વિષયાનંદી મટી બ્રહ્માનંદી થઈએ - 4

  July 26, 2021

જીવની દશા મદારીના માંકડા જેવી હોય છે. તેને વિષયનું સુખ છોડવું નથી અને ભગવાનનું સુખ માણવું છે.
માંકડાંને ચણા ખૂબ ભાવે તેથી મદારી લોકો માંકડાં પકડવા જાય ત્યારે એક સાંકડાં મોઢાવાળા ભાંભામાં (ઘડામાં) વાંદરાંના દેખતા ચણા ભરે. પછી સંતાઈ જાય. માંકડું ચણા લેવા ભાંભામાં હાથ સીધો નાખે અને ચણાની મુઠ્ઠી ભરી કાઢવા જાય પણ ભાંભાનું મો સાકડું હોવાથી મુઠ્ઠી બહાર નીકળી શકે નહીં. જો ચણાની મુઠ્ઠી છોડે તો હાથ બહાર નીકળી જાય. પણ માંકડું ચણા છોડે નહિ અને છેવટે મદારીના હાથે પકડાઈ જાય છે.
તેમ જીવ પણ જગતરૂપી ભાંભામાં પંચવિષયના સુખરૂપી ચણા લેવા જાય છે. જો તે પંચવિષયના સુખને ભોગવવા મૂકી દે તો જગતરૂપી ભાંભામાંથી છૂટી ભગવાનના સુખને પામે.
વિષયસુખમાં દેખાતા આભાસી સુખ પાછળ નર્યું દુ:ખ જ છે એવું સત્સંગના યોગમાં આવીને જાણવા છતાં વિષયમાંથી જીવને પ્રીતિ તૂટતી નથી. શ્રીજીમહારાજની સર્વોપરી ઉપાસના સમજવી અટપટી છે છતાં તે શ્રીજીમહારાજની કેવળ કૃપાથી સમજાઈ જાય છે કારણ કે તે ઉપાસના સમજવાનું પણ પ્રથમ વખત મનુષ્યદેહમાં જ આવ્યું છે. પરંતુ વિષયવાસનાના એવા ઘાંટા પાસ લાગ્યા છે કે સમયે તેમાંથી પ્રીતિ ટાળવી અઘરી પડે છે.
અમદાવાદના નથુ ભટ્ટ વૈષ્ણવ હવેલીમાં કથા કરવા જતા અને ચુસ્ત વૈષ્ણવી હતા. તેમને દામોદરભાઈએ શ્રીજીમહારાજના સર્વોપરીપણાની વાત કરી પણ સ્વીકાર થયો નહીં. શ્રીજીમહારાજને પૂછવા ગયા. સ્વયં શ્રીજીમહારાજે તેમને પોતાની સર્વોપરી નિષ્ઠા સમજાવી હતી. પછી તો એવી ગેડ્ય પડી ગઈ કે કોઈની આગળ માથું તો ન નમે પણ કોઈની વાતમાં લેવાઈ પણ ન જાય. વાતે વાતે તેમના જીવનમાં સર્વોપરી નિષ્ઠાની ખુમારી દેખાતી હતી. તેઓ શ્રીજીમહારાજની સાથે વિચરણમાં પણ જતા અને ચાર મુખે સર્વોપરી મહિમાની વાતો કરતા.
નથુ ભટ્ટને તેમનાં પત્નીમાં અતિશે હેત હતું. આધેડ વયે તેમનાં પત્ની ધામમાં ગયાં. પત્નીમાં અતિશે હેતને કારણે તેમણે અતિશે આકળા થઈ હૈયાફાટ રુદન કરવા માંડયું. રડતાં રડતાં બોલતા જતા કે, “મહારાજે કેમ મારું જ ખોરડું ભાળ્યું ? મારું સર્વસ્વ લૂંટાઈ ગયું, હાય રે મારું રતન રોળાઈ ગયું, કાળજું કપાઈ ગયું, જીવનનું નૂર ચાલ્યું ગયું. એવા તો મેં શાં પાપ કર્યાં તે મહારાજે મને એકલો મૂકી એને લઈ લીધી.” એમ બોલતાં બોલતાં શબને વળગી પડતા.
સમય થતા બાઈનો અગ્નિસંસ્કાર કરવા લઈ ગયા. ત્યાં પણ નથુ ભટ્ટ ચિતામાં પડવા દોડતા હતા. જોડેવાળા સગાં-સ્નેહીજનો રોકે તો કહેતા કે, “એના વિના જીવીને શું કરવું ? માટે મરવા દો.” અગ્નિસંસ્કાર વિધિ પૂર્ણ થઈ ગયા પછી પણ મોડી રાત સુધી રાખની પાસે બેસી રહ્યા. રાત્રે પરાણે ઘરે લાવ્યા.
