વિષયાનંદી મટી બ્રહ્માનંદી થઈએ - 6

  August 9, 2021

શ્રીજીમહારાજે ગઢડા મધ્યના ૪૭મા વચનામૃતમાં કહ્યું છે કે, “પંચવિષય છે તે તો પૂર્વે દેવ-મનુષ્યાદિકને વિષે અનંત દેહે કરીને આપણે જીવે ભોગવ્યા છે તોપણ હજુ લગણ વિષયની તૃપ્તિ થઈ નથી તો હવે ભગવાનના ભક્ત થઈને વર્ષ કે બે વર્ષ કે પાંચ વર્ષ વિષય ભોગવીને પૂર્ણ થવાશે નહીં. જેમ પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય તેને પાણીએ કરીને ભરવા માંડીએ તો ક્યારેય ભરાય નહિ તેમ ઇન્દ્રિયો છે તેની ક્યારેય વિષય થકી તૃપ્તિ થઈ નથી ને થાશે પણ નહીં. માટે હવે તો વિષયની આસક્તિનો ત્યાગ કરીને અને સાધુ જેમ વઢીને કહે તેમ ગુણ લેવો.”
જીવને સ્ત્રીઆદિકની વાસના રહે છે તેમ ખાવા-પીવાની, હરવા-ફરવાની, જોવાની, સત્તાની, સંપત્તિની એવા પંચવિષયનાં સુખોની વાસના રહી જાય છે તેથી તે માટેના પ્રયત્ન કરવામાં કદી થાકતો નથી.
જીવનપ્રાણ બાપાશ્રીએ ભાગ-૧ની ૪૭મી વાતમાં કહ્યું છે કે, “જીવ પંચવિષય અને આ લોકનાં સુખ સારુ લઢી મરે છે પણ ભગવાન સારુ કોઈ લઢતું નથી. પૃથ્વીના, ધનના, લેવા-દેવાના, ખાધાના એવા કેટલાય પ્રકારના ટંટા છે. આ લોકમાં તુચ્છ સુખ સારુ લઢી મરે છે ને ફેર પાછું ભોગવવા તો આવવું નથી.”
સંસારની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય, હાણ-વૃદ્ધિ, સર્જન-વિસર્જનમાં સતત થતા પરિવર્તનના અનુભવથી દરેક વ્યક્તિ એવું માને છે અને સ્વીકારે છે કે ભૌતિક સુખો બધાં નાશવંત છે, તુચ્છ છે અને અંતે દુ:ખદેણ છે. તેમ છતાં દેહ સાથે જીવને એટલું બધું જીવનપણું થઈ ગયું છે કે, આત્મા દેહનાં ભૌતિક સુખોને પોતાનાં માની લે છે. તેથી વાસ્તવિક જ્ઞાન જાણવા છતાં તે પંચવિષયનું સુખ ન મળે ત્યારે મૂઆ જેવો થઈ જાય છે. પરિણામે તે ભૌતિક સુખોથી પાછા વળી અલૌકિક સુખ પામવા તત્પર થતો નથી.
જીવ પંચવિષયનાં સુખોનો ત્યાગ કરે તો જ ભગવાનના સુખને પામે છે તે સ્પષ્ટ સમજાવતાં શ્રીજીમહારાજે ગઢડા છેલ્લાના ૨૮મા વચનામૃતમાં કહ્યું છે કે, “જેને પંચવિષયે કરીને જીવનપણું જ્યાં સુધી મનાણું છે, ને તેણે કરીને સુખ માન્યું છે ને તેનો વિયોગ થાય ત્યારે મૂઆ જેવો થઈ જાય છે. એવો જે હોય તે ભગવાનના સુખને ક્યારેય પણ પામે નહિ અને પંચવિષયે કરીને જીવનપણું ટળી ગયું છે તે જ ભગવાનના સુખને અનુભવે છે ને ભોગવે છે ને એવાને જ ભગવાનના સુખની પ્રાપ્તિ થાય છે.”
અર્થાત્ વિષયાનંદી મટી બ્રહ્માનંદી થાય તો જ તે શ્રીજીમહારાજની મૂર્તિના સુખને પામે છે. બ્રહ્માનંદી થયા વિના મૂર્તિના અલૌકિક દિવ્ય સુખને પામવું શક્ય જ નથી.
પંચવિષયનું જોર ભારે છે તે ઇન્દ્રિયો-અંત:કરણ પર એવા હાવી થઈ ગયા છે કે તેનું નિરંતર ચિંતવન થયા કરે છે. કદાચ સ્થૂળ દેહે ન ભોગવવા મળે તો સૂક્ષ્મ દેહે પણ તેને પામવાનું કે ભોગવવાનું નિરંતર ચિંતવન થયા કરે છે.
પંચવિષયનું નિરંતર ચિંતવન એ જ જન્મમરણનો હેતુ છે તે દર્શાવતાં અમદાવાદના ૩જા વચનામૃતમાં કહ્યું છે કે, “જીવમાત્ર છે તે પંચવિષયને આધારે જીવે છે તે કાં તો બહાર પંચવિષયને ભોગવતો હોય અને જ્યારે બહાર પંચવિષયનો યોગ ન હોય ત્યારે અંત:કરણમાં પંચવિષયનું ચિંતવન કર્યા કરે, પણ એ જીવ વિષયના ચિંતવન વિના ને વિષયને ભોગવ્યા વિના ક્ષણમાત્ર પણ રહી શકતો નથી. અને જેમ વડનું વૃક્ષ છે તેનાં જે મૂળ તે જ વડને લીલો રાખે છે અને બીજાં સર્વ મૂળ ઊખડી ગયાં હોય ને એક વડવાઈ પૃથ્વીમાં ચોંટી રહી હોય તોપણ એ વડનું વૃક્ષ લીલું રહે છે. તેમ ઉપર થકી કદાચિત્ પંચવિષયનો ત્યાગ કર્યો છે, પણ અંતરમાં વિષયનું ચિંતવન થાય છે એ જ એને જન્મમરણનો હેતુ છે.”
વિષયાનંદી જીવો તો સંસારના માયિક પંચવિષયમાં જ સુખ માને છે પણ જે ખ૫વાળા છે તે સંસારનાં સુખને ખોટાં માને છે. જે આવા વિષયમય સુખને ખોટાં માને છે તે વિષયાનંદી મટીને બ્રહ્માનંદી થવાના ઇશકથી સત્સંગમાં આવે છે. આવા ઇશકથી આવવા છતાં દરેક સાધક ધ્યેયની અસ્પષ્ટતાના કારણે બ્રહ્માનંદી બનતા નથી. કારણ, દરેક સાધકના ધ્યેય જુદા જુદા બંધાઈ જાય છે. સૌ પોતપોતાના લક્ષ્યની સ્પષ્ટતાની માત્રાએ સત્સંગના યોગે પાત્રતાનુસારે ભજનાનંદી અને બ્રહ્માનંદી બને છે. તેમાં બહુધા ભક્તો ભજનાનંદી બને છે.
ભજન-ભક્તિના આધારે રહે અને તેમાં જ આનંદ માને તેને ભજનાનંદી ભક્ત કહેવાય. ભજનાનંદી ભક્તોમાં પણ ત્રણ ભેદ પડતા હોય છે. સેવા, ભજન-ભક્તિ અને સમજણ એમ જુદા જુદા આધારે સત્સંગમાં રહેતા હોય છે.
આપણે કયા આધારે જીવીએ છીએ ? આ અંગે થોડું વિચારીએ...