વાંચન - 1

  November 19, 2015

વિમર્શ, ઊભો થા. કેમ આ ખૂણામાં એકલો બેઠો છે ?

હું ટેન્શનમાં છું. મને કંઈ સૂઝતું નથી.

કેમ ?

ખ્યાલ નથી. પણ મૂંઝવણ થાય છે. વિચારોનો વંટોળ મને હડિયે ચઢાવે છે.

એટલે ?

મારો આત્મવિશ્વાસ ડગમગી રહ્યો છે. હું કોઈ ચોક્કસ નિર્ણય પર આવી શકું એમ નથી.

તો મને તારી સમસ્યા વિષે જણાવ. હું તને મદદરુપ થઈ શકું છું કે કેમ ?

મારી સમસ્યા...! મારું જીવન એ જ મારે માટે મોટામાં મોટી સમસ્યા છે. એમાં આપ મને કઈ રીતે મદદરૂપ થશો ?

અરે ! આ સમસ્યાનો સરળ ઉપાય તો તારી પાસે જ છે.

મારી પાસે...! કેવી રીતે ?

વિમર્શ, આ ઉપાય તો તારા હાથમાં જ છે.

મારા હાથમાં ?! એ વળી કેવી રીતે ?

વિમર્શ ! તું ન સમજ્યો ?

અરે ! વાંચન...

વાંચન...

 હા, વાંચન તમારી જાતના પ્રશ્નોના નિરાકરણ માટે બહુ જરૂરી છે. અંગ્રજીમાં એક કહેવત છે કે, You knock the door and it will be opened. વાંચન માટે આ કહેવત એટલી જ સાચી છે. તમે વાંચનરૂપી દ્વાર ખટખટાવો અને તમારા માટે એ દરવાજા ખોલી નાંખશે. એટલે વાંચન જ જીવન ઘડનારું છે... વાંચન જ મારી સમસ્યાઓનું સમાધાન કરનારું છે... વાંચન જ મને લીડર બનાવનારું છે... વાંચન જ મને વિવેકી બનાવનારું છે... વાંચન જ મારી સમસ્યાનું નિદાન કરનારું છે.

ઓ વિમર્શ, તને તારી ગડમથલનો હવે ઉત્તર મળી ગયો હોય એવું લાગે છે.

હા, મને ઘડનારો, આકાર આપનારો ને વિચારતો કરનાર મહામાર્ગ મળી ગયો છે.

વિમર્શને વાંચનરૂપી મહામાર્ગ મળ્યો છે ત્યારે આ મહામાર્ગની ભૂમિકા ને એની મહત્તા કેવી હોય તે જાણવા, માણવા ને અનુભવવા આપણે આ વિષય પર આગળ વધીશું.

વાંચનવિષયક સંવાદમાં આપણને વાંચનની મહત્તા સ્પષ્ટ થતી સમજાય છે. છતાંય વાંચન જેવી આત્મ-ચિંતનાત્મક પ્રવૃત્તિથી આપણે સાવ અળગા જ રહીએ છીએ. વાંચનનું મહત્ત્વ સમજાવતાં અમેરિકન ચિંતક માર્ક ટ્વેઈન કહે છે, “The man who does’nt read books has no advantage over the man who can not read.” જે માણસ પુસ્તકોનું વાંચન કરતો નથી એ, ન વાંચી શકનાર કરતાં કોઈપણ રીતે ચઢિયાતો ન હોય. વાંચન એ જ આપણને ઉત્તમ બનાવવાનું માધ્યમ છે.

વાંચનની પ્રવૃત્તિ આપણને નવતર સૃષ્ટિમાં રહેતા, રાચતા ને વિહરતા કરનારી છે; ઉત્તમ વારસો આપનારી છે; મહાન સિદ્ધિઓ દેનારી છે; રાષ્ટ્ર ને પેઢીઓનું સંચાલન કરનારી છે; અને અંતે આપણને ઓળખાવનારી છે. તેથી જ તો અમેરિકન ચિંતક હેનરી ડેવિડ થોરો આ વાતને સમર્થન આપતાં કહે છે, “વિશ્વની મહાન સમૃદ્ધિઓનો ખજાનો અને રાષ્ટ્રો તેમજ અનેક પેઢીઓનો ઉચ્ચતમ ને શ્રેષ્ઠતમ વારસો એટલે પુસ્તક-વાંચન.”

