સુહૃદભાવ - 3

  May 19, 2018

શ્રીજીમહારાજ અને મોટાપુરુષના અવરભાવના જીવનમાંથી પ્રેરણા પામી આપણે સુહૃદયભાવ કેળવીએ અને સુહૃદયભાવ કેળવવાથી જીવનમાં થતા લાભને જાણીએ.

શ્રીજીમહારાજ અને મોટાપુરુષના અવરભાવના જીવનમાંથી પામીએ પ્રેરણા...

સ્વયં અનંતકોટિ બ્રહ્માંડના અધિપતિ એવા શ્રીજીમહારાજે પોતાના અવરભાવના જીવનકાળ દરમ્યાન પોતાના વર્તન દ્વારા સૌને સુહૃદભાવ કેળવવાની અદ્‌ભુત રીત શીખવી છે.

શ્રીજીમહારાજની અવરભાવની હયાતીમાં તેઓની પાસે ૩,૦૦૦ સંતો અને ૨૦ લાખ હરિભક્તોનો ખૂબ જ બહોળો આશ્રિતગણ હતો. એમાંય ત્યાગાશ્રમની કઠિન સાધનાના માર્ગની સંપૂર્ણ જાણકારી હોવા છતાંય મુમુક્ષુઓ શ્રીજીમહારાજની દયાળુતા, કરુણા અને સુહૃદયી વર્તાવથી આકર્ષાઈને મહારાજનું શરણું સ્વીકારી પોતાના જીવનને સમર્પિત કરી દેતા હતા. એવા ત્યાગી સંતોના માવતર તરીકે શ્રીજીમહારાજે તેમની આકરી કસોટી કરીને ખૂબ ઘડ્યા પણ છે. અને સાથોસાથ પોતાના માતૃવાત્સલ્ય પ્રેમ અને સુહૃદયી દિવ્ય સ્નેહથી સંતોને ભીંજવ્યા પણ છે. દયા, કરુણા, પ્રેમ, લાગણી, ક્ષમા વગેરે શ્રીજીમહારાજના દિવ્ય ગુણોને કારણે સંતોને ગમે તેવી તકલીફ, ભાર-ભીડો કે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોવા છતાં પણ શ્રીજીમહારાજને છોડીને જવાનું કદી મન નહોતું થતું. દેહે કરીને હજારો ગાઉ મહારાજથી દૂર હોવા છતાંય સંતોને મહારાજ સાથે અનોખી મનની એકતા વર્તતી હતી. અને તેના આધારે જ તેઓ સદાય આનંદ અને સુખના સાગરમાં મહાલતા હતા. તેનું મુખ્ય કારણ શ્રીજીમહારાજનો સંતો પ્રત્યેનો સુહૃદભાવ અને દિવ્ય પ્રેમ તથા લાગણીનો અતૂટ નાતો હતો.

શ્રીજીમહારાજ જ્યાં સંપ, સુહૃદભાવ અને એકતાભર્યું વાતાવરણ હોય ત્યાં જ પધારતા અને એવા હરિભક્તો ઉપર રાજીપો દર્શાવતા. સુહૃદયી વર્તાવ પ્રત્યે શ્રીજીમહારાજનો રહસ્યમય અભિપ્રાય ‘શ્રીહરિચરિત્રામૃતસાગર’ ગ્રંથમાં પૂર-૮, તરંગ-૬૬માં વર્ણવ્યો છે કે, “જ્યાં હરિભક્તોમાં પરસ્પર સુહૃદપણંુ હોય, એકબીજાનું હિત ઇચ્છતા હોય, છળ-કપટ અને મલિનતા હોય નહિ, એક એકથી મન છૂપું ન હોય, ધર્મ-નિયમમાં શૂરા થઈને એક જ ભાવથી સૌ વર્તતા હોય, પરસ્પર દૈહિક સંબંધ વિના પણ ગાઢ સંબંધી જેવું હેત રાખતા હોય એવા ભક્તો પાસે શ્રીહરિ વારંવાર પધારતા, તેમની પ્રેમ અને શ્રદ્ધા-મહિમાની દોરીથી બંધાઈ રહેતા.”

