વિષયાનંદી મટી બ્રહ્માનંદી થઈએ - 14

  October 4, 2021

૪. જ્ઞાન-ધ્યાનના મજરા કરવા :
દેહાધ્યાસરૂપી અજ્ઞાને કરીને જીવાત્માને જે જે જન્મમાં જે જે દેહ પ્રાપ્ત થયો તે તે જન્મમાં તે તે દેહને જ ‘હું’ માનીને વર્ત્યો છે. પરિણામ સ્વરૂપે જીવાત્માની જન્મમરણરૂપી ભવાબ્ધિ અવિરત ચાલુ રહે છે. આ ભવાબ્ધિમાંથી છૂટવાનો ઉપાય એક અને માત્ર એક જ છે - જીવાત્માને પોતાના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થવું.  
આ અંગે પોતાનો અંતર્ગત અભિપ્રાય જણાવતાં શ્રીજીમહારાજ ગઢડા પ્રથમના ૨૦મા વચનામૃતમાં જણાવે છે કે, “આ દેહમાં રહેનારો જે જીવ છે તે રૂપને જુએ છે ને કુરૂપને જુએ છે તથા બાળ, યૌવન ને વૃદ્ધપણાને જુએ છે, એવા અનંત પદાર્થને જુએ છે, પણ જોનારો પોતે પોતાને જોતો નથી. અને કેવળ બાહ્ય દ્રષ્ટિએ કરીને પદાર્થને જોયા કરે છે. પણ પોતે પોતાને નથી જોતો તે જ અજ્ઞાનીમાં અતિશે અજ્ઞાની છે. અને જેમ નેત્રે કરીને અનંત પ્રકારના રૂપના સ્વાદને લે છે તેમજ શ્રોત્ર, ત્વક્, રસના, ઘ્રાણ ઇત્યાદિક સર્વે ઇન્દ્રિયોએ કરીને વિષયસુખને ભોગવે છે, ને જાણે છે પણ પોતે પોતાના સુખને ભોગવતો નથી ને પોતે પોતાના રૂપને જાણતો નથી એ જ સર્વે અજ્ઞાનીમાં અતિશે અજ્ઞાની છે, ને એ જ ઘેલામાં અતિશે ઘેલો છે, ને એ જ મૂર્ખમાં અતિશે મૂર્ખ છે, ને એ જ સર્વે નીચમાં અતિશે નીચ છે.”
“તે સુખ પામવાને જ્ઞાન ને ધ્યાન, શ્રીજીની મૂર્તિમાં બનો એકતાન...”
ધ્યેય મૂર્તિ, ઉપાસ્ય મૂર્તિ એવા ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન અને ઉપાસક એવા આત્માના શુદ્ધ જ્ઞાન પછી ‘મારા ચૈતન્યને કેવળ કૃપા કરી શ્રીજીમહારાજે પોતા જેવો પુરુષોત્તમરૂપ કરી મૂર્તિમાં રાખ્યો છે’ એ લટકે ચાલવાથી જીવ મૂર્તિસુખને પાત્ર બનતો જાય છે. અને ત્યારબાદ દિવ્ય, સદા સાકાર મૂર્તિના ધ્યાને કરીને નિરાકાર ચૈતન્ય સાકાર થતો જાય છે ને પૂર્ણપાત્ર થતા રોમરોમપણે મૂર્તિસુખનો ભોક્તા થાય છે.
ભૌતિક સુખમાંથી અનાસક્ત થવું તથા સંસારમાંથી નિર્વાસનિક બની ભગવાન સ્વામિનારાયણની દિવ્યાતિદિવ્ય મૂર્તિમાં એકાત્મભાવને પામવું, રસબસ થવું એ જ મનુષ્યજન્મની ખરી સાર્થકતા છે. મૂર્તિમાં રસબસ થઈ સુખને માણવા માટેનું રાજમાર્ગરૂપી સાધન એકમાત્ર ધ્યાન છે. ધ્યાને કરીને જ જીવાત્માને અનાદિકાળથી વળગેલી કારણ શરીરરૂપી વાસના નિર્મૂળ થાય છે; ને જીવાત્મા મુક્તભાવને પામી મહાપ્રભુની મૂર્તિનો યથાર્થ સુખભોક્તા થાય છે.
કારણ સત્સંગના આદ્ય સ્થાપક જીવનપ્રાણ અબજીબાપાશ્રી કે જેમણે કેવળ મૂર્તિનો જ વેપાર કર્યો હતો, તેમણે યોગમાં આવનાર પ્રત્યેક મુમુક્ષુને ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી નિષ્ઠા દૃઢ કરાવી, અનાદિમુક્તની સ્થિતિનું અનુભવજ્ઞાન પીરસી, ધ્યાનનો આગ્રહ જગાવી મૂર્તિસુખના અધિકારી કરવાની અકલ્પનીય જહેમત ઉઠાવી હતી.