વાચંનનું માનવજીવનમાં અતિ મહત્ત્વ છે. વાંચન આપણી ઝંખનાઓને તૃપ્ત કરે છે. વાંચન આપણાં અરમાન ને આશાઓને પૂર્ણ કરે છે. વાંચન એ પરલોક ને આ લોકની તરક્કીનાં શિખરો સર કરવા માટે માર્ગદર્શક બની રહે તેવી નિજાનંદી પ્રવૃત્તિ છે.

વાંચન : અનેરું ને અદકેરું જીવન ઘડનારું :

21મી સદીના આજના આધુનિક સમયમાં વિજ્ઞાન ને ટેક્નોલોજીએ માનવસમાજને મનોરંજન કરાવી શકે એવી ઘણી શોધખોળ કરી છે. આ શોધખોળે માનવને મનોરંજન કરાવવાની નેમ લીધી છે. નેમ મુજબ શોધખોળે માનવને આનંદ આપ્યો છે. છતાંય તે શાશ્વતને બદલે ક્ષણિક આનંદ છે. આ ક્ષણિક આનંદે માનવને યંત્રવત્ બનાવી દીધો છે, પાંગળો બનાવી દીધો છે જેથી તે શાશ્વત આનંદની ભૂમિકાને સમજવા માટે બધિર કાં તો સંવેદનહીન બન્યો છે. આ બધિરતા કે સંવેદનહીનતા ટાળવા એને શાશ્વત, જીવનલક્ષી ને વિચારપ્રેરક એવી વાંચનપ્રવૃત્તિનો આશરો લેવો જ રહ્યો. આ આશરે આપણી જીવનશૈલીને નવ્ય આકાર પ્રાપ્ત થાય છે. જ્હૉન લેક આ સંદર્ભે એક વિચાર આપતાં જણાવે છે કે, વાંચન એ તો આરસપહાણ છે. વ્યક્તિ તેમાં રસ ધરાવે ત્યારે તેની મૂર્તિ ઘડાય છે.

વાચંનપ્રવૃત્તિમાં રસ ધરાવવાથી કે કેળવવાથી આપણું ઘડતર થાય છે. આપણો જીવનની ઉત્કૃષ્ટતા તરફનો સાચો અભિગમ સમજાય છે. અંતઃજીવનને નિરખવાની આપણને નવ્ય દૃષ્ટિ મળે છે. વિવિધ પુસ્તકોના વાંચને જીવનઘડતરની પ્રક્રિયા શરુ થાય છે. આ જીવનઘડતરની પ્રક્રિયા આપણી સમાજવ્યવસ્થા ને માનવસમાજની દૃષ્ટિએ નવો આયામ પ્રદાન કરે છે. માટે જ તો ‘મિરેકલ ઑફ રાઈટ થોટ્સ’ ના સર્જક એરિસન સ્વેટે કહ્યું છે, “વાંચન આપણા વિચારોને, આપણી મનોવૃત્તિઓને, આપણી લાગણીઓને તથા આપણી જાતને ઘડવાનું ઓજાર છે.”

અબ્રાહમ લિંકન અમેરિકાના એક સમયના પ્રમુખ હતા. તેઓ પ્રમુખપદ સુધી કેવી રીતે પહોંચ્યા ? આદર્શ પ્રમુખ તરીકે એમણે કેવી ભૂમિકા ભજવી ? અનેકોના પ્રેરણામૂર્તિ તેઓ કેવી રીતે બન્યા ? આ બધા જ પ્રશ્નોનો એક જ શબ્દમાં ઉત્તર આપવો હોય તો તે છે ‘વાંચન’. વાચંનને લીધે એમના ભાવવિશ્વનો એટલે કે એમના આંતરજગતનો વિકાસ થઈ શક્યો. તેઓએ વાંચેલ એક આત્મકથાએ એમને નવ્ય આકાર આપ્યો.

