ઉત્કૃષ્ટ સંગ - 1

  October 7, 2019

માનવજીવનની ઉત્પત્તિનું મૂળ ગણાતા એવા આદિમાનવો સદીઓ પહેલાં જંગલોમાં એકલા જ રહેતા હતા અને જંગલમાંથી ફળ-ફૂલ વગેરે વીણી ખાતા હતા. ધીરે ધીરે આ જ આદિમાનવ બે-ત્રણ-ચાર જણના સમૂહમાં રહેવા ટેવાતો થયો. અને એક સમૂહજીવનની – સામાજિક જીવનની શરૂઆત થઈ. એવું કહેવાય છે કે, A man is a social animal - માનવી એ એક સામાજિક પ્રાણી છે. કારણ કે માનવી એ સમૂહ સમાજજીવનની વચ્ચે રહેવા ટેવાયેલો છે, એ ક્યારેય એકલો રહી શકતો નથી. બીજાં બધાં પ્રાણીઓ એકલાં જ રહીને પોતાનું આખું જીવન પસાર કરી દે છે. જેમ કે કૂતરું, બિલાડી, ગાય, ભેંસ, બકરી વગેરે... જયારે માનવીએ પોતાને રહેવા માટે એક સમાજની રચના કરી છે. અને આ સમાજની વચ્ચે જ તે પોતાનું સમગ્ર જીવન વ્યતીત કરે છે.
આ સમાજજીવન એ એક પ્રકારનું સામૂહિક જીવન છે. જ્યાં એક કરતાં વધારે લોકોની વચ્ચે રહેવાનું થતું હોય છે. જયાં એક કરતાં વધારે પ્રકારનાં જ્ઞાતિ, ધર્મ, સંપ્રદાયના લોકો રહેતા હોય છે. એટલે સ્વાભાવિક છે કે જેમ એક જ હાથની પાંચ આંગળીઓ છે છતાં દરેકની લંબાઈ, પહોળાઈ, કાર્ય આ બધું જ અલગ છે. તો પછી અલગ અલગ જ્ઞાતિ, ધર્મ અને સંપ્રદાયને લીધે દરેક વ્યક્તિનાં વાણી, વિચાર, વર્તન, સ્વભાવ, રીતિ-નીતિ, કાર્ય કરવાની ઢબ આ બધું જુદું જુદું હોય જ અને રહેવાનું જ. સંસ્કૃતમાં પણ એક ઉક્તિ પ્રચલિત છે કે તુંડે તુંડે મતિર્ભિન્ના. એટલે કે વ્યક્તિ વ્યક્તિએ જુદા જુદા વિચારો રહેલા છે. દરેક માનવીએ આ ભિન્ન વિચારધારા ધરાવતાં વ્યક્તિત્વોની વચ્ચે જ રહેવાનું હોય છે. અને એમની વચ્ચે રહીને જ પોતાના જીવનને ઉત્કૃષ્ટ બનાવવાનું હોય છે.
પોતાનાં ભણતર, આવડત, બુદ્ધિ અને શક્તિનો ઉપયોગ કરીને વ્યક્તિ પોતાના જીવનને ઉત્કૃષ્ટ બનાવવા માટે પ્રયત્ન કરતો જ હોય છે. પરંતુ સમૂહજીવનમાં રહીને પોતાના જીવનને ઉત્કૃષ્ટ બનાવવા માટે જો કોઈ મહત્ત્વનું કે અતિ જરૂરી પરિબળ હોય તો એ છે સંગ. ઉપલક દૃષ્ટિએ જોઈએ તો સંગ એ આપણને સાવ સામાન્ય બાબત લાગશે. આ બાબત સાંભળીને કે વાંચીને કદાચિત આપણા મનમાં હાસ્યનાં તરંગો ઉત્પન્ન થશે અથવા તો જરૂર પ્રશ્ન ઉદ્ભવશે કે એ કેવી રીતે? તેને આગળ વિસ્તૃતપૂર્વક સમજીએ. પરંતુ આ વાત સાવ સનાતન સત્ય છે. ઘણી વખત આપણા જીવનમાં એવું બન્યું હશે, આપણે એવું અનુભવ્યું હશે અથવા તો અન્ય થકી સાંભળ્યું હશે કે જીવનમાં આપણે નાની નાની બાબતો અથવા વસ્તુને નાની સમજીને તેનું મહત્ત્વ નથી સમજતા હોતા. એ જ નાની બાબત કે વસ્તુ આપણા જીવનમાં બહુ જ મોટી ગંભીર સમસ્યાઓ સર્જવામાં કારણરૂપ બની રહેતી હોય છે.
