વાલી જાગૃતિ - 2

  April 28, 2019

એકવીસમી સદીના આવી રહેલા ટીન વર્ષ (2013) માટે સમયની માંગ
       ૨૧મી સદી એટલે મનોરંજનનો યુગ. મનોરંજનના આ યુગમાં ટી.વી., ઈન્ટરનેટ, ડિસ્કોપાર્ટી વગેરે માધ્યમોએ સમાજ ઉપર પોતાનું વર્ચસ્વ જમાવ્યું છે. આવા કલુષિત વાતાવરણથી પોતાના બાળકોને બચાવવા એ વાલી તરીકેની મહત્ત્વની ભૂમિકા છે. આવો વાલી તરીકે આપણી બાળક સાથેની રીતિનીતિ વધુ નિહાળીએ આ લેખમાળા દ્વારા...
       એક વાર પૂ.સ્વામીશ્રી મહેસાણા સત્સંગ વિચરણ દરમ્યાન હરિભક્તોના ઘરે પધરામણીનો લાભ આપતા હતા. પધરામણી દરમ્યાન જે હરિભક્તે પૂ.સ્વામીશ્રી માટે ગાડીની સેવા કરી હતી તેમનો વારો આવ્યો. રસ્તામાં તેમણે પૂ.સ્વામીશ્રીને વાત કરી, “દયાળુ, આપ જ્યારે મારા ઘરે પધારો ત્યારે મારા દીકરાને કંઈક કહેજો ને ! શિખામણ આપજો ને !” પૂ.સ્વામીશ્રીએ પૂછ્યું, “કેમ ? “હરિભક્તે કહ્યું, “મારો દીકરો મારી દીકરીને બહુ જ મારે છે, હેરાન કરે છે.” પછી તેઓના ઘરે પૂ.સ્વામીશ્રીની પધરામણી થઈ. આરતી કર્યા બાદ પૂ.સ્વામીશ્રી તેમના ઘરે બેઠા. પછી પેલા હરિભક્તે બાળકને બોલાવીને પ્રેમથી પૂ.સ્વામીશ્રી પાસે બેસાડ્યો. પૂ.સ્વામીશ્રીએ વહાલથી તેને પૂછ્યું, “હું જે પૂછું તેનો સાચો જવાબ આપીશ ?” બાળક કહે, “હા.” પૂ.સ્વામીશ્રીએ પૂછ્યું, “તું તારી બહેનને હેરાન કરે છે ?” બાળક કહે, “એ તો હું મારી બહેનને હેરાન નથી કરતો; એની સાથે રમત કરું છું.” બાળકના પિતા કહે, “બેટા ! સાચું કહેજે હોં, તું જે કરે છે એને રમત ના કહેવાય.” બાળક કહે, “મારા પપ્પા પણ મારી મમ્મી સાથે આવું જ કરતા હતા. મે પૂછ્યું એટલે તેમણે મને કહ્યું હતું કે હું તો રમત કરું છું.” પેલા હરિભક્તે મોં નીચું નાંખી દીધું.
 
       એક વાત બહુ જ સ્પષ્ટ છે. બાળક જેવું જુએ છે તેવું જ શીખે છે. આપણા વર્તનમાંથી બાળક ઘણું બધું શીખે છે. પરંતુ બાળકના વિચારોમાંથીયે આપણે ઘણું બધું શીખવાનું છે. બાળકના વિચારો બદલાશે તો જ બાળકનું વર્તન બદલાશે. પણ એ પહેલાં આપણે આપણું બાળક સાથેનું વર્તન બદલશું તો જ બાળકના વિચારો બદલાશે.
 