તેઓ આર્થિક રીતે ખૂબ જ નબળા વર્ગના પરિવારમાં જન્મ્યા હતા. એક નાનકડી લાકડાની કૅબિનમાં જન્મ્યા બાદ નવ વર્ષે પોતાની મા ગુમાવી હતી. તેઓ કઠોર પરિશ્રમ કરતા, ખેતર ખેડતા ને જીવનને નિભાવતા હતા. આવી આકરી જીવનશૈલીમાં પણ એકમાત્ર વાંચન કેરા શસ્ત્ર વડે તેઓ આગળ વધતા રહ્યા. ખેતર ખેડતી વેળાએ પેન્ટના ખિસ્સામાં તેઓ પુસ્તક તો અચૂક રાખતા. જ્યારે તેઓને થોડો સમય ફાજલ મળે કે તરત જ વાંચનનો અમૃતરસ પી લેતા. આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેઓ એક વર્ષ જ શાળાકક્ષાએ ભણી શક્યા હતા. પરંતુ પુસ્તકોનું વાંચન કરી કરી તેઓ પોતાના જીવનને ઘાટ આપતા હતા. વાંચનને પરિણામે તેઓ રાજ્યકક્ષાએ ને કેન્દ્રકક્ષાની ચૂંટણીમાં નિષ્ફળ જવા છતાંય નવીનતમ ઉત્સાહ સાથે આગળ વધતા જ રહ્યા હતા. આ બધાંની પાછળનું એક જ કારણ તેઓએ, એમની આત્મકથા ‘ધ બૉય હુ લવ્સ ધ બુક્સ’ માં જણાવ્યું છે કે, વાંચનની પ્રવૃત્તિએ મારા ઘડતર માટે પોતીકી દુનિયા સર્જી આપી છે, જેનો હું સદાય ઋણી રહીશ.આખરે તેઓએ વાંચનના પ્રતાપે પ્રમુખપદનું સ્થાન બખૂબ મેળવ્યું ને નિભાવ્યું.

વાંચન વિનાનું જીવન અપૂર્ણ છે, અધૂરું છે ને શુષ્ક છે. વાંચનની પ્રક્રિયા આપણને કાયમી સુખ-શાંતિ તરફ લઈ જાય છે ને ભૌતિકતા દ્વારા મળતાં સુખ-ચેનને નકારી દે છે. આથી માનવજીવન સમૂળગું બદલાઈ જાય છે. આ વાતને સમર્થન આપતો ડૉ. બેકાર્સનનો પ્રસંગ વધુ પ્રસ્તુત બની રહે એમ છે.

ડૉ. બેકાર્સન કહે છે, “મને અને મારા નાના ભાઈ કાર્ટિસને મારી માતાએ વાંચન પરત્વેની ભૂખ જગાડી. તેઓ ત્રણ જ ચોપડી ભણેલાં હોવા છતાં અમારા બે માટે દર અઠવાડિયે બે પુસ્તકો વાંચવાની વ્યવસ્થા પુસ્તકાલયમાંથી કરાવી આપી... આજે કાર્ટિસ એન્જિનિયર છે અને હું બાળકોની હૉસ્પિટલમાં મગજની શસ્ત્રક્રિયા માટેનો વડો સર્જન છું. ક્યારેક હું મારા જીવનપ્રવાસનો વિચાર કરું છું ત્યારે મને વાંચવાની પ્રેરણા આપનારાં મારા માતુશ્રીને હૃદયથી વંદન કરી લઉં છું. આજે અઘરી શસ્ત્રક્રિયાઓ શીખવવા અને કરવા માટે દુનિયાભરમાં ફરનાર નિષ્ણાત તરીકેનો મારો પ્રવાસ, ક્યારેક મને માનવામાં ન આવે એવી વાત લાગે છે, પણ આ પ્રવાસ ક્યારે શરૂ થયો તે કહું ? મારી માતાએ ટેલિવિઝન બંધ કરીને મને પુસ્તકાલયમાં લઈ જવા માટે મોટરે બેસાડ્યો ત્યારથી...”