શ્રીજીમહારાજે પોતાના સંતો-ભક્તો પ્રત્યે તો સુહૃદભાવ દાખવ્યો જ છે, પરંતુ પોતાના વિરોધી કે દ્વેષી પ્રત્યે પણ તેના કૃત્ય સામું ન જોઈને દયા, કરુણા અને પ્રેમ દાખવ્યો છે. આ જ તેઓની દિવ્યતા અને અલૌકિકતા છે.

વર્તમાનકાળે સુહૃદભાવનો મહાન પ્રેરણાસ્રોત એવા ગુરુવર્ય પ.પૂ. બાપજી અને વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીના જીવનમાં પણ પળે પળે અને ક્ષણે ક્ષણે સુહૃદભાવ, પ્રેમ, લાગણીશીલતાનાં સાંગોપાંગ અદ્‌ભુત દર્શન થાય છે. તેઓ સંતો-ભક્તો સર્વેની જમવા, સૂવા, રહેવા, બેસવા, ઊઠવાથી માંડીને તેઓના આત્માની સતત ચિંતા રાખ્યા કરે છે. નિરંતર પરસુખમાં જ મગ્ન રહે છે. એક દિવસ શિબિર દરમ્યાન એક સાધકમુક્તને ખૂબ જ માથું દુઃખતું હતું. તેથી તે પોઢી ગયા હતા. ત્યારે સૌ મુક્તોની ‘મા’ એવા પ.પૂ. સ્વામીશ્રી તેમની પાસે આવ્યા. તેમની ખબર પૂછી સાંત્વના આપી. પછી સ્વયં પ.પૂ. સ્વામીશ્રી બામ લઈને તે મુક્તને માથે ઘસવા લાગ્યા અને માથું દબાવવાની સેવા કરવા લાગ્યા. પેલા સાધકમુક્ત ના...ના... કરતા રહ્યા, પણ પ.પૂ. સ્વામીશ્રીએ તેમના પ્રત્યે પોતાની દયાળુતા, માતૃવાત્સલ્યતા દાખવવાનું ચાલુ જ રાખ્યું. પ.પૂ. સ્વામીશ્રીની આવી માતૃવાત્સલ્ય પ્રેમની અનોખી રીત જોઈ એ મુક્તની આંખમાં આંસુ આવી ગયાં અને અહોભાવમાં ડૂબી ગયા.

આમ, મોટાપુરુષના અવરભાવના જીવનમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી આપણે પણ સુહૃદભાવના અદ્‌ભુત પાઠો શીખીએ.

સુહૃદભાવની ફલશ્રુતિ :

૧. માનવતાના મોતી ઝરે : સુહૃદભાવથી વ્યક્તિમાત્ર પ્રત્યે માનવતાની લાગણીઓ ઉત્પન્ન થાય. બીજાના હિતનો વિચાર કરવો, અન્ય પ્રત્યે હમદર્દી અને સહાનુભૂતિ દાખવવી, અન્ય માટે પોતે ઘસાવું જેવા ગુણો સહેજે સહેજે દૃઢ થાય.