       એક બાળકને ટી.વી. જોઈને પૈસાની ચોરી કરવાની ટેવ પડી ગયેલી. પરંતુ નાનો હોવાથી પોતાના ઘરમાંથી જ પૈસા ચોરતો. થોડા સમય પછી માબાપને આ વાતની જાણ થઈ. જો કોઈ સામાન્ય વાલી હોત તો બાળકને મારત. પરંતુ આ બાળકના વાલી સમજદાર હતા. તેઓ સમજદારીથી આગળ વધ્યા. તેમણે રજાના દિવસે દીકરાને પાસે બોલાવી તેની સાથે રમવાનું શરૂ કર્યું. બાળક રમતમાં તલ્લીન થઈ ગયું એટલે પિતાએ પૂછ્યું. “બેટા ! તને સૌથી વધારે શું ગમે ?” બાળક કહે, “પૈસા.” પિતાએ પૂછ્યું, “કેમ ?” બાળક કહે, “મારે ગાડી લેવી છે. બંગલો લેવો છે.” પિતાએ બાળકને કહ્યું, “બેટા ! તને ખબર છે કે પૈસા બે રીતે આવે ?” બાળકે કહ્યું, “ના.” તેના પિતાએ પ્રેમથી તેને સમજાવ્યું કે, “એક તો મહેનતથી અને બીજું ચોરીથી એમ બે રીતે પૈસા પ્રાપ્ત થાય. પણ ચોરી કરીએ તો ભગવાન સજા કરે. પોલીસ પકડીને લઈ જાય. અને મહેનતથી પૈસા કમાઈએ તો ગાડી-બંગલો, માન-સન્માન, સુખ-શાંતિ બધું જ મળે.” આ સાંભળી બાળક પિતાના ગળે વળગીને રડી પડ્યો. તેણે પોતાની ભૂલ સ્વીકારી.
 
       જ્યારે બાળક ભૂલ કરે ત્યારે તેને ધુત્કારવાની જરૂર નથી. તિરસ્કાર કરવાની જરૂર નથી. આવા સમયે બાળકને સમજાવીને હૂંફ અને પ્રેમ આપવાની જરૂર છે. આવા સમયે બાળકને હૂંફ અને પ્રેમ મળે તો તે પોતાની ભૂલને નફરત કરે છે. જ્યારે બાળકને લાગે છે કે માબાપને તેની લાગણીની પડી નથી. તેમની વાત સાંભળવામાં રસ નથી તો બાળક હતાશા અનુભવે છે. તે એવું નક્કી કરે છે કે તેના વિચારો ધ્યાન આપવાને લાયક નથી. સાવ ક્ષુલ્લક છે. બાળક એવું અનુભવે છે કે તેઓ માબાપનો પ્રેમ મેળવવાને લાયક નથી અને તેથી માબાપ તેમને પ્રેમ નથી કરતાં. જો બાળકની વાત આપણે ધ્યાનથી સાંભળીએ તો બાળકને લાગે છે કે તેના વિચારો યોગ્ય છે. આનાથી બાળકમાં આત્મવિશ્વાસ વધે છે.
 
       બાળકના જીવનમાં નિષ્ફળતા કે દુઃખ તો આવે જ છે. પરંતુ તે વખતે તેની પડખે ઊભા રહેવું. તેને હૂંફ આપવી એ જ વાલી તરીકે આપણું કર્તવ્ય છે. જ્યારે બાળકના વિચારો અને માબાપના વિચારો એક થાય છે ત્યારે બાળક મનમાં આનંદ અનુભવે છે. જ્યારે માબાપ અને બાળકના વિચારો એક થાય છે ત્યારે બાળકમાંથી ભય, સંકોચ, હતાશા, નિરાશા, દુઃખની લાગણીઓ દૂર ધકેલાઈ જાય છે. આવા સમયે બાળકને આપણા પ્રત્યે પ્રેમની અને પોતાપણાની લાગણી ઉત્પન્ન થાય છે. માતાપિતાના લાગણીસભર પ્રેમાળ વર્તનથી જ અતિસામાન્ય બાળકો પણ પ્રગતિનાં શ્રેષ્ઠતમ શિખરો સર કરી શકે છે. દરેક બાળકમાં કોઈક ને કોઈક વિશિષ્ટ કળાકૌશલ્ય હોય જ છે. પરંતુ આ વિશિષ્ટતાને ખીલવવા માટે બાળકો પાછળ સમય ફાળવવાની જરૂર છે.
 