વાંચન : જીવનસમસ્યાઓનું સમાધાન કરનારું :

વાંચન જીવનની આંટીઘૂંટીઓમાંથી માનવને કાઢે છે કહો કે માનવને તારે છે. માનવને પોતાની સાચી ઓળખ કરાવે છે. ‘દર્શક’ આ વિશે મંતવ્ય આપતાં સૂચવે છે, પુસ્તકો ખરા પારસમણિ છે. તમારી પાસે પુસ્તકો હશે, તો તમને મિત્ર, શુભેચ્છક, મુરબ્બી, સલાહકાર અને દિલાસો આપનારની ખોટ જણાશે નહીં. પુસ્તકોનું વાંચન આપણને બ્રહ્માનંદસહોદરની અનુભૂતિ તરફ લઈ જનારી દિશા છે.

આ દિશા ‘એક સાંધો ત્યાં તેર તૂટે’ જેવી કહેવતને મિથ્યા સાબિત કરનારી છે. એટલે કે વિમર્શનું ને આપણું જીવન પણ સમસ્યાઓથી ભરેલું છે. જીવનમાં એક સમસ્યાને નિવારીએ ત્યાં બીજી તેર બારણે આવી ઊભી જ હોય. આ સમસ્યાઓનું નિદાન એટલે વાંચન.

ભૌતિક યુગમાં માનવસમાજ કેવળ ભૌતિક સુખને પ્રાધાન્ય આપી રહ્યો છે. ત્યારે આજે ભૌતિક ઉપલબ્ધિઓ ન હોવી તે પણ એક પ્રકારનું દુઃખ જ છે. આવી ખોટી ગેરસમજમાં ઢસડાતો સમાજ ‘સમજણ’ તરફ વધે તો જ એને સાચું સુખ મળે એમ છે. પણ આ માટે વાંચન જરૂરી છે. વાંચન આપણને આ પથ પર લઈ જાય છે. પુસ્તકોનું વાંચન આપણને ફરી પાછા કદાચ ઠીકઠાક કરી દે છે. જેમ ઘરમાં માતાનો કાળજીભર્યો હાથ બધી અવ્યવસ્થાને ફરી પાછી વ્યવસ્થિત કરી દે એમ વાંચન આપણને વ્યવસ્થિત કરી દે છે. પુસ્તકોનું વાંચન આપણી મનોભૂમિ પર જે વાવેતર કરે છે તેથી વધુ આપણને લાગણીયુક્ત પાક આપે છે. આ પાકને લીધે સમસ્યાઓનું જોર નબળું પડી જાય છે ને જીવન જીવવા યોગ્ય લાગે છે.

કરસનભાઈ પટેલ નામના કપાસના મોટા વેપારી હતા. તેઓ કપાસનો વ્યવસાય બહુ મોટા પાયે કરતા. વ્યવસાય મોટો હોવા છતાંય તેઓ પેઢીએ બેઠા બેઠા પુસ્તકવાંચન નિયમિત રીતે કર્યા જ કરતા . તેઓને વેપાર કરતાં વાંચનમાં વધુ સુખ આવતું. આ વાંચનશોખમાં તેઓ ઘણી વાર જમવાનું પણ ભૂલી જતા.