જીવનપ્રાણ અબજીબાપાશ્રીએ ભાગ-૧ની ૧૩૯મી વાતમાં કહ્યું છે કે, “જ્યાં સુધી મૂર્તિમાં રસબસ થઈને મૂર્તિમાં જોડાયો નથી ત્યાં સુધી બીજે હેત થઈ જાય છે ને ખોટા ઘાટ પણ થઈ જાય છે; માટે બીતા રહેવું જે, મહારાજ વિના જો ખોટો ઘાટ થાશે તો જન્મ ધરવો પડશે. મૂર્તિનું ધ્યાન કરતા હોય તેમાંથી વાસના બહાર લાવે છે, માટે પુરુષોત્તમરૂપ થઈને ધ્યાન કરવાનો આગ્રહ રાખે તો વાસના કુંઠિત થાય.”
દેહથી પૃથક્ સત્ એવો જે આત્મા અને સનાતન એવા સત્ પરમાત્મા (ભગવાન સ્વામિનારાયણ) એનો સંગ કરવાનું કહેતાં એમની સાથે એકતા કરવાનું ઉત્તમ સાધન એટલે જ ધ્યાન.
ધ્યાન કરવાની બે રીત છે : (૧) અનુલોમ ધ્યાન અને (૨) પ્રતિલોમ ધ્યાન.
પોતાના આત્માને પુરુષોત્તમરૂપ માની શ્રીજીમહારાજની દિવ્ય તેજોમય મૂર્તિને સન્મુખ (સામે) ધારીને ધ્યાન કરવું તેને અનુલોમ ધ્યાન કહેવાય.
પોતાના આત્માને પુરુષોત્તમરૂપ માની શ્રીજીમહારાજની દિવ્ય તેજોમય મૂર્તિને પ્રતિલોમ ધારીને ધ્યાન કરવું તેને પ્રતિલોમ ધ્યાન કહેવાય.
પ્રતિલોમ ધ્યાન એ જ ઉત્તમ ધ્યાન છે.
દેહથી જુદો જે આત્મા તેને શ્રીજીમહારાજે કેવળ કૃપાએ પોતા જેવો, દિવ્ય, સાકાર, પુરુષોત્તમરૂપ કરીને પોતાની મૂર્તિના સુખમાં રાખ્યો છે. ને મૂર્તિમાં રાખ્યા પછી આત્માનો જુદો દેખાવ રહેતો નથી. પુરુષોત્તમનો આકાર અને પુરુષોત્તમનો દેખાવ જ એનો થઈ જાય છે. મૂર્તિરૂપ થઈ જાય છે. આવી રીતે પુરુષોત્તમના મસ્તકે મસ્તક, હસ્તે હસ્ત, ચરણે ચરણ પ્રતિલોમપણે ધારીને ધ્યાન કરવું તેને પ્રતિલોમ ધ્યાન કહે છે.
આવા દિવ્ય કારણ સત્સંગનો યોગ થયો છે. ગુરુદેવ પ.પૂ. બાપજી અને ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી જેવા દિવ્યપુરુષનો સહારો છે અને જો આ જોગમાં રહીને ધ્યાન કરીને મૂર્તિ સિદ્ધ નહિ કરીએ તો મહારાજ અને મોટાપુરુષના ગુનેગાર થઈશું. એવું બાપાશ્રીએ પહેલા ભાગની ૧૬૭મી વાતમાં કહ્યું છે.
ધ્યાન કરતી વખતે દેહથી જુદો જે આત્મા તેને શ્રીજીમહારાજે અનાદિમુક્ત કરી મૂર્તિમાં રાખ્યો છે તેમ ધારવું, દેહને નહીં. દેહને અને મહારાજને કોઈ સંબંધ નથી. માટે દેહને પુરુષોત્તમરૂપ માની ધ્યાન કરવાની ભૂલ કદી ન કરવી.
આ રીતે જ્ઞાન-ધ્યાનના મજરા કરવા તથા દિવસ દરમ્યાન સતત મૂર્તિ સાથે નિમગ્નપણે જોડાયેલા રહેવું. મૂર્તિ સાથેનું નિમગ્નપણું દિન-પ્રતિદિન જેટલું વધતું જાય એટલા બ્રહ્માનંદી થઈ આનંદના સુખસાગરમાં ડૂબતા જવાય.