ઉત્કૃષ્ટ સંગ - 3

  October 21, 2019

હવે આગળ સંગનો બીજો પ્રકાર છે બરોબરિયો સંગ. બરોબરિયો સંગ કોને કહેવાય ? તો જેના સંગમાં રહીને આપણા જીવનમાં કોઈ પ્રગતિ ન થાય, આપણે ઠેરના ઠેર રહીએ અથવા તો આપણે જેનો સંગ કરીએ છીએ એના જેવાં અંગ, સ્વભાવ, અને રીતિ-નીતિ છે; એની સાથે આપણાં અંગ, સ્વભાવ અને રીતિ-નીતિ મળતાં આવે તેને બરોબરિયો સંગ કહેવાય છે; જેને મળતાવડો સંગ પણ કહી શકાય.
આવો બરોબરિયો સંગ ઓળખાય કઈ રીતે ? જેની જોડે રહેવાથી આપણને રોક-ટોક મળે નહિ, લલોચપો રહે, આપણા સ્વભાવનું પોષણ થાય, આપણી કુટેવોને પુષ્ટિ મળે, જેના સંગમાં રહીને મહારાજ અને મોટાપુરુષના ગમતા-ન ગમતાની, રુચિ-અરુચિની વાત જાણતાં હોવા છતાં ગમતા અને રાજીપા બહાર વર્તાય. વળી, જેના સંગમાં રહીને અભાવ-અવગુણની-ગ્રામ્યવાતો થતી હોય, મહારાજ અને મોટાપુરુષનું ગૌણપણું જણાતું હોય અને પોતાની આવડત-બુદ્ધિનું મુખ્યપણું રહેતું હોય તથા આપણને પણ એવું શિખવાડતા હોય, આપણા સ્વભાવ જાણતા હોવા છતાં તેને ટાળવાનો-ટળાવવાનો ખટકો ન રખાવે, આપણી ભૂલ થાય તોપણ વઢે નહિ, માત્ર બરડા થાબડીને પ્રોત્સાહન જ અપાતું હોય, જ્યાં માત્ર માન આપીને, વખાણ કે પ્રશંસા કરીને નિકટ લેવાનો પ્રયત્ન થતો હોય - આવો સંગ એ બરોબરિયો સંગ છે. જેનાથી સત્સંગમાં ક્યારેય આપણે પ્રગતિને પામી શકતા નથી. સ્વયં શ્રીજીમહારાજે પણ લોયા પ્રકરણના છઠ્ઠા વચનામૃતમાં આવા સંગનો નિષેધ કરતાં કહ્યું છે કે, “જે વર્તમાન પણ સૂધાં સારાં પાળતો હોય ને નિશ્ચય સૂધો સારો હોય ને તે પાસે આપણે રહેતા હોઈએ ને આપણને ટોકે નહિ ને પંપાળીને રાખે ને જાપરો રાખે તો તે મુક્તાનંદ સ્વામી જેવો લોકવ્યવહારે મોટો કહેવાતો હોય તેનો પણ સંગ ન કરવો અને જે સંત પોતાને ટોક્યા કરે ને જે સ્વભાવ દેખે તે ઉપર ખટકો રાખે ને તે ન ટળે ત્યાં સુધી વાત કર્યા કરે ને લલોચપો રાખે નહિ ને તે લોકવ્યવહારે મોટો ન કહેવાતો હોય તોપણ તે સંગ કરવો.”
સંગનો ત્રીજો પ્રકાર છે ઊતરતો સંગ. ઊતરતો સંગ કોને કહેવાય ? તો જેના સંગમાં રહીને આપણી અધોગતિ થાય, દિન-પ્રતિદિન આપણું જીવન ઘટતું જાય એવા સંગને ઊતરતો સંગ કહેવાય. જેને હલકો સંગ પણ કહી શકાય.
ઊતરતો સંગ ઓળખાય કઈ રીતે ? તો જેનું મહારાજ અને મોટાપુરુષને વિષે અમહિમાઆકારે જીવન હોય અને જે એના જોગમાં આવે એનેય અમહિમાઆકારે કરી નાખે; જેના મુખે અભાવ-અવગુણ અને અમહિમાની જ વાતો હોય, જે ક્યારેય અન્યના ગુણોને જોઈ ન શકે; જયાં કેવળ પોતાનું દેહાભિમાન જ હોય; જ્યાં મહારાજ અને મોટાની આજ્ઞાનું, વચનનું, રુચિનું, રાજીપાનું, ગમતાનું કોઈ મહત્ત્વ ન હોય; બહુધા એનો લોપ જ થતો જણાતો હોય; જેના સંગમાં રહીને આપણામાં રહેલા રાજીપાના ગુણો પણ દિન-પ્રતિદિન ઘટતા જાય; પોતાનામાં જે કસર હોય એ મુજબના બીબામાં આપણને ઢાળવા પ્રયત્ન કરે; જેનો સંગ કરવાથી અંતરમાં અશાંતિ-ઉદ્વેગ જેવું લાગ્યા કરે - આવાં લક્ષણો જ્યાં જોવા મળતાં હોય એને ઊતરતો સંગ કહેવાય.
