સુહૃદભાવ - 1

  October 19, 2014

અનેક ઝંઝાવતોના સંગ્રહસ્થાન સમાન મનુષ્યજીવનમાં વ્યક્તિ વ્યક્તિના મન જુદા થાય તો પતનનો પથ પાંગરવા માંડે છે માટે મનથી એક રહેવા માટે.

સુહૃદભાવ - એકબીજા સાથે મન એક કરી પોતાનાને મળીશું.

‘સુહૃદ્’ એ સંસ્કૃત શબ્દ છે. સુ= સારું, નિર્મળ, પ્રેમાળ, લાગણીભર્યું.‘હૃદય’ એટલે હૃદય, મન. સુહૃદ્ એટલે સારું, નિર્મળ હૃદય; પ્રેમાળ-લાગણીશીલ મન. ઉત્કૃષ્ટ લાગણીસભર હૃદયનો ભાવ એટલે જ સુહૃદભાવ.

નિ:સ્વાર્થ ભાવે, અંતરનો નીતરતો પ્રેમ અને લાગણી એટલે જ સુહૃદભાવ.

પરસ્પર હૃદયની, મનની એકતા એટલે જ સુહૃદભાવ.

દેહે કરીને જોડે રહેવું એને સંપ કહેવાય, પણ મને કરીને એક રહેવું એને સુહૃદભાવ કહેવાય.

સુહૃદભાવ એ જીવનનું અમૃતરૂપી હાર્દ છે. જેમ એક પૈંડા વડે રથ ચાલી શકતો નથી, તેમ સુહૃદભાવ વિના જીવન સિદ્ધ થતું નથી. જીવન દુઃખરૂપ, બોજારૂપ બની જાય છે.

 

જીવન એટલે Vehicle test-8 :

મનુષ્યજીવન અનેક ઝંઝાવાતોનું સંગ્રહસ્થાન છે. બાળક સમજણું થાય ત્યારથી અનેક વ્યક્તિઓના સંબંધમાં આવતું હોય છે. બાલ્યાવસ્થામાં મિત્રો સાથેના વ્યવહારથી માંડીને વૃદ્ધાવસ્થાસુધીમાં સમગ્ર જીવનકાળ દરમ્યાન, ઘણાબધાVehicle testના8 રચવા પડતા હોય છે. અટલે કે જેમ કોઈ વ્યક્તિ વાહન માટે લાયસન્સ લેવા જાય ત્યારે સીધે-સીધું લાયસન્સના મળી જાય. આપેલી મર્યાદાની અંદર અંગ્રેજીમાં 8 બનાવવો પડે અને જો 8 બનાવવામાં પાસ થાય તો જ લાયસન્સ મળે. પરંતુ 8 બનાવવો ઘણો અઘરો હોય છે.

આજે જ્ઞાન, વિજ્ઞાન અને બુદ્ધિનો બહોળો વિકાસ થઈ રહ્યો છે. ભૌતિક સુવિધાઓથી જીવન સમૃદ્ધ થતાં જાય છે. છતાંય જીવન મલકાતાં નથી. કારણ એક જ છે કે જીવન જીવવારૂપી વાહન પરીક્ષામાંથી પાસ નથી થયા. આજે ઘર-ઘર અને વ્યક્તિ-વ્યક્તિ આ Vehicle Testના 8માં ગૂંચવાઈ જાય છે.

સમૂહજીવનમાં વ્યક્તિ-વ્યક્તિવચ્ચે વિચારો અને મત તો જુદા રહેવાના જ, પરંતુ એની વચ્ચે મન જુદાં થાય તો પતનનો પથ પાંગરવા માંડે છે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં કહે છે કે, “જ્યાં એકબીજાનાં મન નોખાં પડે ત્યાં અધર્મના સર્ગનો પ્રવેશ થાય છે.”

જેમ સાવરણીની સળીઓ એક દોરાના તાંતણે બંધાયેલી હોય તો અનેકને ઉપયોગી બને છે અને જો છૂટી પડી જાય તો કચરાપેટીમાં નાખવા લાયક બની જાય છે. તે કેટલાયના પગ નીચે કચડાઈ જાય છે.આપણે પણ સાવરણીની જેમ પરિવારમાં એક સુહૃદયભાવરૂપી તાંતણે બંધાયેલા રહેવું, નહિ તો આ સંસારરૂપી ખાડામાં ક્યાંય કચડાઈ જઈશું.

ઘણી વાર એક ધાબા નીચે સાથે રહેતી વ્યક્તિનાં મન જુદાં હોય છે. છાપરું એક, પણ મન નોખાં હોય છે. આજે મનની જુદાઈ છે, તો કાલે તનની જુદાઈ થતાં વાર નહિ લાગે; કુસંગરૂપી દીવાલ ચણાઈ જતાં વાર નહિ લાગે.

મોટીમોટી સલ્તનતોનાં પતન મનભેદથી જ થયાં છે. જ્યાં મન નોખાં થયાં ત્યાં ભાગલા પડવાના જ, મારું-તારું થવાનું જ, ઈર્ષ્યા-આંટી બંધાવાની જ, એકબીજા સાથેના વ્યવહારોમાં અસંતુષ્ટતા આવશે જ. છેવટે ઘરના ગોળાનાં પાણી પણ સુકાવાનાં જ, સંયુક્ત ભાવનાની અખંડિતતા ખંડિત થવાની જ.

ભારત દેશમાં મુસ્લિમ સત્તાએ પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું તેના મૂળમાં પણ સુહૃદભાવનો અભાવ જ કારણભૂત હતો.

