વિષયાનંદી મટી બ્રહ્માનંદી થઈએ - 10

  September 6, 2021

પંચવિષયથી થતા નુકસાનનો વિચાર કરીએ : ડાયાબિટીસનો દર્દી ગળ્યું જમવાથી નુકસાન થશે તે વિચારથી ગળ્યું જમવામાંથી પાછો વળી જાય છે. વિદ્યાર્થી ક્રિકેટ જોઈશ તો મારી કારકિર્દી રોળાઈ જશે તે વિચારથી ક્રિકેટ જોવામાંથી પાછો વળી જાય છે. તેમ જો હું પંચવિષયના તુચ્છ સુખને ભોગવીશ તો કલ્યાણના માર્ગમાંથી પડી જઈશ, એવો વિચાર આવે તો વિષયમાંથી પ્રીતિ ટળી જાય અને પાછું વળી જવાય.
શ્રીજીમહારાજે ગઢડા મધ્યના ૨૩મા વચનામૃતમાં વિષય કલ્યાણના માર્ગમાંથી પાડી નાખે છે તે દર્શાવતાં કહ્યું છે કે, “મન ઇન્દ્રિયો દ્વારે થઈને જ્યારે વિષય સન્મુખ જાય છે, ત્યારે તે વિષય જો દુ:ખદાયી હોય તો મન તપીને ઉનાળાની લૂક જેવું થાય છે, અને તે વિષય જો સુખદાયક હોય તો તેને વિષે મન શિયાળાના હિમ જેવું થાય છે, તે જ્યારે દુ:ખદાયી વિષયને ભોગવીને લૂક સરખું ઊનું થઈને જીવના હ્રદયમાં પેસે છે, ત્યારે જીવને અતિશે દુખિયો કરીને કલ્યાણના માર્ગમાંથી પાડી નાખે છે.”
સદ્. નિષ્કુળાનંદ સ્વામીએ પણ વિષયમાં પ્રીતિવાળાનું કલ્યાણ ન થાય તેમ કહ્યુંછે,
“શરીર સુખ સારુ સૂધો વરતે, કલ્યાણમાં વરતે કાસળે;
નિષ્કુળાનંદ નિરભાગી નરને, નથી જાવું પ્રભુને પાસળે.”
જીવનપ્રાણ બાપાશ્રીએ પણ ભાગ-૧ની ૧૩૧મી વાતમાં કહ્યુંછે, “વિષયના સુખની ઇચ્છા રાખે તો સુખના સમુદ્રમાંથી ઊઠીને નર્કમાં જવું પડે.”
પંચવિષયના માયિક સુખમાં જન્મમરણની ભવાબ્ધિ સિવાય કાંઈ ફળ મળતું નથી. અવરભાવમાત્ર દુ:ખરૂપ જ છે, ઝેર જેવો છે, દુ:ખદેણ છે. સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ પ્રકરણ-૩ની ૧૧મી વાતમાં તેને કેવી રીતે જોવા તે શીખવતાં કહ્યુંછે કે, “આ લોકમાં પદાર્થને અને મનુષ્યાદિકને કેવી દ્રષ્ટિએ જોવા ? જે એ સર્વે વિઘ્ન કરનારાં છે. અમૃતનું ફળ ઝેર છે, તે શું ? જે વિષય ભોગવવા સારા લાગે છે, પણ તેનું ફળ દુ:ખ છે ને સારા વિષય ને નરસા વિષય એ બેય નાશવંત તો છે પણ નરસામાં દુ:ખ છે ને દોષ નથી ને સારામાં દુ:ખ ને દોષ બેય છે.”
પંચવિષયમાં જે દુ:ખ છે તેને જોયા કરવાથી જ તેમાંથી પ્રીતિ ટળે છે તે દર્શાવતાં સદ્. ગોપાળાનંદ સ્વામીએ ૩૯૭મી વાતમાં કહ્યું છે, “પંચવિષયમાં અરુચિ કેમ થાય ? તેનો ઉત્તર સ્વામીએ કર્યો જે, એ પંચવિષયસંબંધી ઉદ્યમને વિષે અતિશય દુ:ખને વારંવાર જોયા કરે તો અરુચિ થાય. ને જો વિષય સહેજે મળે તોપણ એને ભોગવવે કરીને શ્રીજીમહારાજની અપ્રસન્નતા થાય છે, એમાં લેશમાત્ર સંશય નથી; એમ મનમાં યથાર્થ દૃઢ નિશ્ચય કરે તો અરુચિ થાય.”