       જ્યારે જ્યારે એસ.એમ.વી.એસ. સંસ્થા દ્વારા બાળ શિબિરનું આયોજન કરવામાં આવે ત્યારે પૂ.સ્વામીશ્રી પોતાની સેવાઓમાં વ્યસ્તતા હોવાથી સમયનો અભાવ હોવા છતાં બાળકોના ઘડતર માટે અચૂક સમય કાઢે, બાળકોની સાથે રહે, બાળકોને હેત કરે, માતૃવત્સલ પ્રેમ આપે, નાનપણથી બાળકોના રોમ રોમમાં મહારાજ અને બાપાના સિદ્ધાંતો પ્રવર્તાવે. પૂ.સ્વામીશ્રી કાયમ એક વાત કહે છે કે, “બાળકો એ કુમળા છોડ અને કોરી સ્લેટ સમાન છે. છોડ જ્યારે નાનો હોય, કુમળો હોય ત્યારે જે દિશામાં વાળવો હોય તે દિશામાં વળી જાય છે. પરંતુ જ્યારે વટવૃક્ષ બની જાય પછી તેને વાળવો એ આભમાંથી તારા ચૂંટવા સમાન છે. એવી જ રીતે બાળમાનસ રૂપી કોરી સ્લેટમાં જે લખવું હોય, જેવું લખવું હોય તેવું લખી શકાય છે. પરંતુ એક વાર લખાઈ ગયા પછી તેની છાપ કાઢવી અશક્ય છે.”
 
       પૂ.સ્વામીશ્રી કહે છે કે, “બાળક એ પાયા સમાન છે. જેમ ઈમારતના પાયામાં પોલ રહી જાય તો ઈમારતું ક્યારે પડી જાય તેનું કાંઈ નક્કી નહીં. પાયાની મજબૂતાઈ ઉપર જ ઈમારતના લાંબા આયુષ્યનો આધાર છે. એમ આજનો બાળક પણ આવતીકાલનું ભવિષ્ય છે. દેશની, સમાજની, કુટુંબની તથા કારણ સત્સંગની ઈમારત છે. નાનપણથી જ બાળકમાં મહારાજ અને મોટાપુરુષના સિધ્ધાંતોના, આદર્શોના, સંકલ્પોનાં પીયૂષ પાયા હશે એટલું જ એ બાળક દેશનું, સમાજનું કે કુટુંબનું ઉત્થાન કરી શકશે અને એ જ બાળક ભવિષ્યમાં મહારાજ અને મોટાપુરુષને સહાયરૂપ થઈ શકશે.”
 
       આ ભગીરથ કાર્યો કરવા માટે જરૂર છે બાળકો પાછળ સમય ફાળવવાની. પણ આજના વ્યસ્ત જીવનમાં, મોટા થવાના અભરખામાં, પૈસા કમાવવાની લાયમાં બાળકો માટે આપણી પાસે સમય જ ક્યાં છે ? રવિવારનો રજાનો દિવસ હતો. દિવ્યેશભાઈ ઓફિસે જવાની તૈયારી કરતા હતા. તેમના બાળક દેવે પૂછ્યું, “પપ્પા, ક્યાં જાવ છો ?” દિવ્યેશભાઈ કહે, “બેટા, ઓફિસે.” દેવ કહે, “પપ્પા, આજે રજા છે. તમે મારા માટે સમય નહિ કાઢો ? મારી સાથે નહિ રહો ? મારે તમારી સાથે રહેવું છે. તમારી જોડે રમવું છે.” દિવ્યેશભાઈ કહે, “રજાના દિવસે પણ ઓફિસે જઈએ તો વધુ પૈસા મળે.” દેવ કહે, “પપ્પા, આજે તમે ઓફિસે જાઓ તો કેટલા પૈસા મળે ?” દિવ્યેશભાઈ કહે, “પાંચસો રૂપિયા.” દેવે કહ્યું, “પપ્પા, તમે થોડી વાર માટે ઊભા રહેજો. હું અંદર જઈ આવું.” દિવ્યેશભાઈએ હા કહેતાં દેવ ઘરમાં જઈને થોડીવાર પછી હાથમાં કંઈક લઈને તેના પિતા જોડે આવ્યો. આવીને પિતાના હાથમાં પાંચસો રૂપિયા મૂક્યા. દિવ્યેશભાઈએ કહ્યું, “આ પૈસા ક્યાંથી લાવ્યો ?” દેવ કહે, “મારા પૈસા ભેગા કરવાના ગલ્લામાંથી. પરંતુ હવે તો તમે મારી સાથે રહેશો ને !!!”
 
