વિષયાનંદી મટી બ્રહ્માનંદી થઈએ - 15

  October 11, 2021

ચોરાશી લાખ જન્મના અંતે મોંઘો મનુષ્યજન્મ મળ્યો છે. તે શું માત્ર ખાવા-પીવા, હરવા-ફરવા, દ્રવ્ય-સંપત્તિ મેળવવા માટે જ મળ્યો છે ? માન-સન્માન, યશ-કીર્તિ-પ્રસિદ્ધિ મેળવવી એ જ મારા મનુષ્યજન્મનો હેતુ છે ? ના. મનુષ્યજન્મ કેવળ અનાદિમુક્તની સ્થિતિ પામી મૂર્તિસુખનો અનુભવ કરવા માટે છે. પરંતુ, દેહભાવના યોગે કરી હું રસ્તો ભૂલી ગયો છું. અનંત જન્મમાં વિષયમાં જ પ્રીતિ કરી છે પરિણામે એ અનાદિકાળના પડી ગયેલા ઢાળને કારણે હજુય વિષયસુખમાં જ પ્રીતિ કરું છું.
સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં કહ્યું છે કે, “કરોડ કામ બગાડીને પણ એક મોક્ષ સુધારી લેવો.” પરંતુ મારી અવળાઈ કેવી છે ? એક મોક્ષ બગાડીને હું વિષયમાં આસક્ત થઈ રહ્યો છું. જાણું છું કે પંચવિષયમાં પ્રીતિ એ જ જન્મમરણનો હેતુ છે. તેમ છતાં સમય આવ્યે હું વિષયમાં લોભાઈ જાઉં છું, લલચાઈ જાઉં છું. મારા મન પર સંયમ રાખી શકતો નથી.
સારાં પદાર્થ-વસ્તુની પ્રાપ્તિ થાય ત્યારે તેમાં લોભાઈ જવાય છે. સારું જમવા મારી સ્વાદેન્દ્રિય તેજ થઈ જાય છે; તેને પાછી વાળી શકતો નથી. સારું રૂપ જોવામાં આવે ત્યારે હું મારી નેત્રેન્દ્રિયને સંયમમાં રાખી શકતો નથી. સારાં સારાં કપડાં પહેરી શુટેડ થઈ ફરવામાં જ મારી ઇમ્પ્રેશન (વર્ચસ્વ) માનું છું. એટલે જ તો તેની પાછળ ઠાકોરજીએ આપેલા પૈસાનો દુરુપયોગ કરું છું. આત્માની નિર્બળતા કેવી કહેવાય કે બધું જાણવા છતાં વિષયને આધીન થઈ તેની પાછળ જ દોટ્યો દઉં છું.
એટલું જ નહિ, વિજાતિ પાત્રો સામે પણ મારી દ્રષ્ટિ, વૃત્તિ ખેંચાઈ જાય છે. એ વખતે મને એ પણ યાદ નથી આવતું કે મહારાજ મારી પર નારાજ થશે. ધ્યાન-ભજનમાં મને એ વિઘ્નરૂપ થશે. આ વિષયનું ક્ષણિક સુખ મને મૂર્તિસુખથી લાખો ગાઉનું છેટું કરી નાખશે. મારા ધ્યેયથી ચલિત કરી દેશે. કદાચ આવા વિચારો આવે છે તોપણ વિષયના અતિશય જોરને કારણે હું તેને આધીન થઈ આજ્ઞાનો લોપ પણ કરી નાખું છું. પરંતુ પાછળથી મને ખૂબ પસ્તાવો થાય છે.
મારે તો મહારાજ અને મોટાપુરુષને રાજી કરવા છે. બ્રહ્માનંદી થઈ મૂર્તિસુખના અધિકારી થવું છે. ત્યારે મારે વિષયમાંથી પ્રીતિ ટાળવી જ પડશે. વિષયસુખથી પાછા વળવું જ પડશે. માટે હવે મારું જીવન રજોગુણી નહિ સત્વગુણી કરવું છે. ને તે માટે સારાં પદાર્થો મળે તોપણ તેનો ત્યાગ કરી દઈશ. શરૂઆતમાં હું તેમાં લોભાઈ જઈશ પરંતુ ભજન-પ્રાર્થનાના બળે, નિયમે કરીને તેનાથી દૂર રહેવું છે. કારણ, મૂર્તિસુખના માર્ગમાં વિઘ્નરૂપ બને તેવું કોઈ જ લૌકિક સુખ મારે ન જ જોઈએ. મારા માટે તે અમૃત નહિ, વિષ સમાન છે. હસતાં હસતાં ભોગવેલું વિષયસુખ રોઈ રોઈને મારે છોડવું તેના કરતાં મહારાજની રુચિ જાણી સમજીને જ તેનો ત્યાગ કરી દઈશ. મારી જિહ્ વા ઇન્દ્રિયને પણ મારે સંયમમાં લાવવી છે માટે નિયમે કરીને ભાવતી વસ્તુઓનો ત્યાગ કરીશ જ.
મારે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો દાખડો એળે જવા દેવો નથી. મારે છતે દેહે ધ્યાને કરી મૂર્તિસુખના અધિકારી થવું જ છે. બસ, હવે તો દૃઢ સંકલ્પ છે કે વિષયાનંદી મટી બ્રહ્માનંદી થવું જ છે. બાપાના વખતમાં કુંભારિયાના હરજીભાઈ રજોગુણી હતા છતાં બાપાના જોગે મૂર્તિસુખના અધિકારી બની શક્યા ! તો મને પણ એવા જ દિવ્ય સત્પુરુષો મળ્યા છે તો તેમના જોગે હું પણ વિષયાનંદી મટી બ્રહ્માનંદી થઈ જ શકું.
આ માટે હવે મારે આટલું તો કરવું જ છે :
૧.    ટી.વી., સિનેમા કે બીભત્સ ચિત્રો જોવાનું સદંતર બંધ કરીશ.
૨.    વિષયસુખની લોલુપતા નિયમે કરીને ટાળીશ.
૩.    ભજન-ભક્તિનું અંગ પાડીશ.
૪.    ફેસબુક જેવી સોશિયલ સાઇટ્સનો કે બિનજરૂરી ઇન્ટરનેટનો ઉપયોગ નહિ જ કરું.
૫.    લગ્ન પ્રસંગો જેવા વિષયમય વાતાવરણથી દૂર રહેવા પ્રયત્ન કરીશ.
૬.    મહારાજના સ્વરૂપમાં અખંડવૃત્તિ રાખવા પ્રયત્ન કરીશ.
૭.    માત્ર સેવા-સમજણના આધારે ન રહેતાં મૂર્તિના આધારે રહેવા પ્રયત્ન કરીશ.
૮.    વિષયનો યોગ થાય તેવા વાતાવરણ સંજોગ-પરિસ્થિતિમાં સાવધાની-ખટકો રાખીશ.
૯.    રોજ મૂર્તિમાં નિમગ્નપણે રહેવા અડધો કલાક પ્રયત્ન કરીશ.
૧૦.  અવરભાવને ભૂલી પરભાવનું મનન કરીશ. પરભાવમાં રાચવા પ્રયત્ન કરીશ.
હે મહારાજ ! હે બાપા ! હે બાપજી ! હે સ્વામીશ્રી ! દયાળુ, આપના બ્રહ્માનંદી કરવાના સંકલ્પમાં ભેગો ભળી શકું, વિષયમાંથી પ્રીતિ તોડી મૂર્તિમાં પ્રીતિ કરી શકું એવી દયા કરો.