વાંચન - જેવું વાંચન તેવું ફળ આપનારું

  November 20, 2012

ગુજરાતી ભાષાસાહિત્યમાં એક કહેવત છે : ‘અન્ન એવો ઓડકાર.’ જેને વાંચન સંદર્ભે બદલીએ તો, ‘વાંચન એવા વિચારો.’ વાંચનથી વિચારો ઉદ્ભવે છે. પણ આપણી નવું જાણવાની, જોવાની ને વાંચવાની જિજ્ઞાસાવૃત્તિના કારણે સાર-અસારનો આપણે વિવેક રાખી શક્તા નથી. અંતે આપણને ખરાબ વાંચનની ટેવ પડી જાય છે જે આપણને તહસનહસ કે છિન્નભિન્ન કરી વિખેરી નાંખે છે. આ માટે વાંચનવિવેક જરૂરી છે.

વાંચનના બે પ્રકાર છે : 1. હકારાત્મક વાંચન, 2. નકારાત્મક વાંચન. હકારાત્મક વાંચનથી પ્રગતિ કહેતાં ઊર્ધ્વગતિ પ્રાપ્ત થાય છે. જીવન સકારાત્મકતાથી ખીલી ઊઠે છે. હકારાત્મક વાંચન માટે હેનરી ડેવિડ થોરો કહે છે, “ઉત્તમ પુસ્તકના વાંચનથી નવા યુગનો પ્રારંભ થાય છે.” હકારાત્મક વાંચનની અસર કેવી થાય છે તે માટે ઇતિહાસનું એક સુવર્ણ પૃષ્ઠ પલટાવીએ.

ભારત દેશ ત્રણસો-ત્રણસો વર્ષ સુધી બ્રિટિશ સલ્તનતનો ગુલામ રહ્યો. આ ગુલામીના કારમાં ઘામાંથી મુક્ત થવા ‘સત્યાગ્રહ’ થયો. પણ સત્યાગ્રહનો વિચાર મૂળે ક્યાંથી આવ્યો ? એ જાણવું આપણે માટે અત્યંત જરૂરી છે.

આ હકારાત્મક વિચાર મોહનદાસ ગાંધીને ઈ.સ. 1849માં પ્રકાશિત થયેલ હેનરી ડેવિડ થોરોના ‘Civil Disobedience’(સામાજિક બહિષ્કાર) નામના પુસ્તકમાંથી આવ્યો. આ પુસ્તક તેઓને ઈ.સ. 1907માં વાંચવામાં આવ્યું. આ પુસ્તકે તેમને અસહકારના આંદોલન માટે પ્રેરણા કરી. અસહકાર આંદોલનમાંથી સત્યાગ્રહનો જન્મ થયો. આમ, સત્યાગ્રહે ભારતને ત્રણસો વર્ષની ગુલામીમાંથી મુક્ત કરી સ્વતંત્રતા આપીને નવા યુગનો પ્રારંભ કર્યો. આ શક્ય બનવાનું કારણ કેવળ હકારાત્મક વાંચન  હતું. હકારાત્મક વાંચનમાં રહસ્યાર્થ વચનામૃત, બાપાશ્રીની વાતો, સંસ્થામાંથી પ્રકાશિત થતાં પુસ્તકો, ઘનશ્યામ સામયિક અને પ્રેરણાત્મક ચરિત્રો ને સાહિત્યલેખોનાં પુસ્તકોનો સમાવેશ થાય છે. આવાં શાસ્ત્રો ને પુસ્તકો વાંચવાથી જ જીવન ઊર્ધ્વ ગતિને પામે છે.

નકારાત્મક વાંચન એટલે ગ્રામ્ય, હલકા ને અસામાજિક વિચારોનું પ્રતિપાદન કરતાં પુસ્તકો. નકારાત્મક વાંચન એટલે અધોગતિ તરફ લઈ જનાર મહાખાડી. નકારાત્મક વાંચનમાં વર્તમાનપત્રોમાં આવતી બીભત્સ પૂર્તિઓ, ગ્રામ્ય લેખો – પુસ્તકો ને રજોગુણી સાહિત્યનો સમાવેશ થાય છે.

નકારાત્મક વાંચન વિશે કોઈક ભારતીય મીમાંસક યથાયોગ્ય વિવેચન કરતાં જણાવે છે, “નકારાત્મક વાંચનથી માનસમાં આસુરી તત્ત્વો જન્મે છે, જે માનવને મહાદાનવ કરી નાંખે છે. આ મહાદાનવ સમસ્ત માનવસમાજ માટે વિનાશક – વિસ્ફોટક છે.” આ વાતને ટેકો આપતાં ઇતિહાસનાં કાળાં પાનાં અક્ષિ (આંખ) સમક્ષ ખડાં થઈ જાય છે.

