, જેનાથી આપણાં મન એકબીજાથી નોખાં થઈ જતાં હોય છે. છેવટે આપણી અંદર રહેલી લાગણી મરી પરવારે છે ને કોઈનાં સુખદુઃખમાં ભાગીદાર થવાની ઇચ્છા જ થતી નથી.

(5) માન :

આપણને અન્યની વાણી અને વર્તન ઘણી વાર વધુ અસર કરી જતાં હોય છે. આવા સંજોગોમાં કેટલીક વાર માનને યોગે કરીને વટ ઉપર વાત જતી રહેતી હોય છે. જેના કારણે એકબીજાની નિકટ આવવાની કે એકબીજાનાં સુખદુઃખમાં ભાગીદાર થવાની ભાવના જન્મતી જ નથી. પોતાના માનના લીધે સામેવાળાને દુઃખ આવે એમાં ક્યાંક આનંદ થતો હોય છે.

સુખ-દુઃખમાં ભાગીદાર થવાના ઉપાયો :

(1) લાગણીશીલ સ્વભાવ કેળવો :

ઘણી વાર આપણે પથ્થર હૃદયના બની જતા હોઈએ છીએ. જાણે આપણામાં દયા, પ્રેમ, લાગણી નામે કોઈ વસ્તુ જ જોવા ન મળે. આપણે બીજાના સુખ માટેનો કે દુઃખ માટેનો વિચાર જ કરતા નથી. એના બદલે થોડા લાગણીશીલ બની તમે તમારા પરિવારજન માટે એવી લાગણી રાખો કે જેઓ તમને પોતાના એક અંગ જેવા લાગે. જેમ આપણી આંગળી પર નાનકડો ચપ્પાનો ઘા વાગ્યો હોય અથવા પગે ઠેસ વાગી હોય ત્યાં જો ભૂલથી કંઈક અથડાય તો કેવો હાયકારો લાગે છે ? કારણ પોતાનો દેહ છે... એમ આપણા પરિવારના સભ્યો પણ આપણા અંગ જેવા છે જેના સુખમાં આપણું સુખ અને દુઃખમાં આપણું દુઃખ માનીએ. તેમના પ્રત્યે આપણા હૈયામાં ધૃણા ઉત્પન્ન કરવાને બદલે માખણ જેવું કોમળ હૈયું રાખી પ્રેમ અને હૂંફ આપીએ.

(2) આપણે આપણો ધર્મ બજાવવો :

આપણે બધાએ સમૂહજીવનમાં રહેવાનું છે. એટલે એક વાત તો સૌ કોઈએ સ્વીકારવી જ પડશે કે, “તુન્ડે તુન્ડે મતિર્ભિન્ના.” વ્યક્તિ વ્યક્તિએ સ્વભાવ-પ્રકૃતિ, કાર્ય કરવાની પદ્ધતિ આ બધું જુદું રહેવાનું જ. એમાં ક્યાંક એવું પણ બને, કોઈ વ્યક્તિ સ્વભાવ-પ્રકૃતિને આધીન થઈને આપણને મુશ્કેલીમાં મૂકવા, ચિંતામાં મૂકવા પ્રયત્ન કરે; આપણને ઓશિયાળા કરવાના પ્રયત્ન કરે. એ ભલે કદાચ એવી રીતે વર્તે; એ એનો ધર્મ બજાવે તો આપણે આપણો ધર્મ બજાવવો. આપણો ધર્મ દયાનો છે. આપણે જેવા સાથે તેવા કે ધોબીએ ધોબી ન થવું.

(3) માફ કરી દો, ભૂલી જાવ :

બીજાની ભૂલને માફ કરી દેવી અને એના કરતાંય એને ભૂલી જવી એ મહાનતા છે. માણસમાત્ર ભૂલને પાત્ર છે. કોઈની કરેલી ભૂલને ક્યારેય યાદ ન કર્યા કરો, કોઈની આગળ ગાશો નહિ; એને ભૂલી જવી એમાં જ સુખ છે. મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે, “કોઈ પોતાની ભૂલની માફી માંગી લે છતાંય તેને પાપી જાણીએ તો કૃતઘ્ની કહેવાઈએ.” કોઈની ભૂલ દેખાય તો એને પ્રકાશમાં ન લાવવી. ભૂલી જઈશું તો જ એકબીજાનાં સુખદુઃખમાં ભાગીદાર થઈ શકાય.

(4) અન્યના સુખનો વિચાર :

જ્યાં સુધી આપણે સ્વસુખ માટે પ્રયત્ન કરીશું ત્યાં સુધી બીજાના સુખનો વિચાર ક્યારેય નહિ આવે. જ્યાં પોતાના સુખનો જ પ્રયત્ન થતો હોય ત્યાં અન્યનાં સુખદુઃખનો વિચાર ન આવે. માટે પ.પૂ.સ્વામીશ્રી ઘણી વાર વાત કરે છે કે, “કોઈ પણ કાર્ય કરતાં પહેલાં વિચાર કરવો કે મારા કાર્યથી કોઈને તકલીફ તો નહિ પડે ને ? મારા બોલવાથી કોઈનું અંતર તો નહિ દુભાય ને ? મારા કારણે કોઈની પ્રગતિ તો રૂંધાઈ નહિ જાય ને ? સતત આવા વિચાર સાથે કાર્ય કરવું. મળે એટલું માણી લઉં, ભોગવી લઉં. એના કરતાં બીજાને આપીને આનંદ માનવાથી અન્યનાં સુખદુઃખમાં ભાગીદાર થઈ શકાય.”

કેવા પ્રસંગોમાં આપણે એકબીજાનાં સુખ-દુઃખમાં ભાગીદાર થવું જોઈએ ?

1. કોઈ વ્યક્તિ માનસિક તણાવગ્રસ્ત હોય ત્યારે.

2. જ્યારે કોઈને દેહનું દુઃખ આવી પડે ત્યારે.

3. જ્યારે કોઈ આર્થિક મુશ્કેલીઓની ભીડમાં આવી ગયા હોય ત્યારે.

4. જ્યારે કોઈ વ્યક્તિ જીવનમાં અનેક નિષ્ફળતાઓથી ઘેરાઈ જાય ત્યારે.

5. કામનો વધુ પડતો બોજો હોય ત્યારે.

6. પોતાના પરિવારની કોઈ નજીકની વ્યક્તિને ગુમાવે ત્યારે.

7. કોઈ ત્રાહિત પક્ષ જ્યારે આપણા કુટુંબીજનોને હેરાન કરે ત્યારે.

આવા આપણા દૈનિક જીવનના ઘણાબધા સંજોગો છે જેમાં આપણે એકબીજાના સુખદુઃખમાં ભાગીદાર થઈ ખરા આત્મીય સભ્ય બનીએ.

વિશેષ દ્રઢતા માટે :

       આ વિષયને આનુષંગિક સંસ્થામાંથી ઉપલબ્ધ પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનાં દ્રશ્ય-શ્રાવ્ય (CD-VCD) પ્રકાશનો :

1. હળવા ફૂલ જેવા થવાનો ઉપાય