બસ... અહીંયાં પણ કંઈક આવું જ છે. સંગ એ ભલે સાવ સામાન્ય લાગતી બાબત છે. આ વાત કદાચિત્ આપણા માનસમાં નહિ સમજાય, પરંતુ સંગ એ વ્યક્તિના આંતરિક અને બાહ્ય જીવનને ભિન્ન રીતે સ્પર્શે છે. અધ્યાત્મ જીવન હોય કે વ્યવહારિક જીવન હોય ! પણ... વ્યક્તિના જીવનને પ્રગતિનાં શ્રેષ્ઠ શિખરો સુધી કે પતનની ઊંડી ખીણ સુધી પહોંચાડવામાં અતિ મહત્ત્વનું ભાગ ભજવતું પરિબળ હોય તો એ દરેકે પોતે પસંદ કરેલો સંગ છે. માટે પોતાના આંતરિક અને બાહ્ય જીવનની ઉન્નતિ માટે કોનો સંગ કરવો ? કોનો ન કરવો ? કેવી મિત્રતા કરવી ? કેવી મિત્રતા ન કરવી ? આ ખૂબ જ મહત્ત્વનું છે.
એક વિદ્યાર્થી દસમા ધોરણમાં ખૂબ સારા ગુણથી ઉત્તીર્ણ થયો. બોર્ડમાં નંબર આવ્યો. ત્યારબાદ તેણે સાયન્સની સારી એવી સ્કૂલમાં એડમિશન લીધું. સ્કૂલ ઘરથી બહુ જ દૂર હોવાને લીધે તેને હોસ્ટેલમાં રહેવું પડે એવું હતું એટલે તે હોસ્ટેલમાં રહેવા ગયો. દસમા ધોરણ સુધી તો આ વિદ્યાર્થી ઘરે રહેતો હતો. એટલે રોજ મંદિરે દર્શન કરવા જાય, સંતોની કથાવાર્તા સાંભળે, મંદિરમાં સેવા કરે, નિયમિત બાળસભામાં જાય, બહારનું ખાય-પીએ નહિ, ટી.વી. ન જુએ, વળી આદર્શ સત્સંગી મિત્રોનો સંગ – આ બધાં પરિબળોને લીધે ખૂબ આદર્શ-ગુણિયલ હતો. પરંતુ હવે ધીરે ધીરે પરિસ્થિતિ બદલાવા લાગી. સ્વતંત્રતા મળતી ગઈ, પૈસા છૂટથી વાપરવા મળવા લાગ્યા, પોતાની ઉપર માતાપિતાની દેખરેખ ન રહી. પરિણામે કુસંગી મિત્રો, હરવું-ફરવું, મોજ-શોખ કરવાં, બહારનું ખાવું-પીવું, થિયેટરોમાં પિક્ચર જોવાં, વિજાતિ મિત્રો કરવા – આ બધું જ વધતું ચાલ્યું. અને આ બધાં કારણોસર અભ્યાસ પરત્વે લક્ષ આપી શકાયું નહીં. ફલશ્રુતિ રૂપે જ્યારે આ વિદ્યાર્થીનું બારમા ધોરણનું પરિણામ આવ્યું એ જોઈને સૌની આંખો પહોળી થઈ ગઈ. સૌ દિમૂઢ બની ગયા. આ વિદ્યાર્થી ત્રણ વિષયમાં નાપાસ થયો હતો !
આ બધું જ બનવા પાછળનું મુખ્ય કારણ હતું વિદ્યાર્થીનો સંગ. વિદ્યાર્થી તો જે દસમા ધોરણમાં બોર્ડમાં નંબર લાવ્યો હતો એ જ હતો. પરંતુ જ્યાં તેનો સંગ બદલાયો ત્યાં એ વિદ્યાર્થીના જીવનની આખી દિશા બદલાઈ ગઈ. મંદિર, સંતો, આદર્શ સત્સંગી બાળકોની મિત્રતા આવા ઉત્કૃષ્ટ સંગને લીધે દસમા ધોરણમાં બોર્ડમાં નંબર પ્રાપ્ત થયો. પરંતુ કુસંગી મિત્રો, સિનેમા, હરવું-ફરવું, વિજાતિ મિત્રો - આ બધા કુસંગને લીધે બારમા ધોરણમાં ત્રણ વિષયમાં નાપાસ થવું પડ્યું. એટલા માટે જ અંગ્રેજીમાં એક કહેવત છે કે, ‘A man is known by the company he keeps.’ અર્થાત્ ‘મનુષ્ય એના પસંદ કરેલા સંગથી જ ઓળખાય છે.’ જેમ કોઈ સજ્જન વ્યક્તિ હોય તે જો વ્યસની વ્યક્તિ જોડે ઊભો રહેશે, એની મિત્રતા કરશે તો લોકો એ સજ્જન વ્યક્તિને પણ વ્યસની તરીકે જ ઓળખશે. ભલે પોતે સજ્જન છે પરંતુ એનો સંગ વ્યસની વ્યક્તિનો છે એટલે લોકોના માનસમાં એની છાપ વ્યસની તરીકે ઊપસશે અને જો કોઈ સજ્જન વ્યક્તિનો સંગ કરશે, એની સાથે મિત્રતા કરશે તો એની ગણતરી પણ સજ્જન વ્યક્તિઓમાં થશે. કારણ કે એનો સંગ યોગ્ય વ્યક્તિનો છે.
હે મહાપ્રભુ ! સંગ, સત્સંગ અને કુસંગને પારખવાની વિવેકદૃષ્ટિ અમને પ્રદાન કરો તેવી અભ્યર્થના.