તામસી પ્રકૃતિનો ત્યાગ (ક્રોધ છોડો) - 2

  April 5, 2014

ક્રોધરૂપી જ્વાળામુખી ફાટી નીકળતા કેવો ભયંકર વિનાશ સર્જાતો હોય છે તથા ક્રોધ આવવાના કારણો અને ક્રોધની ભયંકરતા દર્શાવતા શ્રીજીમહારાજના અભિપ્રાયો આ નિબંધમાં જોઈશું.

 ક્રોધ શું ના કરી શકે ? (ક્રોધનાં પરિણામો) :

ક્રોધ એવું દૂષણ છે કે જેનાથી પોતે તો પીડાય છે પરંતુ તેના સંગમાં જે આવે તે પણ પીડાય છે ને તેના જીવનમાં પણ અશાંતિ ઊભી કરી દે છે. નોકરી ઉપર શેઠનો ગુસ્સો સહન કરીને આવેલા મુરબ્બીશ્રી ઘેર આવીને પત્ની ઉપર ગુસ્સો ઠાલવે છે. પત્ની પણ અકળાઈને નિર્દોષ બાળકો ઉપર ગુસ્સો ઠાલવે છે. બાળકો બિચારાં શું કરે એટલે વારો ચડી જાય શેરીના કૂતરાનો. આમ, ક્રોધની પરંપરા ચાલુ જ રહે છે.

અંતે પોતાનો જ નહિ, પરંતુ સાથે સાથે કુટુંબનો, સમાજનો કે સંસ્થાનો કે કોઈ પણ દેશનો સર્વનાશ થઈ જતો હોય છે. તે ક્ષણિક ક્રોધને અંતે મોટો ઝઘડો, અંતે મારામારી ને કાપાકાપી, ત્યારપછી પોલીસ, કૉર્ટ, વકીલના આંટા-ધક્કાથી ચાલુ થઈ જાય છે હેરાનગતિ.

માણસમાં 100 ગુણ હોય પરંતુ જો આ એક ક્રોધનો સ્વભાવ હોય તો એ એક સ્વભાવને કારણે તેના 100 ગુણ ગુમ થઈ જાય છે. છેવટે પોતાનું સ્ટેટસ–ભાર ગુમાવે છે. એટલું જ નહિ, સંતો–હરિભક્તો તથા ઘર–પરિવારના સભ્યો સાથેના સંગ–પ્રસંગને એક પળમાં વેડફી નાંખે છે. પોતાનું જ્ઞાન–વિદ્વત્તા, સત્સંગ માટેની સમર્પણભાવના, આ બધું જ ભુલાઈ જાય. સાથે સાથે પોતાની શારીરિક શક્તિ પણ ગુમાવી બેસે છે.

દિવસ દરમ્યાન માણસ જે પૌષ્ટિક ખોરાક લે છે, તેમાંથી જેટલી કેલરી મેળવે છે એટલી કેલરીનો વ્યય માણસ એક મિનિટના ક્રોધમાં કરી દે છે અને સામેવાળાનો અપરાધ કરી બેસે છે.

કેરોસીન છાંટી દિવાસળી ચાંપી દીધી.

ફ્લેટના ત્રીજા કે ચોથા માળેથી ભૂસકો મારી આપઘાત કર્યો.

ટ્રેન નીચે પડતું મૂક્યું.

ઘરમાંથી કોઈને કહ્યા વગર નીકળી ગયો છે.

સગા ભાઈએ પોતાના હાથે પોતાના જ ભાઈને મોતને ઘાટ ઉતાર્યો.

સમાચારપત્રોમાં નજરે ચડતા આવા અનેક પ્રસંગોની અલપઝલપ આપણે વાંચી હશે. આ પ્રસંગો બનવામાં બહુધા જો કોઈ ભાગ ભજવતું હોય તો એ છે સહજ સ્વભાવે રહેલો ક્રોધ.

ક્રોધ આવવાનાં કારણો :

ક્રોધ આવવાનાં કારણોનો સ્પષ્ટ અને ઝીણવટપૂર્વકનો ખ્યાલ શ્રીજીમહારાજે અમદાવાદના 8મા વચનામૃતમાં આપ્યો છે :

  1.  એકબીજા સાથે પ્રશ્નોત્તરી કરતાં (એકબીજા સાથે કોઈ પ્રશ્નની ચર્ચા કરતા હોઈએ ત્યારે).
  2. વાદ–વિવાદ કરતાં.
  3. કોઈ પદાર્થ લેવા–દેવામાં.
  4. કોઈને શિક્ષા કરતા હોઈએ ત્યારે.
  5. પક્ષપાતે કરીને.
  6. અપમાન થાય ત્યારે (માનનું ખંડન થાય ત્યારે).
  7. ઈર્ષ્યાએ કરીને.
  8. ભગવાનની પ્રસાદી વહેંચવાને વિષે ન્યૂનાધિકપણું કરે ત્યારે.

ક્રોધ આવવાનું બીજું એક મહત્વનું સૂક્ષ્મ કારણ શ્રીજીમહારાજે ગઢડા છેલ્લાના 34મા વચનામૃતમાં જણાવ્યું છે.

