વખાણ નહિ, રોકટોક અને વઢવું ગમાડીએ-6

  March 23, 2020

શ્રીજીમહારાજે સત્પુરુષના કઠણ વચનને ખમવાથી જ ન ટળે એવાં સ્વભાવ-પ્રકૃતિ પણ ટળી જાય છે તેવું દર્શાવતાં ગઢડા મધ્યના ૩૭મા વચનામૃતમાં કહ્યું છે કે, “સ્વભાવ મુકાવ્યા સારુ જે સત્પુરુષ ઉપદેશ કરતા હોય, તેના વચનને વિષે અતિશે વિશ્વાસ હોય અને ઉપદેશનો કરનારો હોય તે ગમે તેટલાં દુખવીને કઠણ વચન કહે તોપણ તેને હિતકારી જ માનતો જાય, તો સ્વાભાવિક જે પ્રકૃતિ છે તે પણ નાશ થઈ જાય, પણ એ વિના બીજો કોઈ ઉપાય નથી, માટે જેને પોતાની પ્રકૃતિ ટાળ્યાની ઇચ્છા હોય, તેને પરમેશ્વર તથા સત્પુરુષ તે સ્વભાવ ટાળ્યા સારુ ગમે તેટલા તિરસ્કાર કરે, ને ગમે તેવાં કઠણ વચન કહે તોપણ કોઈ રીતે દુખાવું નહિ, ને કહેનારાનો ગુણ જ લેવો. એવી રીતે વર્તે તો કોઈ રીતે ન ટળે એવી પ્રકૃતિ હોય તોય પણ ટળી જાય છે.”
અહીં મહારાજ સ્પષ્ટપણે સમજાવે છે કે, સ્વભાવ-પ્રકૃતિ ટાળવાનો એકમાત્ર ઉપાય સત્પુરુષની રોકટોક છે. શ્રીજીમહારાજના ગઢડા મધ્યના ૩૭નાં વચનોનું મનન-ચિંતન કરીએ તો કેટલીક બાબતો સ્પષ્ટપણે ફલિત થાય છે જેને સમજીએ :

  • સ્વભાવ-પ્રકૃતિ ટાળવા સત્પુરુષનું સાંનિધ્ય ફરજિયાત જોઈએ.
  • સત્પુરુષ જે કાંઈ ભૂલો ઓળખાવે અને રોકટોક કરે તેમાં અતિશે વિશ્વાસ રાખવો.
  • ઉપદેશ કરનારા સત્પુરુષને વિષે અતિશે પ્રીતિ રાખવી.
  • સત્પુરુષ ગમે તેવાં દુખવીને કઠણ વચન કહે તોપણ પોતાના હિતકારી જ માનવાં.
  • સત્પુરુષ ગમે તેટલા તિરસ્કાર કરે અને ગમે તેવાં કઠણ વચન કહે તોપણ દુખાવું નહિ ને ગુણ જ લેવો.

