વિષયાનંદી મટી બ્રહ્માનંદી થઈએ - 5

  August 2, 2021

એક ગર્ભશ્રીમંત શેઠ હતા. શેઠ દુકાનમાં શેઠ હતા પણ ઘરમાં તો શેઠાણીનું જ આધિપત્ય હતું. શેઠનું કાંઈ તેમની આગળ ચાલે નહીં. શેઠ દુકાનમાં નોકરો ઉપર રોફ જમાવે પણ ઘરમાં શેઠાણીનો માર ખાય. કેટલીક વાર શેઠાણી ઘરનાં બારણાં વાસી શેઠને મેથીપાક આપે ત્યારે શેઠ બૂમો પાડે કે, ‘લે લેતી જા’, ‘લે લેતી જા’. આડોશી-પાડોશીને એમ થાય કે શેઠ શેઠાણીને મારે છે. પણ વાસ્તવિકતા જુદી હતી. શેઠ આટલો માર ખાવા છતાં વિષયસુખની વાસનાએ શેઠાણીનો ત્યાગ કરી શકતા ન હતા. એટલું જ નહિ, તેમના ગુલામ થઈને રહેતા હતા.
એટલે જ સદ્. નિષ્કુળાનંદ સ્વામીએ વચનવિધિના કડવા-૪૨માં કહ્યું છે,
“ઘરની ગોલીનો ગોલો થયો, રહ્યો હાથ જોડીને હજૂર,
રાત-દિવસ રાજી રાખવા, અતિ આખેપ રાખે છે ઉર.
એવો ભક્ત ભગવાનને, કહો રાજી કેમ કરી શકે,
નિષ્કુળાનંદ કે’ નાદાર નર, ચડયો શરીરના સુખને ધકે.”
જીવે અનંત જન્મમાં પંચવિષયનાં સુખ ભોગવ્યાં છે અને હજુ પણ ભોગવી જ રહ્યો છે. જો કોઈ વસ્તુ જમાડીએ તો એક એક કોળિયો જમાડતાં તૃપ્તિ થતી જાય છે. છેવટે એક વખતે જમતાં જમતાં સંપૂર્ણ તૃપ્ત થઈ જવાય છે. પરંતુ વિષયભોગમાંથી જીવને કદી તૃપ્તિ થતી જ નથી. તે તો જેમ જેમ વધુ વિષય ભોગવતા જાય છે તેમ તેમ તેની અતૃપ્તિ વધતી જાય છે. વિષયભોગની તીક્ષ્ણતા વધતી જાય છે. ઉંમર વધતાં દેહ અશક્ત થાય છે પણ વાસના જેટલી ભોગવી હોય તેટલા યુવા અવસ્થાના ભાવો વધુ સશક્ત થતા જાય છે.
કેટલાક એવું માનતા હોય છે કે જે વિષય ભોગવવાની ઇચ્છા થાય તેને ભોગવી લેવા; નહિ તો મનમાં તેનું મનન થયા કરે. પરંતુ જે વિષયની ઇચ્છા થઈ તેને ભોગવી લેવાથી તેની તૃપ્તિ થતી નથી કે તે ઇચ્છા નિર્મૂળ થઈ જતી નથી. ઉપરથી બીજી વખત તે ભોગવવાની ઇચ્છા વધે છે. કેટલીક વાર મનુષ્ય વિષય ભોગવવાની બાબતમાં પશુ કરતાં પણ બદતર થઈ જાય છે.
એક વખત સિંહ અને સિંહણ બેઠાં હતાં. મનુષ્ય ત્યાંથી પસાર થયો. તેણે સિંહને કહ્યું, “અરે ઓ સિંહ, તારી બાજુમાં સિંહણ બેઠી છે તો વિષયભોગ ભોગવી લે, પછી નહિ મળે.”
સિંહે ગૌરવ સાથે ઊંચું મસ્તક કરી કહ્યું, “ભાઈ, હું પશુ છું; માણસ નથી. મને તો વર્ષમાં એક જ વખત વિષય ભોગવવાથી તૃપ્તિ થઈ જાય છે. સ્ત્રીને જોઈ વારે વારે વિષય ભોગવવાની તલપ જાગતી નથી. જ્યારે માણસને વિષય ભોગવવામાં કોઈ માપ નથી. ગમે તેટલા વેગે સહિત વિષય ભોગવે તોપણ તેને તૃપ્તિ થતી નથી. હું સંયમથી વિષયભોગ ભોગવું છું. એટલે મારામાં અપાર શક્તિ છે અને જંગલનો રાજા છું. જ્યારે તું વિષય ભોગવીને તારી બધી આંતરિક શક્તિને ખલાસ કરી નાખે છે. માટે હે બુદ્ધિવાળા માણસ, તું અમ પશુ પાસેથી સંયમમાં વિષય ભોગવવાનો પાઠ શીખ !”
પશુ-પક્ષી ઋતુકાલીન વિષય ભોગવે છે જ્યારે મનુષ્ય કોઈ પણ સમયે અમર્યાદિતપણે વિષય ભોગવે છે તોપણ તૃપ્તિ મટતી નથી.
હવે માણસને એવું કહેવું કે તું માણસ મટી પશુના ધર્મ અપનાવ !! જો વાસનાના સકંજામાંથી મુક્ત થવું હોય તો માણસ મટી મુક્ત બનીએ.