ઉત્કૃષ્ટ સંગ - 2

  October 14, 2019

ઘણી વખત એવું જોવા મળતું હોય કે આપણે ક્યો સંગ કરીએ છીએ ? તે આપણને પોતાને જ ખબર નથી હોતી. આપણને તો એવું જ લાગે છે કે આપણે સારો સંગ જ કરીએ છીએ. કારણ કે આપણને સંગ ઓળખતાં આવડતું જ નથી. આપણે કહીશું કે સંગને પણ ઓળખવાનો હોય ? તો હા... સંગને ઓળખવો એ આપણા માટે બહુ જરૂરી છે. કારણ કે ગુજરાતીમાં એવું કહેવાય છે કે, “જેવો સંગ તેવો રંગ.” આપણે જેવો સંગ કરીએ છીએ એના જેવા ગુણો આપણામાં આવે છે. જેમ બધી જ પીળી વસ્તુ સોનું ન હોય, બધી જ ધોળી વસ્તુ દૂધ ન હોય એમ બધો જ સંગ સારો હોય એવું માની ન લેવાય. ઉપલક દૃષ્ટિએ આપણે કોઈ વ્યક્તિને જોઈએ, એની સાથે મળીએ, વાતચીત કરીએ એનાથી આપણને વ્યક્તિની પૂરેપૂરી ઓળખાણ નથી થતી હોતી. વ્યક્તિને પણ ઓળખવી જોઈએ. કારણ કે બહારથી તો દરેક વ્યક્તિ એવી જ દેખાવાનો પ્રયત્ન કરશે કે પોતે સજ્જન છે, આદર્શ છે, શ્રેષ્ઠ છે. પરંતુ વાસ્તવિકતાએ એવું ન પણ હોય, વાસ્તવિકતા કંઈક જુદી પણ નીકળે. વ્યક્તિની ઓળખાણ માત્ર બે-પાંચ મિનિટની મુલાકાતથી થઈ જતી નથી. એ તો જેમ જેમ વ્યક્તિની નિકટ રહેવાય તેમ તેમ એના સ્વભાવ, એની રીતિ-નીતિ, રુચિમાં-રાજીપામાં રહેવાનો આગ્રહ આ બધું જ કળાતું જાય અને એમ એમ વ્યક્તિના વાસ્તવિક સ્વરૂપની પિછાણ થતી જાય છે. એટલા માટે સ્વયં શ્રીજીમહારાજે સંગ ઓળખવાની રીત શિખવાડતાં લોયા પ્રકરણના છઠ્ઠા વચનામૃતમાં કહ્યું છે કે, “જે સંત હિંમત રહિત વાત કરતો હોય જે શું એક જન્મ કરીને નિષ્કામાદિક ગુણ આવે છે ? એ તો ભગવાન કૃપા કરે તો આવે, નહિ તો અનેક જન્મે કરીને કલ્યાણ થાય, પણ આ જ દેહે કરીને શું કલ્યાણ થાય છે ? એવી રીતે જે હિંમત રહિત વાત કરતો હોય તેના સંગનો સર્વ પ્રકારે ત્યાગ કરવો. અને જે એમ કહેતો હોય જે, આ ને આ દેહે કરીને કૃતાર્થ થયા છીએ ને કામ, ક્રોધ, મદ, મત્સર, માન ઇત્યાદિક દોષનો શો ભાર છે ? ભગવાન ને સંતના પ્રતાપે કરીને એ સર્વેનો નાશ કરી નાખશું, એમ જે કહેતો હોય ને કામાદિક દોષને નાશ કરવાના ઉપાયમાં તત્પર થઈને મંડ્યો હોય તેનો સંગ સર્વે પ્રકારે કરવો.” તો વળી, નિષ્કુળાનંદ સ્વામીએ પણ ચોસઠપદીમાં કહ્યું છે કે,
ખાતાં-પીતાં જોતાં જણાશે, આશય એના અંતરનો;
ઊઠે બેસે બોલે કળાશે રે, પાસે વસતા એ નરનો,
હશે હારદ હૈયા કેરું રે, વણ કહ્યે પણ વરતાશે;
જેમ જેમ છપાડશે ઘણેરું રે, તેમ તેમ છતું થાશે,
ખાય ખૂણે લસણ લકીરે રે, તે ગંદા કરે છુપાવાનું;
કહે નિષ્કુળાનંદ વાત નક્કી રે, જેમ છે તેમ જણાવાનું...
