વચનસિદ્ધ વાણી

  July 7, 2017

દસ વર્ષ પહેલાં એક વખત ગુરુવર્ય પ.પૂ. બાપજી પંચમહાલ જિલ્લાના ટીંબલા ગામે વિચરણ અર્થે પધાર્યા હતા. ગામમાં સત્સંગ ખરો. છતાં અંધશ્રદ્ધા ને ભૂવા-ભરાડીનો પ્રભાવ ગામમાં વિશેષ રહેતો. ગુરુવર્ય પ.પૂ. બાપજીના આગમનના સમાચાર મળતા ગામના સત્સંગી બંધુઓ એકત્ર થઈ, દર્શન-આશીર્વાદનો લાભ લેવા પધાર્યા. ત્યાં ગુરુવર્ય પ.પૂ. બાપજીએ બધાને પૂછ્યું કે, “અલ્યા, તમે કોઈ બકરાંની કે મરઘાંની હિંસા તો નથી કરતા ને ?” બધાએ કહ્યું, “બાપા... ના...” એવામાં કોઈક બે હાથ જોડી દીનભાવે બોલ્યા, “બાપા ! ગામમાં ઘણી વાર કોઈને સાપ કરડે તો એ વખતે તેનું ઝેર ઉતારવા માટે ભૂવા પાસે જવું પડે છે. ને ઝેર ઉતાર્યા બાદ અમારી પાસે બકરાં ને મરઘાં માગે છે... માટે શું કરીએ ? લાચાર થઈને આપવાં પડે છે.” ત્યાં તો...

“અતિ દયાળુ રે, સ્વભાવ છે સ્વામીનો;

પરદુઃખહારી રે, વારી બહુનામીનો,

કોઈને દુખિયો રે, દેખી ન ખમાય;

દયા આણી રે, અતિ આકળા થાય.”

 એવા ગુરુવર્ય પ.પૂ. બાપજી સત્સંગીઓની રક્ષા માટે આશીર્વાદ આપતા બોલ્યા, “આપણે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છીએ. આપણને સાપ કરડે ત્યારે ભૂવા પાસે ન જવું ને મહારાજનું બળ રાખવું. મહારાજ આપણી ભેળા છે ને તે રક્ષા કરશે. અમે મહારાજને પ્રાર્થના કરશું કે, આ ગામની અંદર જેટલા ભગવાન સ્વામિનારાયણના આશ્રિત હશે, ને અખંડ તિલક-ચાંદલો ને કંઠી ધારણ કરતા હશે તેઓને ક્યારેય સાપ નહિ કરડે.” એ દિવ્યપુરુષની આશિષવર્ષાનાં આજે દસ-દસ વર્ષના વ્હાણાં વાઈ ગયાં, છતાં કોઈ સત્સંગીને સાપ કરડ્યો નથી. ને સર્વે સત્સંગીઓ સાપના ભયથી મુક્ત થઈ મહાપ્રભુના બળે ને મોટાના આપેલા વચને નિશ્ચિંતપણે જીવી રહ્યા છે.

     પંચમહાલ જિલ્લાના રામાભાઈ માનાભાઈ બારીયા સત્સંગી ન હતા; પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયના ખૂબ જ વિરોધી ને ગુરુવર્ય પ.પૂ. બાપજીનો પણ અભાવ. તેઓ મુંબઈ એરપૉર્ટ પર નોકરી કરતા. એક દિ’ અચાનક તેઓ બિમારીમાં સપડાયા. તેથી મુંબઈની મોટામાં મોટી હૉસ્પિટલમાં તેઓને ઍડમિટ કરવામાં આવ્યા. પણ બિમારી એટલી ભયંકર હતી કે હૉસ્પિટલના મોટામાં મોટા નામાંકિત ડૉક્ટરોએ પણ આ કેસમાંથી પોતાના હાથ ઊંચા કરી દીધા. રામાભાઈને ઑક્સિજન પર રાખ્યા હતા. તેઓના સંબંધીઓમાં એક આપણા સત્સંગી. તેઓને રામાભાઈની હાલત જોઈ ગુરુવર્ય પ.પૂ. બાપજી યાદ આવ્યા. ને તેમણે ગુરુવર્ય પ.પૂ. બાપજીને ફોન કરી, રામાભાઈની જીવનરક્ષા માટે દીનભાવે પ્રાર્થના કરી. ત્યાં તો ‘સાગર જેવા દિલડાં જેનાં...’ એવા એ દિવ્યપુરુષ બોલ્યા, “કશું જ નહિ થાય, ચિંતા ન કરશો. મહારાજ બધાં જ સારાં વાનાં કરી દેશે. તમે એટલામાં જોડે કોઈ સ્વામિનારાયણ મંદિર હોય તો ત્યાંથી મહારાજની પ્રસાદી અને કંઠી મેળવી લો. ને પછી રામાભાઈને મહારાજની અભયવર આપતી વરમાળા કે’તા કંઠી પહેરાવી દેજો ને થોડી પ્રસાદી આપજો. અમે અહીં ઠાકોરજીને એમની રક્ષા માટે પ્રાર્થના કરીશું.” ત્યારબાદ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ આપેલ રક્ષાવચન મુજબ પેલા સત્સંગીભાઈ હૉસ્પિટલ નજીકના સ્વામિનારાયણ મંદિરમાં જઈ કંઠી ને પ્રસાદી લઈ જેવા તે હૉસ્પિટલ પ્રવેશ્યા ત્યાં તો રામાભાઈનો 50 % રોગ આપોઆપ મટી ગયો. પછી કંઠી પહેરાવી ને પ્રસાદી આપી ત્યાં પેલા ભાઈ બે-ત્રણ દિવસમાં સાવ સાજા-સારા થઈ ગયા. પછી તો રામાભાઈ ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શન માટે વાસણા મંદિરે આવ્યા ને એ દિવ્યપુરુષના ચરણોમાં ઢળી પડ્યા ને અગાઉ થયેલા ગુરુવર્ય પ.પૂ. બાપજીના અપરાધ અંગે ક્ષમા પણ યાચી.

