થયું છે ને થશે, મારા મહારાજની મરજીથી - 3

  February 19, 2015

‘થયું છે ને થશે, મારા મહારાજની મરજીથી’ આ સમજણની દૃઢતા એ આધ્યાત્મિક માર્ગની સિદ્ધિ છે. આવો, સંપૂર્ણ મહારાજના કર્તાપણાનો સ્વીકાર કરી નિષ્કામ ભક્તિને વરેલા શ્રેષ્ઠ પાત્રનું દર્શન કરીએ. વળી, આવી સમજણથી કેવા કેવા ફાયદા થાય છે તે વિસ્તારથી સમજીએ આ લેખમાળા દ્વારા.

નિષ્કામ ભક્તની ચરમ સીમાનું શ્રેષ્ઠ પાત્ર એટલે સીરવાણીયા ગામના ગીંગા ધાંધલ. ગીંગા ધાંધલના પરિવારમાં પોતે, એમનાં ધર્મપત્ની અને દીકરો-દીકરી એમ ચાર સભ્યો હતાં. આખો પરિવાર પ્રભુના રાજીપામાં જીવન વિતાવી રહ્યો હતો. એમાં એક વખત મહારાજે પોતાના આ ભક્તરાજની કસોટી કરી.

દીકરો-દીકરી હજુ નાની ઉંમરનાં હતાં અને મહારાજ ગીંગા ધાંધલનાં ધર્મપત્નીને ધામમાં લઈ ગયા. દીકરા-દીકરીને મોટાં કરવાની જવાબદારી ગીંગા ધાંધલના શિરે આવી ગઈ, છતાં રંચમાત્ર દુ:ખ નહીં. મારા મહારાજનીજેમ મરજી હશે એમ જ થતું હશે. થોડો સમય વીત્યો અને માત્ર 40 વર્ષની ઉંમરે ગીંગા ધાંધલની આંખોનું તેજ હણાઈ ગયું, છતાં નહિ કોઈ સંકલ્પ કે નહિ કોઈ વ્યથા. ઉપરથી દીકરા-દીકરીને એક જ વાત દૃઢ કરાવે કે, “જોજો સંકલ્પ ન કરતા. આ મહારાજનું ગમતું છે, મહારાજની મરજી છે એમ માની સ્વીકારી લેજો. મહારાજની મરજી એ જ આપણી મરજી કરી દેવાની.”

ગીંગા ધાંધલનો એકનો એક દીકરો હજુ માંડ 18-19 વર્ષનો થયો હશે ત્યાં મહારાજે ફરી કસોટી કરી. એક રાત્રે મહારાજે દીકરા હંસરાજને દર્શન આપ્યાં અને કહ્યું કે, “આજથી ચોથે દિવસે અમે તને ધામમાં તેડી જવાના છીએ. માટે તું તૈયાર છું ?” ત્યારે તરત જ દીકરા હંસરાજે કહ્યું, “મહારાજ, હું તો ધામમાં આવવા માટે તૈયાર જ છું.” ત્યારે મહારાજે કહ્યું, “તારા પિતા ગીંગા ધાંધલ રાજી થઈને રજા આપે તો હું તને ધામમાં લઈ જઉં.” બીજા દિવસે દીકરા હંસરાજે રાત્રે મહારાજે કહેલી સર્વ વાત માંડીને પિતાશ્રીને કરી કે, “પિતાજી, શ્રીજીમહારાજે રાત્રે મને દર્શન આપીને કહ્યું છે કે જો તારા પિતા તૈયાર હોય તો આજથી ચોથે દિવસે તને ધામમાં તેડી જઈશ.” ત્યારે અખંડ મહારાજની મરજીમાં વર્તવા તત્પર એવા ગીંગા ધાંધલે નિર્વિકલ્પપણે કહ્યું કે, “બેટા, એમાં પૂછવાનું શું હોય ? તું મારી ચિંતા ના કરતો. હું તારા આધારે નથી જીવતો, હું તો એકમાત્ર મહારાજના આધારે જીવું છું. મહારાજને કહેજે કે રાજી થઈ ધામમાં તેડી જાય.” ચોથા દિવસે મહારાજ દીકરા હંસરાજને ધામમાં તેડી ગયા.

દીકરો હંસરાજ ધામમાં ગયાને હજુ માત્ર બે જ વર્ષ પૂરાં થયાં હતાં ને મહારાજે ગીંગા ધાંધલને આખરી કસોટીની એરણે ચડાવ્યા. હંસરાજની જેમ મહારાજે તેમની દીકરીને દર્શન આપ્યાં ને કહ્યું કે, “જો તારા પિતા રજા આપતા હોય તો તને અમારા ધામમાં લઈ જવી છે.” દીકરીએ આ વાત બીજા દિવસે પિતાજીની આગળ રજૂ કરી. ત્યારે પોતે સૂરદાસ હોવા છતાં ભવિષ્યની પોતાની કોઈ ચિંતા કર્યા વગર એવો જ ખુમારીભર્યો જવાબ આપતાં કહ્યું કે, “બેટા, તું મારી કોઈ ચિંતા ના કરીશ, મારી ચિંતા રાખનારો તો હાલ ગઢપુરમાં બિરાજે છે, એ મને સાચવશે.” અને થોડા સમયમાં ગીંગા ધાંધલની દીકરીને પણ મહારાજ દર્શન આપી ધામમાં તેડી ગયા, છતાં સત્સંગમાં એવી ને એવી એકધારી સ્થિતિએ ગીંગા ધાંધલ રહ્યા.