બે-ત્રણ દિવસ થવા છતાં પત્નીના વિરહમાં નથુ ભટ્ટની સૂધબૂધ હરાઈ ગઈ હતી. અન્ન-જળ લીધા વિના રડતા હતા. સ્નેહીજનો ખરખરો કરવા આવે ત્યારે પત્નીના ગુણગાન સાંભળી તેઓ અતિશે શોકાતુર બની જતા અને બેફામ બોલવા લાગતા.
હીરાચંદ ચોકસીએ સમજાવતાં કહ્યું, “ભટ્ટજી, તમે તો જ્ઞાની છો, સમજુ છો, મહારાજનો કેવો સર્વોપરી મહિમા ગાવ છો ! આમ અજ્ઞાનીની પેઠે રડવાથી કાંઈ વળવાનું નથી, મહારાજની મરજીમાં રાજી રહેવાનું.”
નથુ ભટ્ટે કહ્યું, “ચોકસી, એ તો પગતળે રેલો આવે ત્યારે ખબર પડે. મહારાજ સર્વોપરી ભલે પણ એને લઈ લીધી ને મને શા માટે વિધુર કર્યો ? મહારાજ નિર્દય છે, મને એકલો-અટૂલો કરી દીધો.” બેસણામાં આવનારા જેટલી વધુ સાંત્વના આપે તેટલી પત્નીમાં આસક્તિના કારણે નથુ ભટ્ટની અણસમજણ વધતી જતી હતી.
બારમા-તેરમાનો વિધિ પૂરો થઈ ગયો. પંદર દિવસ વીતી ગયા છતાં તેમનો શોક ટળતો નહોતો. દામોદરભાઈ આદિક હરિભક્તો નથુ ભટ્ટને જેતલપુર શ્રીજીમહારાજનાં દર્શન કરવા લઈ ગયા.
નથુ ભટ્ટ સભામાં આવીને બેઠા ત્યારે મહારાજે સુરાખાચરને પ્રશ્ન પૂછયો કે, “માણસને વ્હાલામાં વ્હાલું શું હશે ?” સુરાખાચરે કહ્યું, “પ્રભુ, માણસને વ્હાલામાં વ્હાલો પોતાનો જીવ ગણાય કેમ જે ધણી મરે ને ધણિયાણીને જાણ થાય તો તુરત પહેલાં રસોડામાં જઈ ખાડો પૂરી લે અર્થાત્ જમી લે; પછી કોણ જાણે રડવામાં ક્યારેય રોટલા મળે ?”
મહારાજે કહ્યું, “સુરાબાપુ, આ ભટ્ટજીને પૂછો. એમને તો ભગવાન કે પોતાના જીવ કરતાં પત્ની વ્હાલી છે. તેથી પંદર દિવસ થયા છતાં અન્ન-જળ લેતા નથી.” પછી ભટ્ટજીને સાંખ્ય સમજણ દ્રઢ કરાવતાં કહ્યું, “સૌએ એક વાર તો આ દુનિયા છોડીને જવાનું છે. એમાં શોક શાનો ? હમણાં જ સંતો કીર્તન ગાતા હતા કે,
‘સંગ ચલત નહિ કોઈ...’
 એમ ભટ્ટજીનો શોક ટાળવા સાંખ્યની ઘણી વાતો કરી. શ્રીજીમહારાજ સર્વોપરી ભગવાન છે એવો મહિમા જાણતા હોવા છતાં પંચવિષયના સુખમાં અતિશે વાસનાને કારણે મહારાજની વાતથી પણ પૂરી શાંતિ ન વળી.
સ્ત્રીઆદિકની વાસનાની આવી વિવશતા રજૂ કરતાં શ્રીજીમહારાજે લોયાના ૧૦મા વચનામૃતમાં કહ્યું છે, “આ જગતમાં કેટલાક મનુષ્યને સ્ત્રીઆદિક પદાર્થમાં એવું હેત થાય છે જે તેનો વિયોગ થયો હોય તો પ્રાણનો ત્યાગ થઈ જાય.”
જીવમાત્રને સ્ત્રીઆદિકના વિષયસુખને વિષે એટલું બંધાણ થઈ ગયું છે કે તેના અર્થે માન-અપમાન ને તિરસ્કાર થાય તોપણ તેમાંથી તૃપ્તિ થતી નથી.
આમ, વિષયસુખની ભયંકરતા સમજી સાંખ્યજ્ઞાનની આંખે કરીને વિષયથી પાછા વળવું.