વિવેક-1

  December 5, 2017

આજના અદ્યતન ટેકનોલોજીમાં મનુષ્ય દરેક ક્ષેત્રે હરણફાળ પ્રગતિ કરે છે. પરંતુ એક ગુણને પાછળ મૂકીને તે છે વિવેક. આ ગુણની આપણા જીવનમાં શું જરૂર છે તે આવો નિહાળીએ

વિદ્યાભ્યાસના પ્રાચીન ઇતિહાસમાં વિદ્યાર્થીઓ ભણવા માટે ગુરુની આશ્રમશાળામાં જતા. કેટલાક ત્યાં રહીને ભણતા તો કેટલાક સ્વગૃહે સાંજ પડે પાછા ફરતા.

ચૈત્ર-વૈશાખનો ધોમધખતો તાપ તપી રહ્યો હતો. ચારેબાજુ નરી લૂ વાઈ રહી હતી. વિદ્યાભ્યાસના એ છેલ્લા દિવસોનો સમય હતો. એક દિવસ બપોરના ૩:૩૦ વાગ્યે એક ૧૦-૧૨ વર્ષનો બાળક ગુરુની આશ્રમ શાળાએથી વિદ્યાજ્ઞાન મેળવી પોતાના ઘેર જઈ રહ્યો હતો. તે ઘરે પહોંચ્યો એ જ સમયે એક મુસાફર ધોમધખતી ગરમીમાં ચાલતાં ચાલતાં તેના ઘરના આંગણાના ઝાડની છાયામાં બેઠા હતા. આ મુસાફર ચાલીને ખૂબ થાકી ગયા જણાતા હતા. તેથી પરસેવે રેબઝેબ થયા હતા, ગળું સુકાતું હતું, બોલવાના પણ હોશ નહોતા. શાળાએથી ગરમીમાં થાકીને આવેલા બાળકે અજાણ્યા મુસાફરની આ સ્થિતિ જોતા અતિશે ગમગીન અને લાગણીવશ બની જતા તેણે મુસાફરને ઝાડ નીચે ખાટલો નાખી બેસાડ્યા અને કહ્યું, “આપ ખૂબ થાકી ગયા લાગો છો ? અહીં ઝાડની છાયામાં બેસો. હું તમારા માટે ઠંડું પાણી લઈ આવું.” બાળક દોડતો ઘરમાં ગયો અને મુસાફરને ઠંડું પાણી પીવા આપ્યું. ‘આંગણે આવેલા અતિથિને જમાડવાનું મળે ક્યાંથી ?!’ એમ વિચારી ભાવપૂર્વક જમાડ્યા. બાળકે પોતાનાથી થતી બધી જ સેવા કરી. અને “બીજી શી મદદ કરું ?” તેમ પૂછ્યું. બાળકના વેણે વેણે વિવેકના ફૂલ ઝરતાં હતાં. તેથી મુસાફરે પૂછ્યું, “બેટા, તારું નામ શું છે ?” “વિવેક.” મુસાફરે કહ્યું, “તેં તારું નામ સાર્થક કર્યું.”

બાળકની વર્તણૂક જોઈ મુસાફર વિચારમાં સરી પડ્યા કે, “આ છોકરો પણ શાળાએથી ચાલતો ઘેર પહોંચ્યો હતો, એ પણ થાકેલો, તરસ્યો ને ભૂખ્યો હતો છતાં એણે પોતાની પરવા કર્યા વગર હું અજાણ્યો હોવા છતાં કેટલો વિવેક દાખવી મારી સરભરા કરી ! આવો વિવેકી અને ગુણિયલ બાળક શોધ્યો ન જડે.”