મહારાજ અને મોટાના અભિપ્રાય મુજબ વિષયના દુ:ખ ને નુકસાનનો વિચાર કરવાથી તેનાથી પાછા વળી શકાય.
આવો આ માટે દૃઢ સંકલ્પ કરીએ :
એક વખત સદ્. ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢની વાડીએ સભામાં બિરાજમાન હતા. એ વખતે રાજકોટના મિસ્ત્રીનો દીકરો દેવરાજ (દેવજી) સભામાં બેઠો હતો. સ્વામીએ તેને મરચીમાંથી મરચું લાવવા આજ્ઞા કરી. સ્વામીની આજ્ઞા થતાં દોડતાં મરચાં લાવી સ્વામીના હસ્તમાં આપ્યાં. સ્વામીએ એક મરચું પાછું આપી તેને પ્રસાદી માની જમવાની આજ્ઞા કરી.
લવિંગિયું તીખું મરચું જમતાં તેને તમ્મર ચડી ગઈ, આંખમાં પાણી આવી ગયાં. સખત બળતરા થવા લાગી. પછી સ્વામીએ ચોળાની સીંગો જમાડવા કહ્યું ત્યારે શાતા વળી. ફરી પાછું સ્વામીએ બધાને દેખતાં દેવરાજને બીજું મરચું જમવા આગ્રહ કર્યો પણ તેણે ન જમાડયું તો ન જ જમાડયું. તે જોઈ સ્વામીએ સભામાં સૌને કહ્યું, “દેવજીને મરચું દુ:ખરૂપ મનાયું, તેની બળતરાની ખબર પડી તો અમારી આજ્ઞા છતાં મરચું ખાતો નથી. તેમ તમને પંચવિષયના સુખમાં દુ:ખ મનાશે તો તમે વિષયનાં મરચાં ખાતાં બંધ થઈ જશો.”
દેવજીને મરચાંથી થતા દુ:ખની ખબર પડી તો તેને ન ખાવાનો નિશ્ચય કરી નાખ્યો; તેમ આપણને જો ખરેખર વિષયથી થતા નુકસાનનો ખ્યાલ આવે કે તેના દુ:ખની સ્પષ્ટતા થાય તો વિષયમાંથી પ્રીતિ ટાળવાનો દૃઢ સંકલ્પ થાય જ.
પંચવિષયમાંથી પ્રીતિ ટાળવાનો દૃઢ સંકલ્પ થાય તો પછી જીવનમાં તે અંગે પાછા વળી પગલાં લેવાય, તેની વિચારણા કે આયોજન થાય. જેમ કે ઘરમાં દૂધપાક બનાવવો છે તેવો દૃઢ સંકલ્પ કરીએ તો પછી દૂધ લાવવું, ચોખા અને ખાંડ બધું ભેગું કરી તેને બનાવવા માટેની તૈયારી થાય. તેમ એક વાર મારે વિષયાનંદી મટી બ્રહ્માનંદી થવું જ છે તેવો દૃઢ સંકલ્પ થાય તો જ વિષયમાંથી પ્રીતિ ટાળવાની તૈયારી થાય. તે માટેના સ્વજીવનમાં કોઈ આયોજન કરી શકાય.
શ્રીજીમહારાજે પંચાળાના ૧લા વચનામૃતમાં દૃઢ નિશ્ચય કરાવતાં કહ્યું છે જે, “એમ સર્વે નિશ્ચય રાખજ્યો જે, હવે તો ભગવાનના ધામમાં જ ઠેઠ પૂગવું છે પણ વચમાં કોઈ ઠેકાણે તુચ્છ જે પંચવિષયસંબંધી સુખ તેમાં લોભાવું નથી, એવી રીતે સૌ નિશ્ચય રાખજ્યો અને આ તો જે અમારો સિદ્ધાંત છે તે તમને સર્વેને કહ્યો છે માટે દૃઢ કરીને રાખજ્યો.”
આમ, વિષયમાંથી પ્રીતિ ટાળવા નુકસાનનો વિચાર અને દૃઢ સંકલ્પ કરી આગળ વધીએ.