અનાદિકાળથી જીવ સાથે જડાઈ ગયેલા સ્વભાવ-પ્રકૃતિને ટાળવા એ આપણે માનીએ તેટલું સહેલું નથી. તે આપબળે એક દિવસના પ્રયત્નથી સહજમાં ટળી શકે તેમ નથી. એ તો એ સ્વભાવને ટળાવવા સારુ સત્પુરુષની રોકણી-ટોકણી ફરજિયાત જોઈએ જ. નહિ તો નાવિક, હલેસાં અને સઢ વિનાની નાવમાં નદી પાર ઊતરવા કરેલા સાહસ જેવું થાય.
એક મુસાફર ગંતવ્ય સ્થાને પહોંચવા ઉતાવળે જઈ રહ્યા હતા. રસ્તામાં ધસમસતા પૂર સાથે વહેતી નદી આવી. નદી પાર ઊતરવાની મૂંઝવણમાં તેની નજર નદી કિનારે નાંગરેલ હોડી ઉપર પડી.
નાંગરેલી હોડી છોડી તેમાં બેસવા જતા હતા ત્યારે દૂરથી કોઈએ બૂમ મારી, “મહાશય, એ હોડીનાં હલેસાં અને સઢ નાવિક પોતાની પાસે લઈ ગયો છે. માટે આ નૌકાથી નદી પાર ઊતરાશે નહીં.” નદી પાર ઊતરવાના વેગને કારણે તેઓ સૂઝબૂઝ વગર સામે તાડૂક્યા કે, “આજ સુધી કેટલાય નૌકામાં બેસી નદી પાર ઊતર્યા છે અને તમે ના પાડો છો ? પણ હું તો સામે કિનારે જઈને જ રહીશ.” આટલું બોલતાં નૌકા છોડી તેમાં બેસી ગયા.
નદી ધસમસતા પૂરમાં ગાંડીતૂર બની હતી. થોડી વારમાં જ નૌકા હાલક-ડોલક થવા માંડી. પણ તેને નિયંત્રણ કરનાર નાવિક, હલેસા કે સઢ હતાં નહીં. મરણતોલ પ્રયત્ન કરવા છતાં થોડી જ વારમાં નૌકા સાથે મુસાફર પણ પાણીમાં ડૂબી ગયા.
માત્ર નૌકામાં બેસવાથી નદી પાર ઊતરી શકાતી નથી. તેના માટે નાવિક, હલેસાં અને સઢની જરૂર પડે જ. તેમ આધ્યાત્મિક માર્ગમાં સ્વભાવ-પ્રકૃતિ ટાળ્યાનો કે દેહભાવ ટાળવાનો કે સ્થિતિ તરફ આગળ વધવાનો સંકલ્પ કરવાથી જ જીવનનૌકા પાર ઊતરતી નથી, તે સંકલ્પ પૂર્ણ થતો નથી. તે માટે નાવિકરૂપી સત્પુરુષ અને હલેસાં તથા સઢરૂપી સત્પુરુષની રોકટોક અને વઢવાની જરૂર પડે જ. નાવિક જેમ હલેસાં અને સઢ દ્વારા નૌકાને નિયંત્રણમાં રાખે છે અને તેને ડૂબવા દેતો નથી તેમ સત્પુરુષ રોકણી-ટોકણી કરી, ક્યાંક વઢીને પણ આપણા જીવનની નૌકાને નિયંત્રણ રાખી ભવપાર કરાવે છે, અંત:શત્રુના તોફાન થકી રક્ષા કરે છે, અહંકારની આંધીમાંથી બચાવે છે.
અલૈયામોડાના દાજીભાઈને શ્રીજીમહારાજે બોચાસણના કાશીદાસ પટેલને ત્યાં સાંતી હાંકવાની આજ્ઞારૂપી આકરી કસોટી કરી. કુંભાર નિભાડામાં માટલું પકવે તેમ શ્રીજીમહારાજે તેમને આજ્ઞારૂપી નિભાડામાં બાર વર્ષ પકવી સાધુ કર્યા અને ‘સાધુ અક્ષરાનંદ’ નામ પાડી વડતાલની મહંતાઈની સેવા સોપી હતી.
અક્ષરાનંદ સ્વામી ધર્મનિષ્ઠ અને વ્યવહારકુશળ હતા. તેઓ રોજનું ત્રણ ત્રણ કલાક ધ્યાન કરતા, કથાવાર્તા કરતા. મંદિરનો વહીવટ પણ કુનેહપૂર્વક કરતા હતા. શ્રીહરિએ આપેલી પ્રસાદીના ગુણોમાં ‘હું’કાર ભળતાં તેનો તેમને સાત્ત્વિક અહંકાર વર્તતો હતો.
સદ્. ગોપાળાનંદ સ્વામી બહુધા વડતાલ મંદિરે બિરાજતા હતા. એક વખત આચાર્યશ્રી રઘુવીરજી મહારાજને કોઈ કામ પ્રસંગે બહાર જવાનું થયું તેથી અક્ષરાનંદ સ્વામીને એક સિગરામની વ્યવસ્થા કરી આપવા કહ્યું. સ્વામી આચાર્યશ્રીની આજ્ઞા હોવા છતાં ‘હમણાં કોઈ બળદ નવરા નથી’ એવો જવાબ આપી પોતાના આસને જતા રહ્યા. સ્વામીના આવા વર્તનથી આચાર્યશ્રીને ખૂબ દુ:ખ થયું.