મુસાફરે બાળકને કહ્યું, “મારે રાજાને મળવું છે તો તું મને લઈ જઈશ ?” બાળક તેમને રાજમહેલ સુધી લઈ ગયો. મુસાફરે પણ તેને પોતાની સાથે અંદર આવવા કહ્યું. બાળક સંકોચ અનુભવતો અંદર આવ્યો. મુસાફર અંદર જતાની સાથે રાજગાદી પર બેસી ગયા. આ મુસાફર પોતે જ રાજા હતા. તેઓ વેશપલટો કરી નગરચર્યા કરવા નીકળ્યા હતા. તેઓ નિઃસંતાન હોવાથી પોતાના વારસદારની શોધ માટે નીકળ્યા હતા. આ બાળકનું વિવેકી વર્તન જોઈ રાજાએ બાળકને કહ્યું, “અત્યાર સુધી હું તારા જેવા વિવેકી બાળકની શોધમાં હતો; જેને મારો વારસદાર કરવો હતો. કારણ, ભવિષ્યનો રાજા પણ વિવેકી જ જોઈએ.” આટલું બોલી રાજાએ તેને પોતાની ગાદી પર બેસાડી વારસદાર તરીકે ઘોષિત કર્યો. એક ઘરઆંગણે આવેલા પરોણાની વિવેકસભર સરભરા પણ જીવનની બાજી બદલી નાખે છે. વિવેકનો આંતરિક પ્રભાવ જ એવો છે કે સામેનાને અંતરથી રાજી કરી લે.

‘Politness is a fountain of gladness.’ અર્થાત્‌ ‘વિવેક એ પ્રસન્નતાનો ફુવારો છે.’

‘વિવેક’ આ ત્રણ અક્ષરનો બનેલો શબ્દ એ જીવનની હર એક ક્ષણ સાથે અભિન્નપણે જોડાયેલો છે. વિવેક એટલે...

વિ - વિચારશીલ જીવન.

વે - વેણમાં મીઠાશ અને મધુરતા.

ક - કહ્યા મુજબ વર્તવાનો આદર્શ.

શિષ્ટાચારયુક્ત અને સભ્યતાભર્યા વિચાર, વાણી અને વર્તનનો સંયોગ એટલે જ વિવેક.

સાર-અસારને જાણી, સમજી કોઈ પણ વ્યક્તિ સાથે સુયોગ્ય વર્તન કરવું તેને કહેવાય વિવેક.

આપણાં કપડાં, રૂપ, સત્તા, સંપત્તિ કે બુદ્ધિમત્તાથી આપણા આદર્શ વ્યક્તિત્વનું માપદંડ નથી નીકળતું પરંતુ આપણી ભીતરમાં રહેલો વિવેક જ આપણી આદર્શતાને ફલિત કરે છે. ચાહે પછી તે નાના હોય કે મોટા, ગરીબ હોય કે તવંગર, ત્યાગી હોય કે ગૃહસ્થ સૌના જીવન વિવેકરૂપી આભૂષણથી જ શોભે છે. જીવનની હર એક પળે વિવેક ફરજિયાત છે. કારણ, વિવેક વિનાનું જીવન જ શૂન્ય જેવું છે. તેની કોઈ કિંમત નથી.

આપણા જીવનમાં વિચાર, વાણી અને વર્તન આ ત્રણેયનો વિવેક જોઈએ જ. જો વિવેક જ ન હોય તો લગામ વગરના ઘોડા જેવું આપણું જીવન બની જાય. વિચાર એ માનસિક પ્રક્રિયા છે જે સતત ચાલતી જ હોય છે. જેમાં યોગ્ય અને અયોગ્ય કોઈ પણ પ્રકારના વિચારો સતત ચાલતા જ રહેતા હોય છે. પછી એ વિચારો જ આપણને એવી વાણી બોલવા અને વર્તન કરવા પ્રેરતા હોય છે. ન કરવા યોગ્ય ખરાબ વિચારો, અભાવ-અવગુણ, પૂર્વાગ્રહના કે નકારાત્મક વિચારો કરવામાં વિવેક રાખી પાછા ન વળીએ તો આપણું જીવન બરબાદ થઈ જાય છે. અને જે વ્યક્તિ વિચારો ઉપર વિવેકરૂપી અંકુશ રાખે છે તે સદ્‌વિચારો કરી જીવનમાં અણધારી સફળતા પ્રાપ્ત કરે છે. વિચારો બહુધા પોતાના સ્વજીવનની પ્રગતિ અને અધોગતિનો આધાર બનતા હોય છે. માટે વિવેકી બનવા વિવેકી વિચારો કરીએ. વિવેકનો છોડ આપોઆપ નથી ઊગતો, વિવેકી વિચારના બીજારોપણથી જ ઊગે છે.