વાત છે જર્મનીના અપખુદ એડોલ્ફ હિટલરની. હિટલરે મનસ્વીપણે ને એક સામાજિક વર્ગ વિશે નકારાત્મક વલણ દાખવતું જલદ લખાણ પોતાના આત્મવૃત્તાંતમાં કર્યું હતું. આ વૃત્તાંતના વાંચનથી સમાજમાં કાળી ક્રાંતિનો સૂરજ વકરી ઊઠ્યો. આ સૂરજે લાખો લોકોને પોતાના ભરડામાં લઈ લીધા ને પોતાના કાળા પ્રકાશે ઈતિહાસ રચી નાખ્યો. આ વાતનું વર્ણન કરતાં અમેરિકન લેખક નોર્મન કઝિન્સે કહ્યું છે, “For Every word of ‘Mein Kampf’ 125 lives were lost, for every page 4,700 lives and for every chapter more than 12,00,000 lives.” ‘મેન કેમ્ફ’ના એક એક શબ્દે 125 લોકોનું જીવન ખુવાર થયું છે, તેના પ્રત્યેક પૃષ્ઠે 4,700 લોકો અને પ્રત્યેક પ્રકરણે પ્રકરણે 12 લાખ લોકોએ પ્રાણ ગુમાવ્યા.

અસદ્વાંચનથી દૃષ્ટિ, વલણ ને વિચાર નકારાત્મક થઈ જાય છે. આમ, વાંચન માટે વિવેક કેળવીએ ને વાંચતા થઈએ તો વાંચન સદા સુખકર છે.

વાંચન વિશ્વની વિશિષ્ટ ફળદ્રુપતા હોવા છતાંય વાચકોની ઉદાસીનતા પર મર્મ વ્યક્ત કરતાં એલ્વિન ટોફલરે કહ્યું છે કે, “21મી સદીમાં એ લોકો અભણ નહિ કહેવાય કે જેમને વાંચતા–લખતા નહિ આવડતું હોય ! પરંતુ એ લોકો અભણ ગણાશે, જેઓ હકારાત્મક સદ્વાંચન કરીને જીવનનો કોઈક નવો પાઠ નહિ શીખે, જીવનની અવળી વાતો નહિ ભૂલે અને જીવનમાં વારંવાર ઘૂંટવા જેવું ફરીથી નહિ શીખે.”

નહિ વાંચનાર વ્યક્તિ કે સમાજને 21મી સદીમાં ‘અભણ’નું મહાબિરુદ ઝળહળતી રીતે એલ્વિને એનાયત કરી દીધું છે. ફર્ક એટલો જ કે આ વાત માટે પદવીદાન સમારંભ યોજાયો નથી. 21મી સદીની માનવસમસ્યાનું એકમાત્ર ઓસડ ‘વાંચન’ છે. પૂ.સ્વામીશ્રી પણ વાંચન અંગે શુષ્ક રહેનારા વર્ગ વિશે કહે છે, “આજના જમાનામાં લોકોને હરવું-ફરવું, નવું નવું જોવું ને જાણવું તથા રમતગમત ને મનોરંજન ગમે છે. પરંતુ જ્યારે આજનો સમાજ સદ્વાંચનનું અંગ કળવશે ત્યારે જ દેશ અને સમાજની જે સાચી મૂડી છે તેવા – નીમિમત્તા, પ્રામાણિક્તા, પવિત્રતા, માન-મર્યાદા, પૂજ્યતા આદિ – ગુણો ખીલી ઊઠશે ને એક નવતર મૂલ્યવાન સમાજની રચના થશે.”

સદ્વાંચન-જાગૃતિ માટે સમૂહ-અભિયાનો ઉપાડવાની જરૂર નથી. ‘પોતાનું આંગણું વાળતાં વિશ્વ ચોખ્ખું થાય’ એ ન્યાયે દરેક વ્યક્તિ પોતાના વ્યક્તિગત જીવનમાં સદ્વાંચનનું મૂલ્ય સમજી વાંચનનું અંગ કેળવશે તો આપમેળે સમગ્ર સમાજ ને દેશ વાંચનની મહેકતી જીવનપરિવર્તનની ગાથાને અનુભવશે.