       માતાપિતા તરીકે આપણને બાળકને જન્મ આપવાનો સમય મળી ગયો, તો પછી વાલી તરીકે બાળક માટે આપણી પાસે સમય કેમ નથી હોતો ? એક વકીલ તરીકે અલીસને મળવાનો, ડૉક્ટર તરીકે દર્દીને મળવાનો, દુકાનદાર તરીકે ગ્રાહકને મળવાનો, સમાજના સભ્ય તરીકે સામાજિક વ્યવહારો સાચવવાનો આપણને સમય મળી રહે છે. તો પછી વાલી તરીકે બાળકને મળવાનો સમય કેમ નહીં ? આવું શા માટે ?
 
       કોઈ દિવસ આપણે પંદર મિનિટ પણ બાળક સાથે અંગત બેઠા છીએ ? બાળકને માથે હાથ ફેરવીને ક્યારેય પૂછ્યું, “બેટા, તારે કાંઈ તકલીફ છે ? કાંઈ મુશ્કેલી છે ? મારી કાંઈ જરૂર છે ?” ક્યારેય બાળકને કહ્યું, “અમે તારી સાથે જ છીએ. તું કાંઈ જ ચિંતા ન કરીશ.” જો આપણી પાસે બાળક માટે સમય જ ન હોય તો બાળકને જન્મ આપવાનો આપણને કયો અધિકાર ?
 
       દરેક માતાપિતાની એવી ઈચ્છા હોય છે કે તેમનું બાળક પ્રગતિ કરે. સફળતાનાં શિખરો સર કરે. પરંતુ હકીકત એ છે કે આપણે બાળક રૂપી છોડને વાવીને પ્રભુ ઈચ્છા કે ભગવાનના ભરોસે મૂકી દઈએ છીએ, પણ તેની માવજત કરી શક્તા નથી. આજના વાલીઓ બાળકોને સારી સ્કૂલમાં ભણવા મોકલીને, મોંઘાં ટ્યૂશનો કરાવીને પોતાની જવાબદારી પૂરી થઈ હોય તેવું અનુભવે છે. પરંતુ જીવનલક્ષી શિક્ષણ આપવું, ઉચ્ચ આદર્શો અને સંસ્કારોના પાઠ ભણાવવા એ તેમનું પ્રથમ કર્તવ્ય હોવાનું તેમને વીસરાઈ ગયું હોય એવું લાગે છે.
 
       બાળકોના જીવન માટે વાલી પાસે અત્યારનો જ સમય છે, જેમાં બાળકને પોતાના ધ્યેયની દૃઢતા કરાવવાનો, એને મદદ કરવાનો, બાળકને જીવનમાં સફળ થવા માટેની પ્રેરણા આપવાનો, બાળકની સફળતા માટે માબાપની પ્રેરણા અતિ મહત્ત્વનો ભાગ ભજવે છે. જીવનમાં ક્યારેય બાળકની આગળ ચાલી તેને હંફાવશો નહિ, બાળકની પાછળ ચાલી તેને ચકાસશો નહિ, બાળકની સાથે ચાલીને હર પળે સફળ થવાની પ્રેરણા આપતા રહો.
 