કસોટીની પરાકાષ્ઠાએ પણ સંપૂર્ણ પાસ થયા એવા નિષ્કામ ભક્તરાજ ગીંગા ધાંધલ પર, મહારાજ અતિશે રાજી થઈ ગયા. અતિ કરુણાસ્વરૂપ એવા મહારાજ પોતાના ભક્તનું આવું દુ:ખ કેમ જોઈ શકે ? બોટાદના શિવલાલભાઈને મહારાજે આજ્ઞા કરી, “શિવલાલભાઈ, ગીંગા ધાંધલ અમારા ખરેખરા ભક્ત છે. તેમની અમારા ભાવથી સેવા કરજો.”

પોતાની મરજીમાં વર્તનારા ભક્ત ઉપર શ્રીજીમહારાજ અતિશે રાજીપો દર્શાવતા. આથી ગીંગા ધાંધલ જેવી મરજીમાં વર્તવાની આધ્યાત્મિકમાર્ગની સમજણની દૃઢતા તરફ આપણે પણ પગરવ માંડીએ.

આ સમજણની દૃઢતાથી થતા ફાયદા :

1.મહારાજ સિવાય અન્યનો ભાર ન આવે :

“થયું છે ને થશે, મારા મહારાજની મરજીથી” આ સમજણથી એકમાત્ર શ્રીજીમહારાજ જ આપણું પ્રારબ્ધ છે, ભવિષ્ય છે તથા આપણા સર્વ કર્તાહર્તા છે આ વાત ફલિત થાય છે. ગમે તેવી આર્થિક, વ્યવહારિક કે શારીરિક મુશ્કેલી આવે તોપણ શ્રીજીમહારાજની નિષ્ઠામાં ફેર ન પડે કે અન્ય કોઈનો ભાર કે પ્રતીતિ ન આવે. એકમાત્ર મહારાજના આધારે જીવન જીવી શકાય. આ સમજણની દૃઢતા હોય તો સત્સંગમાંથી, નિષ્ઠામાંથી ક્યારેય મોળા પડાય નહીં. ક્યારેય કોઈ દેવ-અદેવની આસ્થા રાખવાનો, બાધા-માનતા રાખવાનો સંકલ્પ જ ન થાય.

2. ભૂલને માફ કરી શકાય :

ભૂતકાળમાં બની ગયેલી કોઈ વાત કે ભવિષ્યમાં આવનાર સમય, સંજોગ કે પ્રસંગ માટે કેટલીક વખત કોઈ દોષનો ટોપલો આપણે અન્યને માથે ઠાલવતા હોઈએ છીએ. પરંતુ આ સમજણ દૃઢ થાય તો તરત જ વિચાર આવે કે મારાથી કે એમના કોઈથીયે સૂકો પાપડ ભાંગવાની તાકાત નથી. સૌના કર્તાહર્તા ને નિયંત્રક એકમાત્ર શ્રીજીમહારાજ જ છે. જે કંઈ થયું છે ને થશે એ એમની મરજીથી જ થાય છે ને થશે – તો એમાં મહારાજે કોઈને નિમિત્ત કર્યા તો ત્યાં ગાંઠ નહિ બંધાય, ત્યાં એમની ભૂલને ભૂલી શકીશું. એમના પ્રત્યે રાગ-દ્વેષ નહિ બંધાય કે કોઈની ઉપર દોષારોપણ નહિ થાય.

3. અભાવ-અવગુણ-અમહિમાથી રહિત થવાય :

જ્યાં સુધી આપણને અવરભાવમાં કોઈની આકૃતિ દેખાય છે ત્યાં સુધી એને વિષે અભાવ-અવગુણ-અમહિમાના સંકલ્પ ઊઠે છે, પણ મહારાજ મારા ઘડતર માટે, સામેના પાત્રને નિમિત્ત કરીને સ્વયં પોતે જ કરે છે. મને સત્સંગમાં પાકો કરી રહ્યા છે. મારા સ્વભાવ-પ્રકૃતિને ટળાવી રહ્યા છે – આ વિચાર અભાવ-અવગુણ અને અમહિમાથી રહિત કરે છે.

4. હિંમત, વિશ્વાસ અને શ્રદ્ધા વધે :

“થયું છે ને થશે, મારા મહારાજની મરજીથી” આ વિચારે કરીને કોઈ પણ કાર્ય કરવા માટે હિંમત, વિશ્વાસ અને શ્રદ્ધા વધે છે. પરિવારના સભ્યોમાં એકમના થઈ કાર્ય કરવા માટેનો ઉત્સાહ પણ વધે છે. લઘુતાગ્રંથિમાંથી બહાર નીકળી “મહારાજ જ કરશે” એવા વિચારે આગળ વધી શકાય છે, કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકાય છે. ભવિષ્યમાં કરવાના કાર્યનો કે આવનારા પ્રસંગો તથા કાર્ય કરવા માટેનો ઉત્સાહ જાગે છે.

મહારાજના કર્તાપણાની આ સમજણ કેળવવાથી જ આપણો અવરભાવ ટળે છે. અને સામેથી પણ અવરભાવ ટળે છે, પ્રાકૃતભાવ ટળે છે. અને તો જ પરિવારમાં એક દિવ્ય આત્મીયતાનું સર્જન કરી શકીશું.

વિશેષ દૃઢતા માટે  :

આ વિષયને આનુષંગિક સંસ્થામાંથી ઉપલબ્ધ પ.પૂ. સ્વામીશ્રીની દિવ્યવાણીનાં દૃશ્ય-શ્રાવ્ય (CD-VCD) પ્રકાશનો :

1. સદાય હસતા રહો

2. ભક્ત રક્ષક ભગવાન

3. સમજણ એ જ સુખ

4. હળવા ફૂલ જેવા થવાનો ઉપાય

5. નથી રાખવા કોઈને દુઃખી રે...