       એવામાં તેઓનું એક વેપીરી વર્ષ મોળું આવ્યું. વેપારમાં રોકેલાં નાણાં વેડફાયાં. તેઓને મોટા પાયે નુકસાન વેઠવું પડ્યું. આ સ્થિતિને નિવારવા તેઓને જર-જમીન વેચવી પડી. છતાંય નાંણા ભરપાઈ ન થઈ શક્યાં. ઘરમાં પણ જમવાના સાંસા પડ્યા. નાણાં ઘીરનાર વેપારીઓ પોતાનાં નાણાં પાછાં મેળવવાં ઘમકીઓ ને ચીમકીઓ આપવી લાગ્યા. તેમના માટે આ પરિસ્થિતિ સહન કરવી દુષ્કર બની. તેઓ નિરાશાની ગર્તામાં ખેંચાઈ ગયા. ન કરવાના વિચારો કરવા લાગ્યા. એવીમાં નિરાશા-હતાશાએ એમને આત્મઘાતનો વિચાર આપ્યો. તેઓ ઘરના સર્વેને વહેલી સવારે મૂકી ગામના કૂવા ભણી ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા કૂવા પર આવી ઊભા રહ્યા. એવામાં એમને એક સવળો વિચાર સ્ફુરી આવ્યો. આ સ્ફુરણા એમને ઘર તરફ પાછી લઈ ગઈ. ઘરે જઈ તેઓ સ્ફુરેલા વિચારવાળી વાત પુસ્તકમાં ફરી વાંચવા બેસી ગયા. ને તે વાંચનથી તેમનામાં સાહસનું ઘોડાપૂર ઊમટી આવ્યુ. એમના જીવનમાં નવ્ય પ્રભાત મહોરી ઊઠ્યું. સાહસના બળે, ઘીરજના ગુણે ને કુનેહપૂર્વક તેમણે ફરી વ્યવસાયમાં રસ કેળવ્યો. પરિણામે તેઓ પૂર્વનું પદ પામ્યા. પદ પામ્યા પાછળ તેઓ જણાવે છે કે , વાંચને મને ચાણક્યની જેમ જીવનવ્યવહારનાં સઘળાં પાસાંઓમાં સફળ થવાની નીતિ ને રીતિ શીખવી ને હાલ પણ નિરંતર શીખવતું રહ્યું છે.

આજના અદ્યતન યુગમાં આપણા સૌના માટે વાંચન વરદાનરૂપ છે. આજનો માનવ યંત્રવત્ જિંદગીમાં અનેક કાર્યોમાં વ્યસ્ત હોય, ત્રસ્ત હોય ને એમાં ગ્રસ્ત હોવા છતાંય વાંચન એના માટે બેલી છે. વાંચન એના જીવનનો ઝંઝાવાત ટાળી શકે એમ છે. આપણા એક સમયના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.એ.પી.જે. અબ્દુલકલામના જીવનવૃતાંત ‘અગનપંખ’ વાંચતા વાંચતા સહેજે એક અનુભૂતિ થઇ આવે છે કે, તેઓ વાંચતા હતા એટલે જ આ પદને પામી શક્યા. એમનું જીવન વિકટ ઘટનાઓના આવિષ્કારોથી ઘેરાયેલું હતું. છતાંય તેઓ ટકી રહ્યા, નભી રહ્યા ને સફળ થયા. તેઓના જીવનના ઉતાર-ચઢાવ વિષે વાંચતાં જણાય છે કે તેઓ એક નિયમિત આદર્શ વાંચનવીર છે. એમની પદવી અને સ્થિતિ વાંચનને આભારી છે. વાંચને એમને ‘મેધાવી અબ્દુલકલામ’ તરીકે ઓળખાવ્યા.

વાંચન વગર જીવવું મુશ્કેલ છે. કારણ કે જીવનની નારી વાસ્તવિકતા માનવને નિરાશાના વમળમાં લઇ જાય છે. એનાથી બચવા ને અન્યને બચાવવા વાંચન તરફ અપણે અભિમુખ થઈએ તો ડહાપણની અનુભૂતિ થશે. જીવનસાફલ્યનાં વિધવિધ ઝરણાઓની ધારાઓમાં ભીંજાવા મળશે. અને જ કરવા માટે આપણું જીવન છે તે થશે.