“પોતાને જે પદાર્થની કામના હોય તથા જેમાં પોતે મમત્ત્વ બાંધ્યો હોય ને તેનો ભંગ કોઈક કરે ત્યારે તેને તેમાંથી ક્રોધ ઊપજે છે. ને કામના જે ઈચ્છા તેનો ભંગ થયો ત્યારે તે કામ હતો તે ક્રોધ રૂપે પરિણામને પામે છે. માટે એનો તો એવો સ્વભાવ જ થયો જે એમાં ક્રોધ ઊપજે. ”

સ્વયં શ્રીજીમહારાજે જણાવેલી ક્રોધની ભયંકરતા :

1. ગઢડા મધ્યનું 27મું વચનામૃત :

“જેને ગરીબ ઉપર ક્રોધાદિકનો સંકલ્પ થાતો હોય તો તેને મોટા ઉપર પણ થાય અને પોતાના ઇષ્ટદેવ ઉપર પણ ક્રોધાદિકનો મલિન ઘાટ થાય, માટે જેને કલ્યાણને ઇચ્છવું તેને કોઈ ઉપર મલિન ઘાટ કરવો નહીં.”

2. ગઢડા પ્રથમનું 69મું વચનામૃત :

ક્રોધે યુક્ત જે પ્રકૃતિ તે તો દુષ્ટનો ધર્મ છે અને શાંત સ્વભાવે વર્તવું તે જ સાધુનો ધર્મ છે, અને કોઈ કહેશે જે, હજારો માણસને નિયમમાં વર્તાવવા હોય તેને કેમ સાધુતા ગ્રહણ કર્યે ચાલે ?તો એનો ઉત્તર એ છે જે, રાજા યુધિષ્ઠિરનું હજારો ગાઉમાં રાજ્ય હતું, તોય પણ સાધુતા રાખી હતી ને ડારા દેનારા તો ભીમસેન જેવા હજારો હોય તે વારીએ તોય પણ તે કર્યા વિનાનું રહેવાય નહિ, માટે તીખા સ્વભાવવાળાની તો કાંઈ ખોટ્ય નથી, એવા તો ઘણાય હોય પણ સાધુ થવું એ જ ઘણું દુર્લભ છે.

3. ગઢડા પ્રથમનું  76મું વચનામૃત :

“ક્રોધી, ઈર્ષ્યાવાળો, કપટી ને માની એ ચાર પ્રકારના જે મનુષ્ય તે જો હરિભક્ત હોય તોય પણ તે સાથે અમારે બને નહીં.”

4. લોયાનું 1લું વચનામૃત :

“ક્રોધ ઉપર તો અમારે ઘણું વેર છે ને ક્રોધી જે માણસ અથવા દેવતા તે મુને ગમે જ નહીં.”

  સ્વયં શ્રીજીમહારાજે જણાવેલ ક્રોધ ટાળવાના ઉપાયો :

1. ગઢડા મધ્યનું 27મું વચનામૃત :

“એક તો ભગવાનનું મહાત્મ્ય વિચારીને એમ સમજાય છે જે, જેરીતે ભગવાનનો કુરાજીપોથાય તે સ્વભાવ રાખવો નથી, અને બીજો શુકજી ને જડભરત જેવા સંતનો માર્ગ જોઈને એમ વિચાર રહે છે જે, સાધુમાં એવો અયોગ્ય સ્વભાવ ન જોઈએ.”

2. ગઢડા છેલ્લાનું 34મું વચનામૃત :

ક્રોધ ન ઊપજે તેનો ઉપાય શો છે ?

શ્રીજીમહારાજે કહ્યું જે, “ધર્મમાં વર્તાવવા સારુ તમારે ક્રોધ કરવો તેમાં બાધ નથી. એમ કહીને પછી તે ક્રોધ ન થવાનો ઉપાય બતાવ્યો છે જે એ શુભ સંકલ્પનો ત્યાગ કરીને એકાએકી વનમાં ફરે તો ન થાય, અને બીજું જેને મોટા સાધુ સાથે હેત હોય ને કલ્યાણનો સ્વાર્થ હોય તો ક્રોધ ન ઊપજે” એ ઉપાય બતાવ્યો છે.

3. લોયાનું 1લું વચનામૃત :

“જે લગારેક ક્રોધ ચડી આવે ને પછી તેને ટાળી નાખે એવો જે ક્રોધ તે કાંઈ નડતર કરે કે ન કરે ?ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, જેમ આ સભા બેઠી છે તેમાં જો હમણે સર્પ નીકળે ને કોઈને કરડે નહિ તોપણ ઊઠીને સૌને ભાગવું પડે તથા સૌના અંતરમાં ત્રાસ થાય, અને વળી જેમ ગામને ઝાંપે આવીને વાઘ હુંકારા કરતો હોય ને કોઈને મારે નહિ તોપણ સૌ માણસને અંતરમાં ભય લાગે ને બારણે નીકળાય નહિ તેમ થોડોક ક્રોધ ઊપજે તે પણ અતિશે દુ:ખદાયી છે.”