     સ્વામિનારાયણ ધામમાં સુરેન્દ્રનગરના વણા ગામના ચતુરભાઈ મોતીભાઈ વર્ષોથી સેવા આપતા હતા. તેઓએ મોટી ઉંમરે ભગવાન સ્વામિનારાયણની ને પૂ. સંતોની ખૂબ જ નિ:સ્વાર્થ ભાવે સેવા કરી હતી. આ જોઈ ગુરુવર્ય પ.પૂ. બાપજી એમના પર ખૂબ રાજી હતા ને તેમને અગાઉથી તેડી જવાની અવધિ આપી દીધી. ગુરુવર્ય પ.પૂ. બાપજીએ આપેલ અવધિ મુજબ ચતુરભાઈએ પોતાના ગામે સમગ્ર પરિવારજન ને ગ્રામજનને પોતાના ઘરે ભેગા કરી, વચનામૃતની પારાયણ રાખેલી હતી. પણ જેમ જેમ અવધિનો સમય નજીક આવ્યો ત્યાં તો ચતુરભાઈએ મહામંત્રની ધૂન શરૂ કરાવી. ને ગુરુવર્ય પ.પૂ. બાપજીએ આપેલ અવધિ મુજબ અનંતકોટિ બ્રહ્માંડના અધિપતિ સ્વામિનારાયણ ભગવાન ચતુરભાઈને પોતાની મૂર્તિના સુખે સુખિયા કરવા આવી પહોંચ્યા ને સુખિયા કર્યા. આ વાત આખા વણા ગામમાં વાયુવેગે પ્રસરી ગઈ.

     ગુરુવર્ય પ.પૂ. બાપજીની અનુમતિએ ડગ માંડનાર અનેક હરિભક્તોના વ્યવહારિક તેમજ આર્થિક જીવનમાં કંઈક અકલ્પનીય અનુભવ થયા છે. આવા તો અઢળક પ્રસંગોની હારમાળા છે પણ એમાંના એક પ્રસંગને અત્રે આપણે નિહાળીશું.

     એક હરિભક્તને પોતાની સાત વીઘાં જમીન વેચવી હતી. આ માટે તેઓએ ગુરુવર્ય પ.પૂ. બાપજીને નમ્ર ભાવે પ્રાર્થના કરતાં કહ્યું, “બાપા... સેવકની સાત વીઘાં જમીન છે. સાત વીઘાંના અત્યારે પાંચ લાખ રૂપિયા આવે એમ છે, આપ રાજી હો તો વેચીએ કે પછી શું કરીએ ?” ગુરુવર્ય પ.પૂ .બાપજીએ કહ્યું, “અત્યારે જમીન વેચવાની નથી. અમે તને જ્યારે જણાવીએ ત્યારે જ વેચજે. આ જમીનના ભાવ ખૂબ સારા આવશે.” હરિભક્તે બાપજીનાં વચને પોતાના સંકલ્પને માંડી વાળ્યો. પછી ગુરુવર્ય પ.પૂ. બાપજીએ વર્ષો પછી જ્યારે વેચવાનું કહ્યું ત્યારે એક વીઘાના સાડા ચાર લાખનો ભાવ આવ્યો.

     એ દિવ્યપુરુષ સાથે હજારો હરિભક્તોની નોંધમાં હોય એવા અકલ્પ્ય ઐશ્વર્યના અગણિત અનુભવોની હારમાળા છે. જેમાં ક્યારેક તો સર્વથા અશક્ય કાર્ય શક્ય બન્યું હોય કે ક્યારેક અકલ્પ્ય રીતે રક્ષા કરી હોય. જોકે એ દિવ્યપુરુષે આવા ચમત્કારોને-ઐશ્વને કદીયે પ્રોત્સાહન કે સમર્થન આપ્યું નથી. એ દિવ્યપુરુષ તો એમ જ કહે છે, “આ બધું જ મહારાજની મરજી મુજબ થાય છે. આપણે કેવળ એમને પ્રાર્થના કરવાની; બાકી બીજું બધું જે થાય છે તે સ્વયં શ્રીજીમહારાજ જ કરે છે.”