સ્વાશ્રય - 2

  February 5, 2018

ચકલી જેવાં મૂક પક્ષી પણ પોતાનું બચ્ચું સહેજ મોટું થાય પછી ચાંચ મારી તેને જાતે ઊડતાં શીખવે છે અને ઊડતું થઈ જાય પછી પોતાનું કાર્ય જાતે જ કરવાનું શીખવે છે. જ્યારે આજનાં માતાપિતા બાળકને ખોળામાં બેસાડી માત્ર વ્હાલ જ કરે છે. બાળકના વિકાસનો સંપૂર્ણ દોર પોતાના હાથમાં લઈ બાળકને પાંગળું બનાવી દે છે. બાળજીવનના વિકાસનો નકશો માતાપિતા દોરે છે. તેને ક્યારેય કશું જાતે કરવાનું શીખવવામાં આવતું નથી જેથી બાળકના મગજમાં પહેલેથી જ એવું ઠસાઈ જાય કે આ કામ નોકરનું, આ કામ મમ્મીનું, આ કામ પપ્પાનું, આ કામ દાદા-દાદીનું - એમ પોતાના માનસમાં બધાંનાં કામ નક્કી થઈ જાય છે. પરંતુ પોતાને શું કરવાનું છે તે નક્કી કરી શકતો નથી. બાલ્યાવસ્થા જ આવી પરાધીનતામાં પસાર થઈ હોવાથી તેની યુવાની તો સંપૂર્ણ બીજા ઉપર રોફ કરતી થઈ જાય છે. પછી પોતાનું કાર્ય જાતે કરવામાં શરમ-સંકોચ અનુભવવા માંડે છે. તેમાં નાનપ લાગે છે.

આજની યુવાપેઢીને પોતાની પથારી જાતે કરવી, વાળીને મૂકવી, કપડાં જાતે તૈયાર કરવાં, પોતાની જાતે જ જમવાનું લેવું, પોતાના બૂટ જાતે સાફ કરવા, પૉલિશ કરવા, જમાડેલી ડિશ જાતે સાફ કરવી કે યથાસ્થાને સાફ કરવા એને મૂકવી, પોતાની વસ્તુઓ યોગ્ય સ્થાને મૂકવી જેવી બાબતોમાં સ્વાશ્રયી જીવન જીવવાનું અંગ નથી હોતું. પરિણામે તેમનાં જીવન આળસુ-પ્રમાદી, બીજા પર આધારિત બને છે. ઘર-પરિવારમાં ઝઘડા-કંકાસ થાય છે. એકબીજા પર ક્રોધ-ગુસ્સો ઠલવાય છે. ‘એ નથી કરતો તો હું શું કામ કરું ?’ જેવા વાદવિવાદ થાય છે. પછી થોડુંક કામ પોતાને કરવાનું થાય તો ઘરમાં હોહાપો મચી જાય છે. અથવા તો બજારની ખાણી-પીણી ઘરે મગાવીને જમાડે પછી નિયમ-ધર્મ પાળવામાં પણ શિથિલતા આવી જાય. માટે યુવાનોએ પોતાના જીવનમાં શક્ય હોય તેટલાં પોતાનાં કાર્યો જાતે જ કરવાની ટેવ પાડી દેવી જોઈએ. વર્તમાનમાં કે ભૂતકાળમાં જે જે મહાન વ્યક્તિઓ થઈ તેમના જીવનમાં સ્વાશ્રયનો આ ગુણ પાયામાં જોવા મળે છે. અને જે આ ગુણ નથી શીખતા તે ધારી પ્રગતિ પોતાના જીવનમાં કરી શકતા નથી.

‘Today, A failure in life is one who lives but fails to learn self dependency.’ અર્થાત્‌ ‘આજે એ વ્યક્તિ નિષ્ફળ જાય છે કે જે જીવવા છતાં સ્વાશ્રયના પાઠ શીખતી નથી.’

પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ થાય છે ત્યારે તેમનાં જીવન તરફ એક નજર કરીએ તો દરેક વ્યક્તિ સ્વાશ્રયી જીવન જીવતી હોય છે. બાળકો પણ માતાપિતા નોકરી કરતા હોવાથી પોતાના દરેક કાર્ય જાતે જ કરે છે. તેમના જીવનમાં આ કામ મહિલાઓનું, આ પુરુષોનું કે આ કામ નોકરનું એવું કોઈ વિભાગીકરણ હોતું નથી. દરેક કાર્ય જાતે જ કરવા તેઓ ટેવાયેલા હોય છે. કેટલાક વિદ્યાર્થીઓ તો ભણવાની સાથે નોકરી પણ કરતા હોય છે. માટે પશ્ચિમી સંસ્કૃતિમાં રહેલા સ્વાશ્રયના ગુણને આપણા જીવનમાં અનુસરીએ.

વિદેશમાં કોઈના ઘરે કામવાળા રાખવાની પ્રથા બહુ ઓછી જોવા મળે. ગમે તેવા મોટા હોદ્દા ઉપર કામ કરતા હોવા છતાં પોતાના ઘરનું કામ તેઓ પોતે જાતે જ કરતા હોય છે. તેઓ બને ત્યાં સુધી પોતાના ઘરનાં કાર્યો કરવા સ્વાવલંબી હોય છે.

ભારતીય સંસ્કૃતિની પણ એક પ્રણાલિકા હતી કે સૌ પોતાના ઘરનું કામ જાતે જ કરતા. પરંતુ આજે જમાનો બદલાતાં સ્વાશ્રયી જીવનનાં એ મૂલ્યો પણ ભૂંસાતાં જઈ રહ્યાં છે. આજે સમાજમાં ઘેર ઘેર કામવાળા રાખવાની પ્રથા થઈ ગઈ છે. પોતાના ઘરનું બધું કામ જાતે કરવામાં પણ નાનપ લાગે છે. જ્યારે કામવાળા પાસે ઘરનું કામ કરાવવું તે ગૌરવવંતી વાત લાગે છે. આજના સમાજમાં પ્રવર્તેલી આ કામવાળા રાખવાની પ્રથા સ્વાવલંબી જીવન માટે એક પડકાર છે. શારીરિક સ્વાસ્થ્ય બરાબર ન રહેતુ હોય અને નોકર પાસે કામ કરાવવું એ વાજબી વસ્તુ છે. પરંતુ મહારાજે દયા કરી સ્વાસ્થ્ય સારું આપ્યું હોય તો આપણા ઘરનાં કામ જાતે જ કરવાં જોઈએ. પોતાના ઘરનું કામ જાતે કરવા જેટલી નાની બાબતમાં પણ સ્વાવલંબી ન બનવાને કારણે આજે વિવિધ રોગો શરીરમાં પ્રવેશે છે. શરીર અસ્વસ્થ બન્યાં છે. શરીરને સ્વસ્થ રાખવા જીવનમાં શક્ય તેટલા સ્વાવલંબી બનવું ફરજિયાત છે. પ્રભુએ આપેલા હાથ-પગને ચાલતા રાખવા ને ડૉક્ટરના ધક્કાથી બચવા માટે સ્વાવલંબી બનીએ.

આપણા સ્વજીવનમાં, ઘરમાં, નોકરી-ધંધામાં તો સ્વાશ્રયી બનીએ... સાથે મંદિરમાં પણ સ્વાશ્રયી બનીએ. આપણાં બૂટ-ચંપલ જાતે ઘોડામાં મૂકીએ, બેસવા લીધેલ આસન યોગ્ય સ્થાને મૂકીએ, સભા કે સેવા દરમ્યાન વાપરવા લીધેલી વસ્તુને યોગ્ય સ્થાને મૂકીએ, ફેરવવા લીધેલી માળા પણ તેના સ્ટૅન્ડમાં મૂકવી - આવી રીતે આપણા જીવનમાં સ્વાશ્રયી બનીએ.

આપણા રોજબરોજના જીવનમાં ઉપરોક્ત બાબતોમાં સ્વાશ્રયી બનીએ તેવી અભ્યર્થના.