ઉપરોક્ત કીર્તનની પંક્તિઓમાં સદ્. નિષ્કુળાનંદ સ્વામી આપણને સંગ ઓળખવાની રીત શિખવાડતાં કહે છે કે, જેમ જેમ વ્યક્તિની જોડે રહીશું તેમ તેમ ખાતાં-પીતાં, જોતાં, ઊઠતાં-બેસતાં એના અંતરની ઇચ્છાઓનો ખ્યાલ આવશે. જોડે રહેવાથી જ એના હૃદયનો અભિપ્રાય ખબર પડશે. ભલે કદાચ એ કહેશે નહિ પરંતુ એના વર્તન ઉપરથી ખ્યાલ આવી જશે. અને જેમ જેમ એ પોતાના હૃદયના અભિપ્રાયોને છુપાડવાનો પ્રયત્ન કરશે તેમ તેમ એ વધુ ને વધુ છતો થશે એટલે કે જાહેર થશે. જેમ કોઈ વ્યક્તિએ લગીરેય લસણ ખાધું પછી તે લસણની ગંધ છુપાડવાનો પ્રયત્ન કરે તોપણ તે ક્યારેય નહિ છુપાય. જેમ છે તેમ ઓળખાઈને જ રહેશે.
આપણે કરીએ છીએ તે બધો જ સંગ એકસરખો નથી હોતો. સંગના મુખ્યત્વે ત્રણ પ્રકાર છે. સંગનો સૌથી પહેલો પ્રકાર છે ચડિયાતો સંગ, બીજો પ્રકાર છે બરોબરીયો સંગ અને ત્રીજો પ્રકાર છે ઊતરતો સંગ.
સૌપ્રથમ ચડિયાતો સંગ કોને કહેવાય ? ચડિયાતો સંગ એટલે શું ? તો જેની જોડે રહેવાથી, બોલવાથી, ચાલવાથી, જેનો સંગ કરવાથી, જેની મિત્રતા કરવાથી અધ્યાત્મ અને વ્યવહારિક જીવનમાં નિરંતર આપણે દિન-પ્રતિદિન વધુ ને વધુ રાજીપો પ્રાપ્ત કરી શકીએ, આપણી પ્રગતિ થયા જ કરે એવા સંગને ચડિયાતો સંગ કહેવાય. સમૂહજીવનમાં આવા ચડિયાતા રાજીપાનાં પાત્રો બહુ જ ઓછાં જોવા મળે કે જેના સંગે કરીને નિરંતર આપણું જીવન ઉન્નત બનતું રહે. આવા મુક્તો ન હોય એવું નથી. પરંતુ જીવનપ્રાણ અબજીબાપાશ્રીએ વાતોમાં કહ્યું છે કે, જેમ પંક્તિમાં બેઠા હોઈએ અને પીરસનાર એક જ ભોજન પીરસે ને સરખું પીરસે પણ જમનારની સત્તા પ્રમાણે એટલે પાત્રતા પ્રમાણે જમાય છે, કારણ કે દરેકની ભૂખ એકસરખી નથી હોતી. એમ સમૂહજીવનમાં પણ દરેકને મહારાજ અને મોટાના રાજીપાની ભૂખ એકસરખી ન હોય. એટલે આપણે જેની જોડે રહીએ છીએ એ બધાં જ પાત્રો શ્રેષ્ઠ છે, ચડિયાતાં છે એવું માની ન લેવાય. પરંતુ એવા ચડિયાતા સંગને ઓળખતાં અને ઓળખ્યા પછી એનો સંગ કરતાં આવડવું જોઈએ.
ત્યારે પ્રશ્ન થશે કે સમૂહજીવનમાં ચડિયાતાં પાત્રો ઓળખાય કઈ રીતે ? અને ઓળખ્યા પછી એનો સંગ કેવી રીતે કરાય ? તો જે આપણા કરતાં વર્તનમાં આગળ હોય એટલે કે આપણા કરતાં જેનું જીવન ઉત્કૃષ્ટ હોય, જે મહારાજ અને મોટાને વિષે નિરંતર મહિમાઆકારે રહેતો હોય અને આપણે એની જોડે રહીએ તો આપણને પણ મહારાજ અને મોટાપુરુષના મહિમાથી ભરી દે, જે નિરંતર રુચિમાં વર્તે, આજ્ઞામાં વર્તે અને આપણને વર્તાવે. ગઢડા છેલ્લા પ્રકરણના ૩૮મા વચનામૃત પ્રમાણે ભગવાનનું અલ્પ વચન હોય તેમાં ફેર પડે તો તે મહદ્ વચનમાં ફેર પડ્યો હોય એમ માનતા હોય, જેનું જીવન મહારાજ અને મોટાપુરુષની રીત અને આગ્રહ મુજબનું હોય, જે નિરંતર પોતાના ધ્યેયને પૂર્ણ કરવાના પ્રયત્નમાં હોય, જેની પાસે આપણે જઈએ ત્યારે ત્યારે મળેલા મહારાજ અને મોટાપુરુષના મહિમાની, એમને રાજી કરવાની કે સત્સંગની જ વાત શીખવા મળે, જેના મુખે ક્યારેય અભાવ-અવગુણ કે આલાની-ઝાલાની, પારકી પંચાત સાંભળવા જ ન મળે, અને જેના સંગમાં રહીને આપણા અંતરમાં શાંતિ અનુભવાય, આપણા ઇન્દ્રિયો-અંત:કરણના વેગો મંદ પડતા જાય. આ બધાં ચડિયાતાં-રાજીપાનાં પાત્રો હોય તેવા મુક્તોનાં લક્ષણો છે જેણે કરીને આપણને ચડિયાતો સંગ ઓળખાય છે.