એક દિવસ એક દસ વર્ષનો બાળક આઇસક્રીમની દુકાન પર ગયો અને ટેબલ પર બેસી વેઇટરને પૂછ્યું, “એક કૉન આઇસક્રીમ કેટલાનો છે ?” વેઇટરે કહ્યું, “૧૨ રૂપિયા.” બાળક પોતાની પાસે રહેલા પૈસા ગણવા લાગ્યો, પછી એણે પૂછ્યું, “નાના કપવાળો આઇસક્રીમ કેટલાનો છે ?” વેઇટરે કહ્યું, “૧૦ રૂપિયા.” ત્યારે બાળકે કહ્યું, “મને નાનો કપ આપો.” એણે આઇસક્રીમ લીધો, પૈસા આપ્યા અને જતો રહ્યો. જ્યારે વેઇટર ખાલી પ્લેટ લેવા આવ્યો ત્યારે એણે જે જોયું એનાથી એનું હૈયું ભરાઈ આવ્યું. એ બાળકે પ્લેટમાં ર રૂપિયા ટીપના મૂક્યા હતા. એ નાના બાળકે પોતાના મોજશોખ અને સુખની સાથે એ વેઇટરનો માનવ તરીકે વિચાર પણ કર્યો હતો. એણે માનવતા દાખવી હતી. એણે માત્ર પોતાના રંજનનો કે સ્વસુખનો નહિ, બીજાનો પણ વિચાર કરીને માનવતાનાં મૂલ્યોનું જતન કર્યું. તેણે મોટો કૉન આઇસક્રીમ જમવો છોડી વેઇટરના સુખનો વિચાર કર્યો હતો.

એક તત્ત્વચિંતકે પોતાનું મંતવ્ય રજૂ કરતાં કહે છે કે, “જીવનની અદ્‌ભુત ઘટના એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈનું ભલું કરે છે ત્યારે ભલું કરનાર વ્યક્તિનું ભલું પ્રભુ ઇચ્છાથી આપમેળે જ થઈ જાય છે.”

૨. દયા-કરુણાનું ઝરણું વહે : “મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે...” દયા, કરુણા અને પ્રેમ એ તો સુહૃદભાવની બહુ મોટી ફલશ્રુતિ છે. તેનાથી અંતરમાં દયા-કરુણાનો પ્રવાહ અસ્ખલિતપણે વહ્યા કરે છે.

એક સમયે શ્રીજીમહારાજ ચોમાસાની ઋતુમાં સારંગપુર પધાર્યા હતા. તેમાં એક દિવસ રાત્રિના સમયે મહારાજ જીવાખાચરના દરબારમાં પોઢ્યા હતા. તે દિવસે રાત્રિના સમયે ખૂબ જ વરસાદ વરસતો હતો. વધુ પડતો વરસાદ વરસવાને લીધે બાજુમાં એક રાજગર બ્રાહ્મણ કે જે શ્રીજીમહારાજનો દ્વેષી હતો તેનું ઘર પડી ગયું. તેથી તે બૂમો પાડવા લાગ્યો, ‘બચાવો... બચાવો... મારું ઘર પડી ગયું. અને નીચે ઢોર-ઢાંખર દબાઈ ગયાં.’ મહારાજ આ બૂમ સાંભળી તુરંત જાગી ગયા અને જોયું તો પેલો દ્વેષી બ્રાહ્મણ રક્ષા માટે બૂમો પાડતો હતો. અતિ દયાળુ મૂર્તિ એવા મહારાજ તેના પ્રત્યે કોઈ જ પ્રકારનો દ્વેષ કે ઘૃણા રાખ્યા વિના એક ખેસભર વરસતા વરસાદમાં તે બ્રાહ્મણને ઘેર પધાર્યા અને ત્યાં જઈને તેના ખોરડાનો મોભ પોતાના ખભે ઊંચો કરીને તેનાં ઢોર-ઢાંખર અને ઘરના સભ્યોને બચાવી નવું જીવનદાન બક્ષીને સુહૃદભાવનું સ્થાપન કર્યું. દ્વેષનો બદલો પ્રેમ અને દયાથી વાળ્યો.

૩. ક્ષમાશીલતા અને અનુકંપા વહે : સુહૃદભાવ ધરાવતા વિશાળ હૃદયમાં ક્ષમાની ભાવના સમાયેલી હોય છે. સંકુચિતતાથી પરની ‘હશે... હોય...’ જેવી ક્ષમાભાવના એ સુહૃદભાવની નિશાની છે.