આપણે હરહંમેશ સમૂહજીવનમાં જ રહેવા ટેવાયેલા છીએ જેમાં બહુધા એકબીજા સાથે વાણી-વર્તનનો વ્યવહાર થતો હોય છે. આજના સમાજની વર્તમાન પરિસ્થિતિમાં ઘર-ઘર, વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેના પારસ્પરિક સંબંધો પાંગળા બનતા જાય છે. અને ક્લેશ, કંકાશ અને ઝઘડા વધતા જાય છે. તેનું મૂળ કારણ વાણી-વર્તનનો અવિવેક જ જણાય છે. આજે એક જ પરિવારમાં સાસુ-વહુ, પતિ-પત્ની, માતાપિતા-બાળકો વચ્ચે જે મતભેદ થાય છે તેમાં અવિવેકી વાણી-વર્તનનો ફાળો મોટો હોય છે. આ ઉપરાંત આપણા પહેરવા-ઓઢવામાં, જમવામાં, દ્રવ્ય વાપરવામાં, મંદિરમાં, મહારાજની આગળ, મોટાપુરુષની આગળ, સંતો-ભક્તોની આગળ બધે વિવેકની જરૂર પડે જ. જ્યારે વિવેકસભર વાતાવરણ સર્જાય છે ત્યારે ઘર પણ મંદિર તુલ્ય બની જાય છે. માટે સૌપ્રથમ આપણી વાણીમાં વિવેક રાખવો ફરજિયાત છે.

બાની મેં સૂઈ ભલે રખો,

મગર ઉસમેં ધાગા ડાલકર રખો;

તાકી સૂઈ કેવલ છેદ હી ન કરે,

બલ્કે આપસ મેં માલા કી તરહ પીરોરકર રખે.

સંસાર-વ્યવહારમાં સમય, સંજોગ, પરિસ્થિતિ બદલાતા રહેવાના. તેમાં કોઈને કહેવું ઘટે તો કહેવું પરંતુ વિવેક ચૂકીને ન કહીએ. વિવેકી થઈ કોઈને સો ભૂલ બતાવવામાં આવે તોપણ સામેવાળાને તેનો સહજ સ્વીકાર થાય છે. કારણ કોઈને પોતાનું સ્વાભિમાન ઘવાય તે પસંદ નથી હોતું. માટે વિવેક-મર્યાદામાં રહીને બોલવાથી સામેનાનો અને આપણો બેયનો આદર જળવાય અને જીવનપરિવર્તન થાય. નહિ તો જીવનપરિવર્તન થવાને બદલે ઈર્ષ્યા, વેરઝેરની અગનજાળમાં સળગી જાય છે ને કુસંપનો દાવાનળ ફાટી નીકળે છે. જેમ ખેતરમાં કડવી કાકડીના થોડા જ બીજ રોપાયા હોવા છતાં ઢગલો કડવી કાકડી ઊગે છે તેમ આપણા રોજબરોજના વ્યવહારમાં થોડો અવિવેક થઈ જાય તોય પ્રશ્નોની વણઝાર ખડી થઈ જાય છે. ઉદ્‌વેગ-અથડામણ સર્જાય છે.

આ વિવેકરૂપી ગુણને ધારણ કરી આપણા સંસાર-વ્યવહારને વધુ સરળ બનાવીએ.