હવે એવાં પાત્રોનો સંગ કેવી રીતે કરાય ? અથવા તો સંગ કર્યો કોને કહેવાય ? તો સંગ કરવો એટલે માત્ર દેહે કરીને એમની જોડે રહેવું એવું નથી. પરંતુ એવાં ચડિયાતાં પાત્રોના જીવનમાંથી એમના ગુણોને જોવા અને એ પ્રમાણે આપણા જીવનમાં પણ એવા ગુણો કેળવવાનો પ્રયત્ન કરવો. એમના જેવી રાજી કરવાની રીત શીખવી. એમના જેવા આગ્રહી બનવું આને સંગ કર્યો કહેવાય. બોટાદના વીરાભગત સાધુ થવાના સંકલ્પથી શ્રીજીમહારાજ પાસે ગઢપુર આવ્યા. મહારાજે તેમને પૂછ્યું કે, “તમારું નામ શું ? ક્યાંથી આવો છો ? અને શા માટે આવ્યા છો ?” વીરાભગતે કહ્યું, “વીરો મારું નામ છે, બોટાદનો રહેવાસી છું અને સાધુ થવા માટે આવ્યો છું.” ત્યારબાદ મહારાજે તેમને સદ્. મુક્તાનંદ સ્વામી પાસે મોકલ્યા અને મુક્તાનંદ સ્વામીએ પણ તેમને ઉપરોક્ત માહિતી પૂછી અને ત્રણ રીત શિખવાડી કે, “કોઈ મહારાજને રાજી કરે કે ન કરે પરંતુ તમે મહારાજને રાજી કરી લેજો; સૌમાં મહારાજનાં દર્શન કરજો અને મહારાજની આગળ ક્યારેય કોઈ ઠરાવ ન રાખતા.” અને વીરાભગત સદ્. મુક્તાનંદ સ્વામીએ શીખવેલી રીત પ્રમાણે આગળ વધ્યા અને એવા ગુણો દઢ કર્યા તો માત્ર બે વર્ષના અલ્પગાળામાં મહારાજનો અપાર રાજીપો કમાઈ ગયા. એવું કહેવાય છે કે વીરાભગતને મહારાજ દિવસમાં નાની-મોટી દરેક ક્રિયામાં સંભારતાં અને કોઈ હરિભક્તને તેડવા જવું હોય તોપણ મહારાજ વીરાભગતને સાથે લઈ જતા. આટલો બધો રાજીપો કમાયા તેનું કારણ સદ્. મુક્તાનંદ સ્વામીનો સંગ. વળી, વીરાભગતમાં આટલી બધી મુમુક્ષુતા અને સાધુ થવાનો સંકલ્પ હોવાનું કારણ હતું ઉત્કૃષ્ટ, ચડિયાતો સંગ અને તેમના જીવનમાંથી ગુણ, વર્તન, સમજણ શીખી પોતે દઢ કર્યા હતાં. તે ઉત્કૃષ્ટ સંગ હતો શિવલાલ શેઠનો.
હે મહારાજ ! અમો આપની પાસે બધા સાનુકૂળ સંજોગોની બક્ષીસ નથી ઇચ્છતા પણ સાનુકૂળ અર્થાત્ આપના રાજીપાનો સંગ જરૂર ઇચ્છીએ છીએ જેના સંગે વિપરીતતા સાનૂકુળતામાં પરિણમે, એવો આપના રાજીપાવાળો ઉત્કૃષ્ટ સંગ પ્રદાન કરો એવી અંતરની અભિપ્સા...