ઉપરોક્ત ત્રણેય સંગમાંથી આપણે ક્યો સંગ કરીએ છીએ ? એ પોતાની જાતે તપાસવું જોઈએ. અને હવે પછી ક્યો સંગ કરવો જોઈએ? એ નક્કી કરવું બહુ જ મહત્ત્વનું છે. ઉપરોક્ત ત્રણેય સંગની વિવરણપૂર્વક સમજૂતી એ કેવળ સારાસારનો વિવેક સમજવા માટે છે. અને એ પ્રમાણે સંગ ઓળખીને ઉત્કૃષ્ટ સંગ કરીને આગળ વધવા માટે છે. કારણ કે અધ્યાત્મજીવનમાં સંગ કોનો કરીએ છીએ? કેવો કરીએ છીએ? એ બહુ જ મહત્ત્વનું છે. જો આપણે ચડિયાતાનો સંગ કરીશું તો દિન-પ્રતિદિન રાજીપામાં, ઉત્કૃષ્ટ ગુણો કેળવવામાં પ્રગતિ કરતા રહીશું. સદાય આપણો ચડિયાતો રંગ રહેશે. વળી, ચડિયાતા સંગથી જ આપણી આધ્યાત્મિક-આંતરિક સમૃદ્ધિ પણ વધતી જશે. અને જો આપણે બરોબરિયો કે ઊતરતો સંગ કરતા હોઈશું તો આપણામાં રહેલા રાજીપાના ગુણો ધીરે ધીરે ઘટતા જશે. અને આપણે રાજી કરવા આવ્યા છીએ પરંતુ રાજીપાના બદલે કુરાજીપાને પાત્ર થઈશું અને આપણો ધ્યેય ફંટાઈ જશે. બહારવૃત્તિવાળા થઈ જવાશે. એટલું જ નહિ, કદાચિત્ સત્સંગમાં વિઘ્ન પણ આવી શકે અને આપણને મળેલી મહામૂલી પ્રાપ્તિ ખોવાઈ જાય.
આમોદના દીનાનાથ ભટ્ટ પાસે એક વખત મહારાજ પુસ્તક લખાવતા હતા. પુસ્તક લખાવતી વખતે મહારાજે લીલા શરૂ કરી. મહારાજે દીનાનાથ ભટ્ટ પાસે “અમે ભૂલી ગયા” એમ કહી ત્રણ-ચાર વખત પાનાં લખાવીને ફાડી નંખાવ્યાં. એટલે દીનાનાથ ભટ્ટને સંકલ્પ થયો કે જો શ્રીજીમહારાજ ભગવાન હોય તો ભૂલી જાય ખરા ? અને આ સંકલ્પના નિવારણ માટે તેઓ નિર્વિકલ્પાનંદ સ્વામી પાસે ગયા જેમને પહેલેથી જ મહારાજનો અવગુણ હતો. મહારાજનો ભગવાન તરીકે સ્વીકાર નહોતો. દીનાનાથ ભટ્ટે નિર્વિકલ્પાનંદ સ્વામી પાસે જઈને બધી વાત કરી. માહીં તો કુસંગ હતો અને બહાર પણ એવા કુસંગનો જોગ થયો. નિર્વિકલ્પાનંદ સ્વામીએ કહ્યું, “ભગવાન છે જ ક્યાં ? તમે બધા ભગવાન-ભગવાન લઈ મંડ્યા છો. અરે ભગવાન તો નહિ, પણ ઝાઝી બુદ્ધિયે નથી. શિક્ષાપત્રીમાં તારું નામ નથી લખ્યું ને પેલો અભણ મયારામ ભટ્ટ તેનું નામ લખ્યું છે. માટે જા છાનોમાનો આમોદ ભેગો થઈ જા.” દીનાનાથ ભટ્ટને આવી રીતે ઊતરતો સંગ થઈ ગયો અને સત્સંગમાં વિઘ્ન આવ્યું. આવો મહામૂલો સત્સંગ છૂટી ગયો. માટે સંગ કરવામાં બહુ સાચવવું.
સામાન્ય રીતે આપણે કોઈ પણ વ્યક્તિનો સંગ બે પ્રકારે કરતા હોઈએ છીએ. પહેલો શબ્દથી અને બીજો વર્તનથી. શબ્દથી સંગ કર્યો કોને કહેવાય ? કોઈના દ્વારા બોલવામાં આવેલા શબ્દો આપણને અસર કરે; આપણા વિચારોને, આપણા વર્તનને, આપણા સંકલ્પોને બદલી નાખે એ શબ્દથી સંગ કર્યો કહેવાય. અને કોઈના વર્તનનું આપણે અનુકરણ કરીએ, એમના જેવું વર્તન કરવાનો પ્રયત્ન કરીએ, એમના જેવી રીતિ-નીતિ આપણે પણ અપનાવી લઈએ એ વર્તનથી સંગ કર્યો કહેવાય. ઉપરોક્ત સંગ કરવાની બેય રીતમાં જો ઉત્તમ રીત હોય તો એ છે વર્તન. કારણ કે આપણે વાત ગમે તેટલી સારી કરતા હોઈશું, શબ્દો ભારે બોલતા હોઈશું પરંતુ જો સામેની વ્યક્તિ એ વાત પ્રમાણેનું આપણું વર્તન નહિ જુએ તો એને અસર નહિ કરે. કારણ કે વાત કરતાં વર્તનમાંથી વધુ શીખાય છે. વર્તન એ જ અન્યનું પરિવર્તન કરે છે. માટે શબ્દ કરતાં વર્તન કરીને સંગ કરવો એ ઉત્તમ છે. આમ, અધ્યાત્મ જીવનમાં ઉત્કૃષ્ટ સંગનું મહત્ત્વ સમજી એવો ઉત્કૃષ્ટ સંગ કરી આપણા જીવનને પણ ઉત્કૃષ્ટ રાજીપાના ગુણોથી દીપાવીએ એ જ અભ્યર્થના....