આચાર્યશ્રીએ બધી વિગતે વાત સદ્. ગોપાળાનંદ સ્વામીને કરી. મોટાપુરુષ આત્મદર્શી પુરુષ છે. તેઓ દરેકના આત્માને અને આત્મા ઉપર લાગી ગયેલા દોષના પાશને પારખી શકે છે. તેઓ સમજી ગયા કે, અક્ષરાનંદ સ્વામીને શ્રીજીમહારાજે સ્વયં મંદિરની મહંતાઈ આપી છે તેનો તથા હું જ મંદિરનો રણીધણી છું, વ્યવહારકુશળ વહીવટકર્તા છું એવો અહંકાર આવી ગયો છે.
સદ્. ગોપાળાનંદ સ્વામી આ અરસામાં જૂનાગઢ જઈ રહ્યા હતા. તેથી અક્ષરાનંદ સ્વામીને કહ્યું, “સ્વામી, તમે મારી સાથે જૂનાગઢ ચાલો.” ત્યારે અક્ષરાનંદ સ્વામીએ કહ્યું, “સ્વામી, મારે મંદિરની ઘણી સેવા છે, ઘડીની પણ નવરાશ નથી.” ત્યારે સદ્. ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, “મંદિરની સેવા એક માસ બીજાને સોંપી દો પણ તમારે સાથે આવ્યા વિના છૂટકો નથી.”
સદ્. ગોપાળાનંદ સ્વામીના અતિશે આગ્રહથી અક્ષરાનંદ સ્વામી જૂનાગઢ સાથે ગયા. સ્વામીએ ત્યાગીના ધર્મની વાતો કરી ત્યારે અક્ષરાનંદ સ્વામીના મનમાં જે મોહ હતો તે ટળી ગયો અને મનમાં નક્કી કર્યું કે, “શ્રીજીમહારાજની આજ્ઞા પ્રમાણે વર્તવું એ જ આપણો ધર્મ છે.”
મોટાપુરુષ જીવને સાચી વાત કહી પાછા વાળે છે. એમના વિના તેવી વાત કોઈ કરી શકતું નથી. તે દર્શાવતાં સદ્. નિષ્કુળાનંદ સ્વામીએ ગાયું છે,
સંત વિના સાચી કોણ કહે, સાચાં સુખની વાત;
દયા રહી છે જેના દિલમાં, નથી ઘટમાં ઘાત... સંત ૦૧
જેમ જનનીને હૈયે હેત છે, સદા સુતને સાથ;
અરોગી કરવા અર્ભકને, પાયે કડવેરા ક્વાથ... સંત ૦૨
જેમ ભમરી ભરે ભારે ચટકો, પલટાવા એળ્યનું અંગ;
તેમ સંત વચન કટુ કહે, આપવા આપણો રંગ... સંત ૦૩
જાણો સંત સગાં છે સહુનાં, જીવ જરૂર જાણ;
નિષ્કુળાનંદ નિર્ભય કરે, આપે પદ નિર્વાણ... સંત ૦૪
સાચા સંત ‘મા’ને ઠેકાણે છે. મા બાળકને ન ગમે તોય અવળે રસ્તેથી પાછા વાળવા વઢે, ધોલધપાટ કરે, રોગ થાય તો દવા આપી નિરોગી કરે તેમ મોટાપુરુષ નિકટમાં રહેનારની કસર ટળાવવા રોકટોક કરે, વઢે પણ તેમનો ઇશક તો પોતાનો રંગ કહેતાં પોતાના જેવા કલ્યાણકારી ગુણો આપવાનો જ હોય છે. તેને જે સ્વીકારે તે અવરભાવના બધા જ વિઘ્નોથી નિર્ભય થઈ જાય.
સદ્. ગોપાળાનંદ સ્વામીએ સાચી વાત સમજાવી તેથી અક્ષરાનંદ સ્વામીના અંત:કરણમાંથી તમામ મોહ નિવૃત્તિ પામી ગયો. પોલારપુર ગામમાં મુકામ કર્યો હતો ત્યારે એક દિવસ અક્ષરાનંદ સ્વામી સવારે પૂજા કરી સદ્. ગોપાળાનંદ સ્વામીનાં દર્શને ગયા. સ્વામીને દંડવત કરી પગે લાગી કહ્યું, “સ્વામી, હું આજે સત્સંગી થયો. કેમ કે જો તમે ન મળ્યા હોત તો કસરમાત્ર રહી જાત.” એમ કહી સ્વામીને ચરણસ્પર્શ કર્યા.
અક્ષરાનંદ સ્વામી વ્યવહારકુશળ અને ધર્મકુશળ હતા. તેમ છતાં વિઘ્ન આવી ગયું. સદ્. ગોપાળાનંદ સ્વામીની રોકણી-ટોકણીથી તેઓ પાછા વળ્યા તો મોક્ષ માર્ગ નિર્વિઘ્ને પાર પડ્યો. ગમે તેવા મોટા જ્ઞાની હોય, સત્તાધારી હોય, ધ્યાની હોય કે યોગી હોય, મોટા મહંત હોય તોપણ મોટાપુરુષનું સાંનિધ્ય અને રોકટોક તો ફરજિયાત જોઈએ જ.

સત્પુરુષ સાથે આત્મબુદ્ધિ અને દૃઢ પ્રીતિથી જોડાઈ એમને નિધડકપણું અપાવીએ.