સત્સંગની ‘મા’ સમાન સદ્‌. મુક્તાનંદ સ્વામી સંતો સાથે વિચરણમાં પધાર્યા હતા. એ વખતે સંતોને દિવસમાં એક જ વાર જમવાનો નિયમ હતો. તેથી નાની ઉંમરના યુવાન સંતો ખૂબ ભૂખ્યા થતા હતા. તેમનાથી ભૂખ સહન નહોતી થતી. તેથી એક દિવસ સવારે સદ્‌. મુક્તાનંદ સ્વામી સભામાં પધાર્યા ત્યારે સંતો છાનામાના રસોડામાં જમાડતા હતા. તેથી સદ્‌. મુક્તાનંદ સ્વામી સહેતુક રસોડામાં પધાર્યા. સ્વામીને પધાર્યા જોઈને સંતો હેબતાઈ ગયા, પણ સદ્‌. મુક્તાનંદ સ્વામી તેમને વઢવાને બદલે તેમની ભેગા ભળી ગયા અને તેમની સાથે જમવા બેસી ગયા. સદ્‌. મુક્તાનંદ સ્વામી સંતોની પરિસ્થિતિને સમજતા હતા. તેથી તેમને નિયમના લોપના દુઃખ કરતાં સંતોથી ભૂખ સહન થતી નહોતી તે દુઃખ અધિક જણાયું. તેથી સંતોને જરા રાહત થઈ અને સદ્‌. મુક્તાનંદ સ્વામી પ્રત્યે વધુ હેત થયું અને નિકટતા કેળવાઈ. ત્યારબાદ સદ્‌. મુક્તાનંદ સ્વામીએ મહારાજના વચનનું મહત્ત્વ સમજાવી રાજીપાનો વિચાર દૃઢ કરાવ્યો. આમ, સદ્‌. મુક્તાનંદ સ્વામીએ ક્ષમા દ્વારા સંતોને લાગણી, પ્રેમથી ભીંજવી દીધા. તેથી સંતોને પણ સદ્‌. મુક્તાનંદ સ્વામી પ્રત્યે સુહૃદભાવ ઉત્પન્ન થયો.

 મહદંશે સુહૃદભાવ ન હોવામાં આપણું સ્વાર્થી જીવન, કેવળ સ્વસુખનો જ વિચાર, લાગણીશૂન્યતા, બોલવામાં અને વર્તવામાં માત્ર ઔપચારિકતા, ઈર્ષ્યા, અહંકાર, મનના ઠરાવ, કો’કના કાને સાંભળવાની અને કો’કની આંખે જોવાની ટેવ, એકબીજાના મતનો અસ્વીકાર વગેરે કારણો મૂળભૂત રીતે જવાબદાર હોય છે. તેથી સુહૃદભાવ કેળવવા માટે કેટલાક દિવ્ય અને શુભ ગુણોની દૃઢતા કરવી જરૂરી છે. લાગણીશીલતા, મમતાભર્યું વલણ, એકબીજાને સમજવાની તૈયારી, પ્રેમાળ વર્તન, સામેનાના સ્થાને બેસીને વિચારવાની ક્ષમતા, સહનશીલતા, ક્ષમાશીલતા, પરસુખની જ ચિંતા, નિઃસ્વાર્થીપણું, વાણી-વર્તનમાં મર્યાદા-વિવેક વગેરે ગુણોની દૃઢતા કરીએ તો જરૂરથી આપણા જીવનમાં સુહૃદભાવને દૃઢ કરી શકાય અને એક અદ્‌ભુત દિવ્ય આત્મીયતાસભર વાતાવરણનું સર્જન થઈ જાય.

માટે, મહાપ્રભુના દિવ્ય ચરણોમાં પ્રાર્થના કે અમે આપને પ્રિય એવો સુહૃદભાવ દૃઢ કરીને આપનો અંતરનો રાજીપો પ્રાપ્ત કરી શકીએ તેવી કૃપા કરો... કૃપા કરો...