       ઘણાં વર્ષો પહેલાં પૂ.સ્વામીશ્રી પંચમહાલ સત્સંગ વિચરણ માટે પધાર્યા હતા. પંચમહાલના એક વિસ્તારમાં પૂ.સ્વામીશ્રીની જાહેરસભા પૂરી થયા બાદ એક કિશોર પૂ.સ્વામીશ્રીને મળવા માટે આવ્યો. કિશોર નિરાશ થઈ ગયેલો જણાતો હતો. પૂ.સ્વામીશ્રી પાસે આવીને તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. પૂ.સ્વામીશ્રીએ કિશોરને સાંત્વના આપી અને પ્રેમથી પૂછ્યું, “શું થયું ? કેમ આટલું બધું રડે છે ?” કિશોર કહે, “હું ધોરણ-૧૨ સાયન્સમાં અભ્યાસ કરું છું. મારી વાર્ષિક પરીક્ષા નજીક આવી રહી છે. ગઈ સત્રાંત પરીક્ષામાં પણ મારે સારું પરિણામ નહોતું આવ્યું. મને ખૂબ જ ચિંતા થાય છે. હું નાપાસ જ થઈશ. મને અભ્યાસમાં બિલકુલ મન નથી લાગતું. મને કંઈ જ યાદ નથી રહેતું.” પૂ.સ્વામીશ્રી કહે, “તું કોઈ જાતની ચિંતા ના કરીશ. મહારાજ અને બાપા આપણી ભેળા જ છે. મહારાજને કર્તા કરી અભ્યાસમાં મન પરોવી દે. તું જરૂર સારા પરિણામ સાથે પાસ થઈશ.” પૂ.સ્વામીશ્રીની આવી માતૃવાત્સલ્ય પ્રેરણા પામીને તે કિશોરે અભ્યાસમાં મન પરોવી દીધું. અને જ્યારે પરિણામ આવ્યું ત્યારે કિશોરના આનંદનો પાર નહોતો. ત્યારબાદ આ કિશોર મેડિકલમાં પ્રવેશ લીધો. અને આજે એક સફળ ડૉક્ટર તરીકે સમાજની સેવા કરી રહ્યો છે.
 
       બાળકની નિષ્ફળતા એ ખરેખર વાલીની નિષ્ફળતા હોય છે. કારણકે તેઓ સમયસર બાળકને પ્રેરણા આપી ન શક્યા. દરેક બાળકના ઘડતરમાં માતાપિતાનો ફાળો અમૂલ્ય છે. ચોમાસામાં કોઈ ઘાસ ઉગાડવા નથી જતું છતાં તે બધે ઊગી નીકળે છે, પરંતુ ગુલાબ ઉગાડવા માટે માવજતની જરૂર પડે છે. વાલીએ કરેલી યોગ્ય માવજત જ બાળકને સફળ બનાવે છે. ખરા સમયે વાલી તરફથી બાળકને મળતી પ્રેરણા એ બાળકના જીવન માટે ટર્નિંગ પોઈન્ટ બની જાય છે. જેમ છોડ નાનો હોય ત્યારે તેને સતત માવજતની જરૂર પડે છે. જો તેને યોગ્ય સમયે માવજત મળી જાય તો તે ઘટાદાર વૃક્ષ બનીને સૌને સુખરૂપ નીવડે છે. એમ આપણું બાળક પણ નાનકડા છોડ સમાન છે. જો યોગ્ય સમયે બાળકને પ્રેરણા મળી જશે તો સફળતાઓરૂપી ઘટાદાર વૃક્ષ બનીને તે આપણને જ સુખરૂપ નીવડશે. બાળક માટે સારું ભવિષ્ય તૈયાર કરવું તે આપણા હાથમાં નથી. પરંતુ ભવિષ્ય માટે બાળકને સારી રીતે તૈયાર કરવું તે આપણા જ હાથમાં છે. અને એ જ ખરા અર્થમાં વાલી જાગૃતિ છે. આવી વાલી જાગૃતિ કેળવી એક સજાગ વાલી બનીએ એ જ અભ્યર્થના...