સમગ્ર ભારત દેશ નાનાનાના રાજાઓનાં રજવાડાંઓમાં વહેંચાઈ ગયેલો હતો. દેશભરમાં એકતા કે અખંડિતતાના અંશ પણ રહ્યા નહોતા. અંદરોઅંદર એકબીજાની વચ્ચે એકતાના અભાવેભિન્નતા હતી. રાજાઓમાં પરસ્પર સુહૃદભાવનો શૂન્યાવકાશ વર્તતો હતો. એ સમયની તક ઝડપી મુસ્લિમ શાસકોએ ભારત પર વિજય કેવી રીતે મેળવ્યો?

સૌપ્રથમ મુસ્લિમ શાસક રાજા ચંગીઝખાન ભારત દેશ પર આક્રમણ કરવા માટે આવ્યો. રાજા ચંગીઝખાન પાસે ખૂબ નાનું રાજ્ય ને નહિવત્ સંખ્યામાં સૈન્ય હતું. ભારતના પૂર્વ ભાગમાં ચંગીઝખાન તથા તેનું સૈન્ય ઊતર્યું હતું. યુદ્ધની તૈયારીઓ ચાલી રહી હતી.

એક દિવસ લગભગ રાતના આઠ વાગ્યે રાજા ચંગીઝખાન અને તેમના સેનાપતિ યુદ્ધ માટેનો પેંતરો રચી રહ્યા હતા. ચંગીઝખાનને પોતાના સૈન્યની ઓછી સંખ્યા માટે ખૂબ ખેદ હતો. તેણે સેનાપતિને કહ્યું,“ભારતના વિશાળ સૈન્યની આગળ આપણો વિજય શક્ય નથી.” સેનાપતિ પણ ખૂબ દિલગીર વદને કહે,“નામદાર, આટલા ઓછા સૈન્યથી લડવું એના કરતાં પાછા જતા રહેવું સારું.” આમ, યુદ્ધ માટે ચર્ચા ચાલી રહી હતી.

અચાનક રાજા ઊભા થઈ દૂર દૂર હિન્દુસ્તાનની સરહદ પર યુદ્ધ-છાવણી તરફ એક નજરે જોઈ રહ્યા. તેમણે આશ્ચર્ય અનુભવતાં પોતાના ગુપ્તચર અને સેનાપતિને પૂછ્યું કે,“અત્યારે આ બધા જુદા જુદા દીવા ટમટમે છે તે શું હશે? આટલા બધા અલગ અલગ દીવા કેમ બળે છે ?”

ત્યારે ગુપ્તચરે કહ્યું, “નામદાર, એ બધા કાંઈ દીવા નથી ટમટમતા.” ચંગીઝખાને કહ્યું, “તો શું છે?” ગુપ્તચર કહે,“નામદાર, એ તો દીવા નહિ, અલગ અલગ ચૂલા બળે છે. સૈનિકોનાં રસોડાં જુદાં જુદાં છે. બધા પોતપોતાના રોટલા જાતે બનાવીને જમે છે.”

આટલું સાંભળતાં જ રાજા ચંગીઝખાન એકદમ નાચવા ને કૂદવા માંડ્યા. તાળીઓ પાડીને આપણે‘જીતી ગયા’‘જીતી ગયા’એમ ઘોષણા કરવા લાગ્યા.“હવે હિન્દુસ્તાન આપણું થઈ ગયું, હવે આપણી જીત ચોક્કસ થઈ જશે.”

સેનાપતિ કહે,“નામદાર, એમ કેમ વગર યુદ્ધ કર્યે આમ બોલવા માંડ્યા?” ત્યારે રાજા ચંગીઝખાને કહ્યું કે,“જેનાં રસોડાં જુદાં જુદાં છે તેનાં મન પણ જુદાં જ હોય, નોખાં જ હોય. ત્યાં એકતા શક્ય જ નથી. જેની વચ્ચે એક મન નથી તેની વચ્ચે એકબીજા પ્રત્યે લાગણી કે પ્રેમ શક્ય જ નથી. માટે એમને જીતવા ખૂબ સહેલા છે.” આમ, ભારત દેશમાં રહેલી સુહૃદભાવની ખંડિતતાને પરિણામે ભારતદેશ મુસ્લિમ શાસકોનો ભોગ બન્યો.

જેમ ભારત દેશના રાજાઓની વચ્ચે એક મન નહોતાં તો સ્વતંત્ર ભારત દેશ પરતંત્ર બની ગયો; તેમ આપણા પરિવારમાં પણ જો પરિવારના સભ્યો એકમના થઈને નહિ રહીએ તો જરૂર કુસંપરૂપી સામ્રાજ્ય આપણી વચ્ચે સ્થપાઈ જશે.

‘સુહૃદભાવ’ વિષે શ્રીજીમહારાજ કહે છે કે,“સંપ નથી ત્યાં કળી કુટુંબ સહિત વસે છે. પરસ્પર વિરોધ થાય તે કળિયુગનું લક્ષણ છે. સંપ, સુહૃદભાવ અને એકતા હોય ત્યાં જ ભગવાન વસે છે. જ્યાં આ નથી ત્યાં ધર્માદિક પણ કથનમાત્ર છે. આકાશમાં ગતિ કરે તોપણ સંપ-સુહૃદભાવ વગર મોટાઈ આવતી નથી.”

(શ્રી હરિચરિત્રામૃતસાગર: પૂર-19, તરંગ-58)

માટે, આપણે આપણા જીવનમાં સૌની સાથે એકમના થઈ સંઘનિષ્ઠાથી જોડાઈશું, તો આપણા જીવનરૂપી Vehicle test નો 8 બનાવવો અઘરો નહિ પડે.